પિયુષ ગુપ્તા દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં હુમા મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. ફિલ્મનું ટીઝર ખૂબ જ પ્રોમિસિંગ છે

તસવીર સૌજન્ય: યુટ્યુબ
હુમા કુરેશી (Huma Qureshi)ની આગામી ફિલ્મ તરલા (Tarla)નું ટીઝર બહાર આવ્યું છે. તે સેલિબ્રિટી શેફ અને ફૂડ રાઇટર તરલા દલાલના રોલમાં ખૂબ જ આકર્ષક લાગી રહી છે. તારલા દલાલે કૂકિંગ પર સો કરતાં વધુ પુસ્તકો લખ્યા છે જે હજુ પણ દેશના ઘણા ઘરોમાં પ્રિય છે. દલાલે તરલા દલાલ શૉ અને કૂક ઈટ અપ વિથ તરલા દલાલ જેવા લોકપ્રિય રસોઈ શૉનું પણ ભારતીય ટેલિવિઝનને આપ્યા છે.
પિયુષ ગુપ્તા દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં હુમા મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. ફિલ્મનું ટીઝર ખૂબ જ પ્રોમિસિંગ છે. આ ફિલ્મ એક મહત્વાકાંક્ષી, પરંતુ શિખાઉ શેફની વાર્તા રજૂ કરે છે જે પાકકલામાં નિપુણતા મેળવી ટેલિવિઝન સેલિબ્રિટી બને છે.
તરલા વિશે વાત કરતાં હુમા કુરેશીએ અગાઉ કહ્યું હતું કે, “તરલા દલાલ મને મારા બાળપણની યાદ અપાવે છે. મારી મમ્મીએ રસોડામાં તેમના પુસ્તકની એક કૉપી રાખી હતી અને તે ઘણીવાર મારા શાળાના ટિફિન માટે તેની ઘણી વાનગીઓ અજમાવતી હતી. મને તે સમય પણ સ્પષ્ટ રીતે યાદ છે, જ્યારે મેં મમ્મીને તરલા દલાલનું પુસ્તક વાંચી અને ઘરે મેંગો આઈસ્ક્રીમ બનાવવામાં મદદ કરી હતી. આ ભૂમિકાએ મને બાળપણની મીઠી યાદોમાં પાછી લઈ ગઈ છે.”
આ પણ વાંચો: શૉર્ટ ફિલ્મ `ઘુસપૈઠ` દિવંગત ફોટો જર્નાલિસ્ટ દાનિશ સિદ્દીકીને સમર્પિત- અમિત સાધ
તરલા દલાલનું વર્ષ 2013માં 77 વર્ષની વયે ટૂંકી માંદગી બાદ અવસાન થયું હતું. તેમને વર્ષ 2007માં પદ્મશ્રી પુરસ્કાર પણ મળ્યો હતો. રોની સ્ક્રુવાલા, અશ્વિની ઐયર તિવારી અને નિતેશ તિવારી દ્વારા નિર્મિત, તરલા ZEE5 પર પ્રીમિયર થશે.