બૉબીની કરીઅર લાંબા સમય પછી વેગ પકડી રહી છે ત્યારે તેણે ખુલાસો કર્યો છે
બૉબી દેઓલ બન્ને દીકરાઓ સાથે
બૉબી દેઓલ હાલમાં પોતાની આગામી ફિલ્મ ‘બંદર’ને લઈને ચર્ચામાં છે. બૉબીની કરીઅર લાંબા સમય પછી વેગ પકડી રહી છે ત્યારે તેણે ખુલાસો કર્યો છે કે તેના બન્ને દીકરાઓ આર્યમન અને ધરમ ભવિષ્યમાં એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં પોતાની કરીઅર બનાવવા ઇચ્છે છે.
બૉબીએ પોતાના દીકરાઓની ઇચ્છા અને તેમની ટૅલન્ટ વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘મારો નાનો દીકરો ધરમ બહુ ટૅલન્ટેડ છે. કોવિડના સમયમાં જ્યારે બધા લોકો ઘરોમાં હતા ત્યારે ધરમે પોતે જ ફિલ્મમેકિંગ શીખવાનું શરૂ કર્યું હતું. તેણે આપમેળે શીખ્યું કે ફિલ્મોનું એડિટિંગ કેવી રીતે થાય છે, સાઉન્ડ-ઇફેક્ટ્સ કેવી રીતે ઉમેરવામાં આવે છે અને ડબિંગ કેવી રીતે કરવામાં આવે છે. માત્ર ૨૧ વર્ષની ઉંમરે ધરમે યુટ્યુબના વિડિયો જોઈને પોતે ડાન્સ શીખવાનો પણ પ્રયાસ કર્યો હતો અને એના માટે ઘણી મહેનત કરી હતી. મોટા દીકરા આર્યમનની વાત વાત કરું તો તેણે માત્ર પોતાની ક્રીએટિવ સ્કિલ્સ પર જ કામ નથી કર્યું, પોતાની ફિટનેસ પર પણ ખાસ ધ્યાન આપ્યું છે. સોશ્યલ મીડિયામાં શૅર કરવામાં આવતી મારી મોટા ભાગની તસવીરો આર્યમન જ ક્લિક કરે છે. હું ઘણી વાર તેને ક્રેડિટ પણ આપું છું.’
ADVERTISEMENT
દીકરાઓના ભવિષ્યના આયોજન વિશે વાત કરતાં બૉબીએ કહ્યું હતું કે ‘મારા બન્ને પુત્રો હીરો બનવા માગે છે. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે મારો મોટો દીકરો આર્યમન અભિનયની દુનિયામાં આવશે. મેં મારા મોટા દીકરાને ફાઇનૅન્સનો અભ્યાસ કરાવ્યો. તેણે ન્યુ યૉર્ક યુનિવર્સિટીમાંથી ઑનર્સ સાથે અભ્યાસ પૂર્ણ કર્યો. તે અભ્યાસમાં ખૂબ સારો હતો. મને લાગ્યું હતું કે તે અમેરિકામાં જ પોતાની કરીઅર બનાવશે, ત્યાં જ સેટલ થઈ જશે. જોકે તેણે ભારતમાં ઍક્ટિંગ કરવાનું વિચાર્યું છે. મારા નાના દીકરા ધરમને પણ ઍક્ટિંગમાં રસ છે.’
