જપાનના ચીબા પ્રાણીસંગ્રહાલયમાં રહેતા ૨૩ વર્ષના ફુટા નામના લાલ પાન્ડાને તાજેતરમાં દુનિયાનો સૌથી બુઝુર્ગ જીવિત પાન્ડા જાહેર કરવામાં આવ્યો છે. ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સે ૧૭ નવેમ્બરે જપાનના ઝૂમાં જઈને ફુટાને આ ખિતાબ આપ્યો હતો.
જપાનમાં સૌથી બુઝુર્ગ લાલ પાન્ડા
જપાનમાં માણસોનું આયુષ્ય લાંબું છે એ તો ખબર જ છે, પણ અહીં રેડ પાન્ડા પણ લાંબું જીવે છે. જપાનના ચીબા પ્રાણીસંગ્રહાલયમાં રહેતા ૨૩ વર્ષના ફુટા નામના લાલ પાન્ડાને તાજેતરમાં દુનિયાનો સૌથી બુઝુર્ગ જીવિત પાન્ડા જાહેર કરવામાં આવ્યો છે. ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સે ૧૭ નવેમ્બરે જપાનના ઝૂમાં જઈને ફુટાને આ ખિતાબ આપ્યો હતો. સામાન્ય રીતે રેડ પાન્ડાની ઉંમર બારથી ૧૭ વર્ષની હોય છે, પણ ફુટા ૨૩ વર્ષનો થઈ ગયો છે. ફુટા ૨૦૦૩માં જપાનના શિઝુઓકા મ્યુનિસિપલ પ્રાણીસંગ્રહાલયમાં જન્મ્યો હતો. એના પિતા ફુફુ પરથી એનું નામ ફુટા પાડવામાં આવેલું. એક વર્ષની વયે એને ચીબા ઝૂમાં લાવવામાં આવ્યો હતો. દર્શકોને જોઈને જાતજાતનાં કરતબો કરતો હોવાથી ફુટા બહુ લાડીલો બની ગયો હતો. ખાસ તો એ પાછલા બે પગ પર ઊભો રહી જતો હતો એ જોવા માટે અનેક લોકો ઝૂમાં આવતા હતા. જોકે હવે એની ઉંમર વર્તાય છે. અવારનવાર માંદગી ખબર લઈ જતી હોવાથી હવે ફુટા શાંત થઈ ગયો છે. આ પહેલાં સૌથી વૃદ્ધ રેડ પાન્ડાનો ખિતાબ અમેરિકાના ટેલર પાસે હતો. ટેલર ૨૧ વર્ષ અને ૨૬૫ દિવસ જીવ્યો હતો.
