હૃષીકેશ મારા માટે ખૂબ જ લકી રહ્યું છે : ભૂમિ પેડણેકર
હૃષીકેશ મારા માટે ખૂબ જ લકી રહ્યું છે : ભૂમિ પેડણેકર
ભૂમિ પેડણેકરનું કહેવું છે કે હૃષીકેશ તેના માટે ખૂબ જ લકી જગ્યા સાબિત થઈ છે. તેણે દેહરાદૂનમાં ‘બધાઈ દો’નું શૂટિંગ શેડ્યુલ પૂરું કર્યું છે અને તે હવે હૃષીકેશમાં આ ફિલ્મનું શૂટિંગ કરશે. તેનું માનવું છે કે આ જગ્યા તેના માટે હંમેશાં સારી બાબતો લઈને આવી છે. આ વિશે વાત કરતાં ભૂમિએ કહ્યું હતું કે ‘હૃષીકેશે મારા દિલમાં ખૂબ જ ખાસ જગ્યા બનાવી છે અને એ જગ્યા મારા માટે ખૂબ જ લકી સાબિત થઈ છે. મેં મારી ડેબ્યુ ફિલ્મ ‘દમ લગા કે હઈશા’નું શૂટિંગ અહીં કર્યું હતું. ત્યાર બાદ ‘શુભ મંગલ સાવધાન’નું શૂટિંગ પણ કર્યું હતું. આ બન્ને ફિલ્મ ખૂબ જ હિટ રહી હતી. હું ફરી હૃષીકેશમાં મારી ‘બધાઈ દો’નું શૂટિંગ કરી રહી છું. મને ખાતરી છે કે હૃષીકેશ ત્રીજી વાર પણ મારા માટે સફળતા લઈને આવશે.’
હૃષીકેશ વિશેની યાદો જણાવતાં ભૂમિએ કહ્યું હતું કે ‘આ શહેરમાં ફરી ભળી જવા માટે હું ખૂબ જ ઉત્સાહિત છું, કારણ કે એની સાથે મારી ઘણી યાદો જોડાયેલી છે. મેં જ્યારે પણ હૃષીકેશની મુલાકાત લીધી છે ત્યારે અહીંના લોકો તરફથી મને ખૂબ જ પ્રેમ મળ્યો છે. તેમની આગતા-સ્વાગતાની રાહ જોઈ રહી છું. ઘણો સમય થયો છે. હું ફરી ત્યાં જઈને મારી યાદોને તાજી કરવા માટે આતુર છું. હૃષીકેશનું લોકલ ફૂડ પણ ખૂબ જ સારું છે.’