મમ્મી નીલપ્રભા ઝિન્ટા સાથે કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન કર્યાં
પ્રીતિ ઝિન્ટા
પ્રીતિ ઝિન્ટાએ હાલમાં મહાશિવરાત્રિ નિમિત્તે વારાણસીની મુલાકાત લીધી હતી. તેણે પોતાની આ મુલાકાતનો વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો જેમાં તે કોઈ પણ VIP ટ્રીટમેન્ટ વિના સામાન્ય લોકોની જેમ વારાણસીમાં ફરી હતી. એ વખતે પ્રીતિ કોઈ પણ જાતની સમસ્યા વિના વારાણસીની ગલીઓમાં ફરી હતી અને મમ્મી નીલપ્રભા સાથે તેણે કાશી વિશ્વનાથ મંદિરની મુલાકાત પણ લીધી હતી.
વારાણસીમાં ફરતી વખતે પ્રીતિએ ચહેરા પર માસ્ક પહેર્યો હતો જેને કારણે તેને કોઈ ઓળખી શક્યું નહોતું. પોતાનો અનુભવ જણાવતાં પ્રીતિએ જણાવ્યું હતું કે ‘મારી આ ટ્રિપ બહુ ઍડ્વેન્ચરસ રહી છે. મારી મમ્મી શિવરાત્રિએ વારાણસી જવા માગતી હતી. અમે ત્યાં પહોંચ્યાં ત્યારે ખબર પડી કે ભારે ભીડને કારણે કાર લઈ જવાની પરવાનગી નહોતી. એક તબક્કે તો રોડ બ્લૉક થઈ ગયા હતા. લોકો ચાલીને કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન કરવા જતા હતા. અમે પણ એ રીતે જવાનું નક્કી કર્યું. અમે કાર, ઑટોરિક્ષા, હાથરિક્ષા જે મળે એની મદદ લીધી અને એક તબક્કે ભારે ભીડ વચ્ચે ચાલીને દર્શન કરવા ગયાં. અમને કોઈ તકલીફ નહોતી પડી. અમને કોઈએ ઓળખ્યાં નહોતાં.’


