આ જોડીએ ૨૦૨૪ની ૨૩ જૂને રજિસ્ટર્ડ મૅરેજ કર્યાં હતાં
લગ્નની પહેલી ઍનિવર્સરીએ સોનાક્ષીએ પતિ માટે સોશ્યલ મીડિયામાં એક પોસ્ટ શૅર કરી હતી
સોનાક્ષી સિંહા અને ઝહીર ઇકબાલનાં લગ્નને ૨૩ જૂને એક વર્ષ પૂરું થયું છે. ૨૦૨૪ની ૨૩ જૂને તેમણે રજિસ્ટર્ડ મૅરેજ કર્યાં હતાં અને પછી રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રિસેપ્શનમાં નજીકના મિત્રો અને પરિવારના સભ્યો સામેલ થયા હતા. લગ્ન પહેલાં બન્નેએ લગભગ આઠ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યાં હતાં. લગ્નની પહેલી ઍનિવર્સરીએ સોનાક્ષીએ પતિ માટે સોશ્યલ મીડિયામાં એક પોસ્ટ શૅર કરી હતી.
સોનાક્ષીએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટની સ્ટોરી પર એક ફોટો શૅર કર્યો હતો જેમાં તે અને ઝહીર સાથે છે. તેની સાથે તેણે સ્માઇલિંગ ઇમોજી સાથે લખ્યું કે ‘હૅપી ઍનિવર્સરી તે વ્યક્તિને જે આઠ વર્ષ સુધી મારો બૉયફ્રેન્ડ હતો અને એક વર્ષથી મારો પતિ છે. ભગવાનનો આભાર કે માણસ તો તે જ છે.’
ADVERTISEMENT
સોનાક્ષીના ઘરે થયેલી પ્રથમ ઍનિવર્સરીની ઉજવણીની ઝલક તેણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શૅર કરી હતી. એક બીજા ફોટોમાં ડેકોરેશન દેખાતું હતું અને ત્યાં ઝહીર બેઠો હતો. સોનાક્ષીએ લખ્યું કે ‘દુનિયાનાં સૌથી સારાં સાસરિયાં, તેમણે મને પહેલાં આ વ્યક્તિ આપી અને પછી ઢગલો પ્રેમ.’
સોનાક્ષીની આ પોસ્ટને ઝહીરે પોતાની ઇન્સ્ટા સ્ટોરી પર શૅર કરી અને પ્રેમભર્યો પ્રતિભાવ આપતાં લખ્યું, ‘લવ યુ જાનેમન.’
મને સોનાક્ષીનાં લગ્નથી પ્રૉબ્લેમ હોવાની વાત મોટી ગેરસમજ- ભાઈ કુશ સિંહાએ એક ઇન્ટરવ્યુમાં સ્પષ્ટતા કરી
સોનાક્ષી સિંહા અને ઝહીર ઇકબાલે ૨૦૨૪ની ૨૩ જૂને લગ્ન કર્યાં હતાં. તેમનાં લગ્નને લઈને અનેક પ્રકારની અફવાઓ અને અટકળો ફેલાઈ હતી. શરૂઆતમાં એવું કહેવામાં આવ્યું હતું કે સોનાક્ષીના પિતા શત્રુઘ્ન સિંહા અને ભાઈ કુશ તેનાં ઝહીર સાથેનાં લગ્નથી ખુશ નથી. એવું પણ કહેવાયું હતું કે શત્રુઘ્ન સિંહા લગ્નમાં હાજર નહીં રહે. જોકે આ બધી અફવાઓ ખોટી સાબિત થઈ. શત્રુઘ્ન સિંહાએ પોતાની દીકરી સોનાક્ષી અને જમાઈ ઝહીરનાં લગ્નમાં ભાગ લીધો અને તેમને આશીર્વાદ પણ આપ્યા.
સોનાક્ષીના ભાઈ કુશ વિશે પણ આવી જ અફવાઓ ફેલાઈ હતી કે તે લગ્નમાં સામેલ નહોતો થયો. સોનાક્ષીએ શૅર કરેલી લગ્નની તસવીરોમાં કુશ દેખાતો નહોતો અને કુશે પણ લગ્ન સાથે જોડાયેલી કોઈ પોસ્ટ કરી નહોતી. આનાથી એવી અટકળો લગાવવામાં આવી હતી કે કુશ આ લગ્નથી નાખુશ હતો અને તેણે લગ્નમાં ભાગ લીધો નહોતો. જોકે હવે કુશે આ બધી અફવાઓને ખોટી ગણાવી છે.
હાલમાં એક ઇન્ટરવ્યુમાં કુશે કહ્યું કે ‘ગયા વર્ષથી એક ગેરસમજ ચાલી રહી છે. સોનાક્ષી મારી બહેન છે. હું તેનાં લગ્નમાં સંપૂર્ણ રીતે હાજર હતો. મને ખબર નથી કે હું ત્યાં નહોતો એવી અફવા કોણે ફેલાવી. હું મારી બહેનને ખૂબ પ્રેમ કરું છું. હું ફક્ત એટલું જ કહી શકું છું કે આ બધી ખોટી માહિતી હતી. તે હંમેશાં ખૂબ સારી રહી છે.’


