છ મહિનાની સખત મહેનત બાદ મળ્યું છે તેને કૅપ્ટનનું લાઇસન્સ
આર. માધવન
આર. માધવન પાસે શાનદાર યૉટ છે અને કૅપ્ટનનું લાઇસન્સ મળે એવું વર્ષોથી જોયેલું તેનું સપનું પણ પૂરું થયું છે. તેણે આ યૉટ દુબઈમાં પાર્ક કરેલી છે. કોવિડ દરમ્યાન તેણે કૅપ્ટનનું લાઇસન્સ મેળવવા માટે મહેનત કરી હતી. એ વિશે આર. માધવન કહે છે, ‘હું હંમેશાંથી લાઇસન્સ્ડ કૅપ્ટન બનવા માગતો હતો. કોવિડ દરમ્યાન ઘણો સમય હતો એથી મેં એનો સદુપયોગ કર્યો. છ મહિનાની સખત મહેનત બાદ મને મારું સપનું પૂરું કરવામાં સફળતા મળી.’ આ યૉટ તેના દિલની ખૂબ નજીક છે. ચાળીસ ફુટ લાંબી આ યૉટની કિંમત ચાર કરોડ રૂપિયાથી માંડીને વીસ કરોડ રૂપિયા સુધીની હોય છે. એમાં બેસવાનો અનુભવ શૅર કરતાં આર. માધવન કહે છે, ‘મારા માટે આ એક યૉટ કરતાં પણ વિશેષ છે. હું આ યૉટ લઈને સમુદ્રમાં નીકળી જાઉં છું. મારા વિચારોને લખતી વખતે હું ડૉલ્ફિનને સાગરમાં ઊછળતી જોઉં છું. આ અનુભવને હું શબ્દોમાં વર્ણવી નથી શકતો.’

