Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રામ મંદિરના ચુકાદાથી દુ:ખી સ્વરા ભાસ્કરે મુસ્લિમ મિત્રોને મૅસેજ કરી માફી માગી!

રામ મંદિરના ચુકાદાથી દુ:ખી સ્વરા ભાસ્કરે મુસ્લિમ મિત્રોને મૅસેજ કરી માફી માગી!

Published : 17 September, 2026 09:20 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

પોતાના મૅસેજ અંગે સ્વરાએ કહ્યું, "હું હિન્દુ છું, પરંતુ હું તેમને કહેવા માગતી હતી કે મને ખરેખર દુઃખ છે. મને શરમ આવતી હતી અને હું ચુકાદા સાથે સહમત નહોતી. આ મારો વ્યક્તિગત અભિપ્રાય હતો." તેણે ઉલ્લેખ કર્યો કે કેટલાક લોકોએ જવાબમાં કહ્યું કે બધું બરાબર છે

સ્વરા ભાસ્કર

સ્વરા ભાસ્કર


અભિનેત્રી સ્વરા ભાસ્કરે 2019ના અયોધ્યા રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ કેસ પર સુપ્રીમ કોર્ટના ચુકાદા અંગે પોતાની નવી પ્રતિક્રિયા શૅર કરી છે. તાજેતરમાં એક પોડકાસ્ટ પર વાત કરતા સ્વરાએ કહ્યું કે ચુકાદા બાદ તે ખૂબ જ દુઃખી હતી. તેણે પોતાની અસંમતિ અને દુઃખ વ્યક્ત કરવા માટે તેના કૉન્ટેક્ટ લિસ્ટમાં રહેલા મુસ્લિમ મિત્રોને મૅસેજ કર્યા હતા.

આમિર, શાહરૂખ અને સલમાનને મૅસેજ કર્યા



સ્વરાએ કહ્યું કે તેને આ ચુકાદો અન્યાયી લાગ્યો. તે ઈચ્છતી હતી કે તેના મુસ્લિમ મિત્રોને ખબર પડે કે તે આ નિર્ણય સાથે સહમત નથી. તેણે આમિર ખાન, શાહરૂખ ખાન, સલમાન ખાન અને ફહદ અહમદ સહિતના મુસ્લિમ મિત્રોને મૅસેજ મોકલ્યા હતા. સ્વરાએ કહ્યું, "જ્યારે આ મામલે ચુકાદો આવ્યો ત્યારે હું ખૂબ દુઃખી થઈ હતી. મને વિચાર આવતો હતો કે આ કેવો દેશ છે અને આવો ચુકાદો કેવી રીતે આપી શકાય. હું આ ચુકાદાથી ખૂબ વ્યથિત હતી કારણ કે મને લાગ્યું કે તે અત્યંત ખોટો અને અન્યાયી હતો. તેથી, મેં મારા કૉન્ટેક્ટ લિસ્ટમાં રહેલા તમામ મુસ્લિમો મિત્રોને મૅસેજ કર્યા. આમિર ખાન, શાહરૂખ ખાન અને સલમાન સરથી લઈને ફહદ અહમદ સુધી - મેં દરેકને મૅસેજ કર્યો." પોતાના મૅસેજ અંગે સ્વરાએ કહ્યું, "હું હિન્દુ છું, પરંતુ હું તેમને કહેવા માગતી હતી કે મને ખરેખર દુઃખ છે. મને શરમ આવતી હતી અને હું ચુકાદા સાથે સહમત નહોતી. આ મારો વ્યક્તિગત અભિપ્રાય હતો." તેણે ઉલ્લેખ કર્યો કે કેટલાક લોકોએ જવાબમાં કહ્યું કે બધું બરાબર છે અને તેણે આવો મૅસેજ મોકલવાની કોઈ જરૂર નથી.


નિવેદન બાદ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા

સ્વરાના નિવેદન બાદ કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે તેની ટીકા કરી હતી. એક યુઝરે લખ્યું, "સ્વરા ભાસ્કર રામ મંદિરના ચુકાદાથી નારાજ હતી. ક્યારેક મને તેના પર ખરેખર દયા આવે છે. તે કામ મેળવવાની આશામાં દિવસ-રાત બૉલિવૂડના વખાણ કરતી રહે છે, છતાં કોઈક રીતે તેને ક્યારેય કામ મળતું નથી." અન્ય એક યુઝરે લખ્યું, "તે માત્ર હૅડલાઇન્સમાં રહેવા માટે કંઈ પણ બોલે છે." એક યુઝરે લખ્યું, "અમને પણ તમને હિન્દુ કહેતા શરમ આવે છે." 


9 નવેમ્બર, 2019ના રોજ ચુકાદો આવ્યો હતો

9 નવેમ્બર, 2019ના રોજ, સુપ્રીમ કોર્ટની પાંચ ન્યાયાધીશોની બંધારણીય બૅન્ચે અયોધ્યા જમીન વિવાદ પર સર્વસંમતિથી ચુકાદો આપ્યો હતો. રામ મંદિરના નિર્માણ માટે 2.77 એકર વિવાદિત જમીન ફાળવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. સાથે જ, કેન્દ્ર સરકારને નિર્દેશ આપવામાં આવ્યો હતો કે તેઓ અયોધ્યામાં મસ્જિદના નિર્માણ માટે સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડને પાંચ એકર વૈકલ્પિક જમીન પૂરી પાડે.

CAA-NRC વિરોધ પ્રદર્શનોમાં સ્વરાની હાજરી

પોડકાસ્ટમાં, સ્વરા અને ફહાદ અહમદે તેમની પ્રેમકથા વિશે પણ વાત કરી હતી. આ બન્નેની પ્રથમ મુલાકાત 2019-2020 માં મુંબઈના ઑગસ્ટ ક્રાંતિ મેદાન ખાતે CAA અને NRC વિરોધી આંદોલનો દરમિયાન થઈ હતી. ત્યારબાદ, તેઓએ સામાજિક અને રાજકીય મુદ્દાઓ પર સાથે કામ કરવાનું શરૂ કર્યું. સ્વરાએ જણાવ્યું હતું કે તેને ફહાદની કામ કરવાની પદ્ધતિ પસંદ હતી. સ્વરા ભાસ્કર અને ફહાદ અહમદે 16 ફેબ્રુઆરી, 2023 ના રોજ કોર્ટ મૅરેજ કર્યા હતા.

2020 માં પણ કાયદાકીય કાર્યવાહીની માગ

2020 માં, અયોધ્યા ચુકાદા અંગેની ટિપ્પણીઓને લઈને સ્વરા વિરુદ્ધ ફોજદારી અવમાનના (criminal contempt)ની કાર્યવાહી શરૂ કરવાની માગ કરવામાં આવી હતી. વકીલ અનુજ સક્સેનાએ તત્કાલીન એટર્ની જનરલ કે. કે. વેણુગોપાલ પાસેથી આ માટે મંજૂરી માગી હતી. 1 ફેબ્રુઆરી, 2020 ના રોજ `મુંબઈ કલૅક્ટિવ` કાર્યક્રમમાં બોલતા સ્વરાએ કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે બાબરી મસ્જિદના ધ્વંસને ગેરકાયદેસર ગણાવ્યો હોવા છતાં, તે જ ચુકાદામાં તે જમીન એવા લોકોને સોંપી દીધી જેમણે મસ્જિદ તોડી પાડી હતી. તેણે એવી ટિપ્પણી પણ કરી હતી કે દેશ એવા તબક્કે પહોંચી ગયો છે જ્યાં અદાલતો અને બંધારણ પરના વિશ્વાસ પર સવાલો ઉઠી રહ્યા છે. કે. કે. વેણુગોપાલે ફોજદારી અવમાનનાની કાર્યવાહી માટે પરવાનગી આપવાનો ઇનકાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સ્વરાનું પ્રથમ નિવેદન તેની વ્યક્તિગત ધારણા દર્શાવે છે અને તે સુપ્રીમ કોર્ટ સંસ્થાનું અપમાન કરતું નથી. તેમણે તેના બીજા નિવેદનને સામાન્ય અને અસ્પષ્ટ ગણાવ્યું હતું. ત્યારબાદ, અરજદારો સોલિસિટર જનરલ તુષાર મહેતા પાસે ગયા, જેમણે પણ સંમતિ આપવાનો ઇનકાર કર્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

17 September, 2026 09:20 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK