છ વર્ષની ઉંમરે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જીતનારા કમલ હાસનનો ૬૪ વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્યો ૪ વર્ષની મરાઠી ચાઇલ્ડ આર્ટિસ્ટે
ત્રિશા ઠોસર
તાજેતરમાં સંપન્ન થયેલા ૭૧મા નૅશનલ ફિલ્મ અવૉર્ડ્સ અનેક કારણોને લીધે ચર્ચામાં રહ્યા છે. એમાં એક વધુ રોચક સમાચાર ઉમેરાયા છે. આ અવૉર્ડ્સમાં બેસ્ટ ચાઇલ્ડ આર્ટિસ્ટનો અવૉર્ડ ચાર વર્ષની ત્રિશા ઠોસરે જીત્યો હતો. ત્રિશાને ૨૦૨૩માં આવેલી મરાઠી ફિલ્મ ‘નાળ-2’માં તેના રોલ માટે આ અવૉર્ડ આપવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં અભિનય કરતી વખતે ત્રિશાની ઉંમર માંડ ત્રણ વર્ષની આસપાસ હતી.
આ અવૉર્ડ જીતવા સાથે તેણે કમલ હાસનનો ૬૪ વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્યો હતો. કમલ હાસને ૬ વર્ષની ઉંમરે આ અવૉર્ડ મેળવ્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પાસે નાનકડી ત્રિશા સાડી પહેરીને સજ્જ બની, કપાળ પર ચાંદલો લગાડીને હાથ જોડીને અવૉર્ડ લેવા પહોંચી અને પોતાનો અવૉર્ડ સ્વીકારતી હતી એનો વિડિયો ત્રિશાની ઉપલબ્ધિ ઉપરાંત ક્યુટનેસને કારણે ખૂબ વાઇરલ થયો છે.
ADVERTISEMENT
કમલ હાસને આપ્યાં વધામણાં
કમલ હાસને સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મના માધ્યમથી ત્રિશાને શુભેચ્છા આપતાં લખ્યું હતું કે ‘વહાલી ત્રિશા, મારા તરફથી ખૂબ-ખૂબ વધામણાં, હું છ વર્ષનો હતો જ્યારે મને મારો પ્રથમ નૅશનલ અવૉર્ડ મળ્યો હતો, તમે મારો રેકૉર્ડ તોડ્યો છે. મૅડમ, હજી તમારે બહુ લાંબી સફર ખેડવાની છે, મહેનત કરતાં રહેજો, તમારા પરિવારને અભિનંદન.’


