‘સૈયારા’થી રાતોરાત સફળતા મેળવનાર અહાન પાંડેએ તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં જાહેર કર્યું છે કે તેનું હિન્દુ નામ યશ પાંડે છે.
‘સૈયારા’થી રાતોરાત સફળતા મેળવનાર અહાન પાંડે
‘સૈયારા’થી રાતોરાત સફળતા મેળવનાર અહાન પાંડેએ તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં જાહેર કર્યું છે કે તેનું હિન્દુ નામ યશ પાંડે છે. પોતાના આ નામ પાછળનો ઘટનાક્રમ કહેતાં અહાને જણાવ્યું હતું કે ‘મારી મમ્મી ડીએન પાંડે ખ્રિસ્તી છે, જ્યારે પપ્પા ચિક્કી પાંડે હિન્દુ છે. આને કારણે તેમણે મારા અને મારી બહેનનાં ખ્રિસ્તી અને હિન્દુ એમ બન્ને નામ પાડ્યાં છે. મારું હિન્દુ નામ ‘યશ’ છે જે યશરાજ ફિલ્મ્સ પરથી પ્રેરણા લઈને પાડવામાં આવ્યું છે, જ્યારે મારી બહેન અલાનાનું હિન્દુ નામ ચાંદની છે જે યશરાજ ફિલ્મ્સની આઇકૉનિક ફિલ્મ ‘ચાંદની’ પરથી પાડવામાં આવ્યું છે. મારા અને મારી બહેનનાં હિન્દુ નામ અમારા પરિવારનો સિનેમા પ્રત્યેનો લગાવ દર્શાવે છે. મારાં દાદીનું સપનું હતું કે હું યશરાજ ફિલ્મ્સની મૂવીમાં કામ કરું અને તેઓ મને હંમેશાં રાજ કહીને જ બોલાવતાં હતાં. ‘સૈયારા’માં કામ કરીને મેં મારાં દાદીનું સપનું પૂરું કર્યું છે.’
સૈયારામાં મને લીડ રોલ મળે એ માટે અહાને ચર્ચમાં પ્રાર્થના કરી હતી
ADVERTISEMENT
અનીત પડ્ડાએ તેની ફિલ્મ ‘સૈયારા’ની બ્લૉકબસ્ટર સફળતા બાદ પોતાના પ્રથમ ઇન્ટરવ્યુમાં એક હૃદયસ્પર્શી ક્ષણ શૅર કરી. અનીતે ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જ્યારે તે ‘સૈયારા’ માટે ઑડિશન આપી રહી હતી ત્યારે અહાન પાંડેએ તેને મુંબઈના માઉન્ટ મૅરી ચર્ચમાં લઈ જઈને મીણબત્તી પ્રગટાવીને તેને માટે રોલ મળે એ માટેની પ્રાર્થના કરી હતી. અનીતે કહ્યું હતું કે ‘હું ઑડિશન આપી રહી હતી ત્યારે અહાન મને ચર્ચમાં લઈ ગયો હતો. અમે મીણબત્તી પ્રગટાવી હતી. એ પછી કારમાં બેઠાં હતાં. મેં તેને પૂછ્યું, ‘તેં શું માગ્યું?’ તેણે મને પૂછ્યું, ‘તેં શું માગ્યું?’ એક અઠવાડિયા બાદ મને કૉલ આવ્યો કે મને રોલ મળી ગયો અને પછી તેણે કહ્યું, ‘મેં માગ્યું હતું કે તને આ રોલ મળે.’


