Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઘૂસખોર પંડતના વિવાદમાં વચ્ચે પડી સરકાર OTT પ્લૅટફૉર્મ પરથી ટીઝર ગાયબ

ઘૂસખોર પંડતના વિવાદમાં વચ્ચે પડી સરકાર OTT પ્લૅટફૉર્મ પરથી ટીઝર ગાયબ

Published : 07 February, 2026 01:28 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લોકોની દુભાયેલી લાગણીઓ અને ચિંતાઓનું હું સંપૂર્ણ સન્માન કરું છું : મનોજ બાજપાઈ; ફિલ્મમાં વપરાયેલો પંડત શબ્દ એક કાલ્પનિક પાત્રનું બોલચાલનું નામ છે : નીરજ પાંડે

`ઘૂસખોર પંડત’માં મનોજ બાજપાઈ

`ઘૂસખોર પંડત’માં મનોજ બાજપાઈ


ભારતીય જનતા પાર્ટી (BJP)એ દાવો કર્યો છે કે કેન્દ્ર સરકાર દ્વારા નેટફ્લિક્સને એની આવનારી ફિલ્મ ‘ઘૂસખોર પંડત’નું ટીઝર અને અન્ય પ્રમોશનલ કન્ટેન્ટ હટાવવાનું કહેવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટને લઈને વિવાદ ઝડપથી વધી રહ્યો હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. રિપોર્ટ મુજબ ફિલ્મના ટાઇટલ અને એના કથિત અર્થને લઈને વધતા વિરોધ વચ્ચે કેન્દ્ર સરકારનો આ નિર્દેશ આવ્યો છે. એના કારણે અનેક રાજ્યોમાં રાજકીય, કાનૂની અને સામાજિક પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.

BJP નેતાઓએ જણાવ્યું કે કેન્દ્ર સરકારે આ ફરિયાદને ગંભીરતાથી લીધી અને ત્યાર બાદ સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મને ટીઝર તથા સંબંધિત પ્રમોશનલ સામગ્રી હટાવવાનું કહ્યું. રિપોર્ટ પ્રમાણે માહિતી અને પ્રસારણ મંત્રાલયે પણ ફિલ્મના ટાઇટલને લઈને નેટફ્લિક્સ સાથે ચર્ચા કરી હતી, કારણ કે એમાં વપરાયેલા શબ્દો અને જાહેર ભાવનાઓ પર એની સંભવિત અસરને લઈને વિરોધ અને ચિંતા વધી રહી હતી. આ વિવાદ વિશે ફિલ્મના પ્રોડ્યુસર નીરજ પાંડે અને ઍક્ટર મનોજ બાજપાઈએ સ્પષ્ટતા કરી છે, પણ નેટફ્લિક્સ તરફથી હજી સુધી કોઈ વિગતવાર જાહેર નિવેદન આપવામાં આવ્યું નથી, પરંતુ ‘ઘૂસખોર પંડત’નું ટીઝર હવે એના પ્લૅટફૉર્મ પર ઉપલબ્ધ નથી.



ફિલ્મ મેકર્સ કાઉન્સિલ તરફથી મેકર્સને ટાઇટલને લઈને નોટિસ


‘ઘૂસખોર પંડત’ ટાઇટલ મામલે વિરોધનો વંટોળ ફૂંકાઈ રહ્યો છે ત્યારે ફિલ્મ મેકર્સ કાઉન્સિલ (FMC)એ પણ ‘ઘૂસખોર પંડત’ને લઈને મેકર્સને નોટિસ પાઠવી છે. FMCનું કહેવું છે કે નિયમો મુજબ ફિલ્મના ટાઇટલ માટે જરૂરી મંજૂરી લેવામાં આવી નહોતી. નોટિસમાં જણાવાયું છે કે ઇન્ડિયન મોશન પિક્ચર પ્રોડ્યુસર્સ અસોસિએશનના સભ્ય પ્રોડ્યુસર નીરજ પાંડેએ ‘ઘૂસખોર પંડત’ ટાઇટલના ઉપયોગ માટે અરજી કરી નહોતી. આવી સ્થિતિમાં મંજૂરી વગર ટાઇટલનો ઉપયોગ કરવા બદલ શિસ્તભંગની કાર્યવાહી થઈ શકે છે.

લોકોની દુભાયેલી લાગણીઓ અને ચિંતાઓનું હું સંપૂર્ણ સન્માન કરું છું : મનોજ બાજપાઈ


મનોજ બાજપાઈની આગામી ફિલ્મ ‘ઘૂસખોર પંડત’ના ટાઇટલને લઈને શરૂ થયેલો વિવાદ સતત વધી રહ્યો છે. રિતેશ શાહ દ્વારા નિર્દેશિત અને નીરજ પાંડે દ્વારા પ્રોડ્યુસ કરાયેલી ફિલ્મ ‘ઘૂસખોર પંડત’માં મનોજ બાજપાઈએ અજય દીક્ષિત નામના પાત્રની ભૂમિકા ભજવી છે, જે એક લાંચખોર પોલીસ-અધિકારી છે. દેશના અલગ-અલગ ભાગોમાં ફિલ્મના નામ સામે વિરોધ-પ્રદર્શન થઈ રહ્યું છે. સતત વધતા વિરોધ બાદ હવે ફિલ્મના પ્રોડ્યુસર નીરજ પાંડે અને અભિનેતા મનોજ બાજપાઈએ સમગ્ર મામલે સ્પષ્ટતા કરી છે.

આ વિવાદ પર મનોજ બાજપાઈએ સોશ્યલ મીડિયા પર નિવેદન જાહેર કર્યું છે જેમાં તેણે કહ્યું છે, ‘લોકો દ્વારા વ્યક્ત કરાયેલી લાગણીઓ અને ચિંતાઓનું હું સંપૂર્ણ સન્માન કરું છું અને એને ગંભીરતાથી લઉં છું. જ્યારે કોઈ પ્રોજેક્ટનો ભાગ બનવાથી કેટલાક લોકોની લાગણી દુભાય છે ત્યારે તેમની વાતને શાંતિથી થોભીને સાંભળવી એ ફરજ બને છે.’ 

ફિલ્મમાં વપરાયેલો પંડત શબ્દ એક કાલ્પનિક પાત્રનું બોલચાલનું નામ છે : નીરજ પાંડે

ફિલ્મના પ્રોડ્યુસર નીરજ પાંડેએ હવે આ મામલે સ્પષ્ટતા આપી છે. તેણે સોશ્યલ મીડિયા પર લખ્યું છે કે ‘‘ઘૂસખોર પંડત’ સંપૂર્ણપણે એક કલ્પિત પોલીસ-ડ્રામા છે અને એમાં ઉપયોગમાં લેવાયેલો ‘પંડત’ શબ્દ માત્ર એક કલ્પિત પાત્રનું બોલચાલનું નામ છે. ફિલ્મની વાર્તા એક વ્યક્તિનાં કર્મો અને પસંદગીઓ પર કેન્દ્રિત છે. એનો હેતુ કોઈ પણ જાતિ, ધર્મ અથવા સમુદાય પર ટિપ્પણી કરવાનો કે એનું પ્રતિનિધિત્વ કરવાનો નથી. હું મારા કામને ખૂબ જવાબદારીપૂર્વક કરું છું અને હંમેશાં અર્થસભર તથા સન્માનજનક કહાનીઓ કહેવાનો પ્રયત્ન કરું છે. આ ફિલ્મ પણ મારા અગાઉના કામની જેમ સંપૂર્ણ ઈમાનદારી સાથે અને માત્ર દર્શકોનું મનોરંજન કરવા માટે બનાવવામાં આવી છે.’

નીરજ પાંડેના નિવેદનમાં આગળ સ્વીકારવામાં આવ્યું છે કે ‘ફિલ્મના ટાઇટલને કારણે કેટલાક દર્શકોની લાગણી દુભાઈ છે અને મેકર્સે આ લાગણીઓને સાચા દિલથી સ્વીકારી છે. આ ચિંતાઓને ધ્યાનમાં રાખીને હાલ તમામ પ્રમોશનલ સામગ્રી હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મારી માન્યતા છે કે ફિલ્મને આખી જોવી જોઈએ અને એને જે સંદર્ભમાં બનાવવામાં આવી છે એ પ્રમાણે સમજવી જોઈએ. માત્ર અધૂરી ઝલકના આધારે ફિલ્મને જજ કરવી યોગ્ય નથી. હું ટૂંક સમયમાં આ ફિલ્મ દર્શકો સાથે શૅર કરવા માટે આતુર છું.’

લખનઉમાં ફિલ્મના ડિરેક્ટર અને ફિલ્મની ટીમ સામે પોલીસ-ફરિયાદ

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના નિર્દેશ પર મનોજ બાજપાઈની ફિલ્મ ‘ઘૂસખોર પંડત’ના ડિરેક્ટર અને ફિલ્મની ટીમ સામે પોલીસ-ફરિયાદ નોંધવામાં આવી છે. લખનઉના હઝરતગંજ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે ફિલ્મ દ્વારા ધાર્મિક અને જાતિગત ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. લખનઉ પોલીસ-કમિશનરેટનું કહેવું છે કે સમુદાયની લાગણીઓને આહત કરનારાઓ અને શાંતિવ્યવસ્થા ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

Whatsapp-channel Whatsapp-channel

07 February, 2026 01:28 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK