શેફાલી ઑગસ્ટ ૨૦૨૪માં પારસ છાબડાના પૉડકાસ્ટ ‘આબરા કા ડાબરા’માં આવી હતી. એપિસોડ દરમ્યાન પારસે પછી શેફાલીની કુંડળી વિશે એક ચોંકાવનારો જ્યોતિષી ખુલાસો કર્યો હતો.
શેફાલીએ થોડા દિવસ પહેલાં આ તસવીરો સાથે શૅર કરેલો મેસેજ.
પતિ પરાગ પર તૂટી પડ્યો છે દુઃખનો પહાડ

ADVERTISEMENT
શેફાલીના માથે હાથ ફેરવીને, તેને ચૂમીને વિદાય આપતો પરાગ.
શેફાલી જરીવાલા માત્ર ૪૨ વર્ષની હતી અને દેખાવમાં એકદમ ફિટ હતી. આવી સ્થિતિમાં તેનું મૃત્યુ દરેક માટે આઘાતજનક છે, પણ પતિ પરાગ પર તો જાણે દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. શેફાલી જરીવાલાના મૃત્યુ બાદ તેના પતિ પરાગનો એક વિડિયો બહાર આવ્યો છે એમાં તે પોતાના ઘરની બહાર જોવા મળે છે. એ દરમ્યાન પરાગ સાથે તેનો પાળેલો ડૉગ સિમ્બા પણ હતો. એ વખતે પરાગના હાથમાં શેફાલીની એક તસવીર જોવા મળી રહી છે. હાથમાં પત્નીની તસવીર લઈને પરાગના ચહેરા પર તેને ગુમાવવાનું દુઃખ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આ પહેલાં પણ જ્યારે કૂપર હૉસ્પિટલમાં શેફાલીના મૃતદેહનું પોસ્ટમૉર્ટમ થઈ રહ્યું હતું ત્યારે પરાગે ત્યાં હાજર ફોટોગ્રાફર્સને હાથ જોડીને વિનંતી કરી હતી કે તમે આ મુશ્કેલ સમયમાં મને પ્રાઇવસી આપો, આવું બધું ન કરો.
શેફાલીના મૃત્યુ બાદ પરાગની છેલ્લી સોશ્યલ મીડિયા પોસ્ટ પણ વાઇરલ થઈ રહી છે. હકીકતમાં શેફાલીના મૃત્યુના થોડા કલાક પહેલાં પરાગે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોતાનો એક મિરર-સેલ્ફી શૅર કર્યો હતો જેમાં તે જિમમાં વર્કઆઉટ કરતો જોવા મળી રહ્યો હતો અને તેને જરા પણ આશંકા નહોતી કે થોડા કલાકમાં જ તેની દુનિયા બદલાઈ જવાની છે.

ભાંગી પડેલી મમ્મી.
પોલીસ થઈ સક્રિય
શુક્રવારે ઍક્ટ્રેસ શેફાલી જરીવાલાના મૃત્યુના મુદ્દે મુંબઈ પોલીસ તપાસમાં જોડાઈ છે. પોલીસે શેફાલીના પતિ પરાગ ત્યાગીનું નિવેદન તેના ઘરે જઈને નોંધ્યું હતું. અત્યાર સુધી આ મામલે કુલ ચાર જણનાં નિવેદન નોંધવામાં આવ્યાં છે. શેફાલીના મૃતદેહનું પોસ્ટમૉર્ટમ કરવામાં આવ્યું છે અને પોલીસની સાથે ફૉરેન્સિક ટીમે પણ તપાસ શરૂ કરી છે. શેફાલીના ઘરે કામ કરતા રસોઈયા અને નોકરાણીની પણ આ મામલે પૂછપરછ કરવામાં આવી છે. આ પૂછપરછમાં ફિટનેસ-ટ્રેઇનરે જણાવ્યું કે શેફાલી તેના સ્વાસ્થ્યને તેમ જ ડાયટને લઈને ખૂબ સજાગ હતી. એપિલેપ્સીના હુમલાથી બચવા માટે તે ઠંડી વસ્તુઓથી દૂર રહેતી હતી.
શરૂઆતમાં જાણવા મળ્યું હતું કે શેફાલીનું મૃત્યુ કાર્ડિઍક અરેસ્ટને લીધે થયું છે, પણ પોસ્ટમૉર્ટમ રિપોર્ટના આધારે મુંબઈ પોલીસ કાર્યવાહી આગળ વધારશે.
ઍન્ટિ-એજિંગ ટ્રીટમેન્ટ શંકામાં
શેફાલી જરીવાલા ફિટ હોવા છતાં ૪૨ વર્ષની ઉંમરે અચાનક કાર્ડિઍક અરેસ્ટને લીધે મૃત્યુ પામતાં તેના ફૅન્સને ભારે આઘાત લાગ્યો છે. પોલીસ પણ આ મામલાની દરેક દૃષ્ટિકોણથી તપાસ કરી રહી છે. એ દરમ્યાન શેફાલીની એક ટ્રીટમેન્ટ વિશે માહિતી સામે આવી રહી છે. મળતી માહિતી અનુસાર શેફાલી ઍન્ટિ-એજિંગ એટલે કે યુવાન દેખાવા માટેની ટ્રીટમેન્ટ લઈ રહી હતી. યુવાન દેખાવા માટે શેફાલી છેલ્લાં પાંચ-છ વર્ષથી આ ટ્રીટમેન્ટ કરાવતી હતી. શેફાલીનો ઇલાજ કરનાર ડૉક્ટરે કહ્યું હતું કે શેફાલી બે દવાઓ લઈ રહી હતી જેમાં વિટામિન-સી અને ગ્લુટાથિઓન નામની દવાનો સમાવેશ થાય છે. જોકે ડૉક્ટરે દાવો કર્યો છે કે આ દવાનો હૃદય સાથે કોઈ સંબંધ નથી. આ દવા ત્વચાને વધુ ગોરી અને શાઇની બનાવવા માટે લેવામાં આવે છે અને એની અસર ફક્ત ત્વચા પર જ થાય છે. હવે શેફાલીના મૃત્યુનું સાચું કારણ પોસ્ટમૉર્ટમ રિપોર્ટ બાદ જ જાણી શકાશે.
‘બિગ બૉસ’ જ શાપિત લાગે છે
શેફાલી જરીવાલાના નાની વયે કાર્ડિઍક અરેસ્ટને લીધે થયેલા અવસાનથી મિત્રોને બહુ આઘાત લાગ્યો છે. ‘બિગ બૉસ 13’માં તેની સાથે જોવા મળેલા હિમાંશી ખુરાનાએ ઇન્સ્ટા સ્ટોરી પર શેફાલી જરીવાલાના મૃત્યુ પર શોક વ્યક્ત કરતી એક પોસ્ટ મૂકી છે. તેણે દિવંગત ઍક્ટ્રેસ સાથેનો એક સેલ્ફી શૅર કરતાં લખ્યું હતું કે મને લાગે છે કે બિગ બૉસ જ શાપિત છે. હકીકતમાં ‘બિગ બૉસ 13’નાં સ્પર્ધકો શેફાલી જરીવાલા અને સિદ્ધાર્થ શુક્લાનું કાર્ડિઍક અરેસ્ટને કારણે બહુ નાની વયે અવસાન થયું છે. તેણે એક હાર્ટબ્રેકર ઇમોજી પણ શૅર કરી હતી.
છેલ્લી પોસ્ટ ચર્ચામાં
શેફાલીનું શુક્રવારે મોડી રાતે અચાનક અવસાન થયું એ પછી તેણે સોશ્યલ મીડિયામાં મૂકેલી છેલ્લી પોસ્ટ ચર્ચાસ્પદ બની છે. શેફાલીએ મૃત્યુ પહેલાં કેટલીક ગ્લૅમરસ તસવીરો ઉપરાંત એક વિડિયો પણ શૅર કર્યો હતો જેના પર લખ્યું હતું, ‘સમય આવી ગયો છે જીવન જીવવાનો.’ આ વિડિયોમાં શેફાલી ફરી એક વાર ‘કાંટા લગા’ જેવા લુકમાં જોવા મળે છે. એ સિવાય ત્રણ દિવસ પહેલાં શેફાલીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક સુંદર તસવીરો પોસ્ટ કરી હતી જેમાં તે અલગ-અલગ પોઝ આપતી જોવા મળી હતી.
પારસ છાબડાએ પોતાના પૉડકાસ્ટમાં કરી હતી શેફાલી જરીવાલાના અચાનક મૃત્યુની આગાહી? તેના મૃત્યુ પછી શોનો જૂનો વિડિયો થઈ રહ્યો છે વાઇરલ

શેફાલી જરીવાલાનું શુક્રવારે મોડી રાતે મુંબઈમાં નિધન થયું હતું. ૪૨ વર્ષની શેફાલી ફિટ ઍન્ડ ફાઇન હતી. મીડિયા-રિપોર્ટ્સમાં શેફાલીના મોતનું કારણ કાર્ડિઍક અરેસ્ટ જણાવવામાં આવી રહ્યું છે, પણ એ વાતની પુષ્ટિ હજી થઈ નથી. શેફાલીના અવસાનથી ઇન્ડસ્ટ્રી શોકમાં છે ત્યારે ટીવી-ઍક્ટર અને પ્રેઝન્ટેટર પારસ છાબડાના પૉડકાસ્ટનો એક જૂનો વિડિયો વાઇરલ થઈ રહ્યો છે જેમાં પારસે એક તબક્કે શેફાલીની કુંડળી જોઈને કહ્યું હતું કે તેનું અચાનક મૃત્યુ થઈ શકે છે. પારસ શેફાલી જરીવાલાના પતિ પરાગ ત્યાગીનો નજીકનો મિત્ર છે. ‘બિગ બૉસ 13’માં તે અવારનવાર શેફાલીને ભાભી કહીને બોલાવતો હતો. હવે પારસનો આ જૂનો વિડિયો સાચો પડ્યો હોવાથી ફૅન્સને ભારે આંચકો લાગ્યો છે.
શેફાલી ઑગસ્ટ ૨૦૨૪માં પારસ છાબડાના પૉડકાસ્ટ ‘આબરા કા ડાબરા’માં આવી હતી. એપિસોડ દરમ્યાન પારસે પછી શેફાલીની કુંડળી વિશે એક ચોંકાવનારો જ્યોતિષી ખુલાસો કર્યો હતો. પારસે શેફાલીની કુંડળી જોઈને કહ્યું હતું, ‘તમારા આઠમા ઘરમાં ચંદ્ર, બુધ અને કેતુ બેઠા છે. ચંદ્ર અને કેતુનું સંયોજન સૌથી ખરાબ હોય છે. આઠમું ઘર નુકસાન, અચાનક મૃત્યુ, પ્રસિદ્ધિ, છુપાયેલાં રહસ્યો, તાંત્રિક સંબંધી બાબતોનું પણ સૂચન કરે છે. તમારા માટે ચંદ્ર અને કેતુનું સંયોજન ખરાબ તો છે જ અને એની સાથે બુધ પણ બેઠો છે. આ ચિંતા અને ન્યુરો સંબંધી સમસ્યાઓને જન્મ આપે છે. ’


