સ્પિરિટ સાથે સંકળાયેલી વ્યક્તિએ જણાવ્યું કે આખો વિવાદ કલાકો કે શેડ્યુલ વિશે નહીં પણ અનપ્રોફેશનલ બિહેવિયર વિશે છે
દીપિકા પાદુકોણ
હાલમાં દીપિકા પાદુકોણની ફિલ્મમેકર સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ ‘સ્પિરિટ’માંથી હકાલપટ્ટી થવાનો વિવાદ ભારે ચર્ચાનો મુદ્દો બન્યો હતો. રિપોર્ટ પ્રમાણે દીપિકાની ૮ કલાકના કામની શિફ્ટ, ૨૦ કરોડ રૂપિયા ફીની સાથે નફાની વહેંચણી તેમ જ તેલુગુમાં સંવાદો બોલવાનો ઇનકાર જેવી શરતો ફિલ્મમેકરને પસંદ નહોતી પડી અને આ કારણે પ્રભાસની આ ફિલ્મમાંથી દીપિકાને દરવાજો દેખાડી દેવામાં આવ્યો હતો. આ ઘટના પછી સંદીપ અને દીપિકા વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર ચાલ્યો હતો. સંદીપે આ મામલામાં દીપિકા પર વાર્તા લીક કરવાનો આરોપ મૂક્યો હતો. આ વિવાદે બૉલીવુડમાં વર્કિંગ કન્ડિશન અને ખાસ કરીને નવી માતાઓ માટે કામના કલાકો વિશેની ચર્ચાઓને જન્મ આપ્યો જેમાં મણિરત્નમ, અજય દેવગન અને સૈફ અલી ખાને દીપિકાની ૮ કલાકની કામની શિફ્ટનું સમર્થન કર્યું હતું.
હવે એક રિપોર્ટમાં આ ઘટનાક્રમ પાછળનાં મહત્ત્વનાં કારણો પર પ્રકાશ ફેંકવામાં આવ્યો છે. આ ફિલ્મ સાથે સંકળાયેલી વ્યક્તિએ આપેલી માહિતી પ્રમાણે ‘આ સમગ્ર મામલામાં આખા મુદ્દાને દીપિકાની ટીમે પોતાની અનુકૂળતા પ્રમાણે ટર્ન આપી દીધો છે. લાગે છે કે તેની ટીમને એ વાત સ્વીકારવામાં તકલીફ પડી રહી છે કે દીપિકાને રિપ્લેસ કરી દેવામાં આવી છે. આ કારણે આખા વિવાદને ‘વર્ક લાઇફ બૅલૅન્સ’નો નવો રંગ આપવામાં આવી રહ્યો છે, પણ વાસ્તવિકતા સાવ અલગ છે. આ ફિલ્મમાં દીપિકાને ન લેવાનાં કારણો બહુ પ્રૅક્ટિકલ છે. દીપિકાએ આ ફિલ્મના ૩૫ દિવસના શૂટ માટે પચીસ કરોડ રૂપિયા જેટલી મોટી રકમ તો માગી જ હતી અને સાથે-સાથે નફામાં પણ ૧૦ ટકા હિસ્સો માગ્યો હતો. જોકે સૌથી મોટી સમસ્યા દીપિકાએ તેલુગુમાં સંવાદો બોલવાની ના પાડી એના કારણે સર્જાઈ હતી. આ મુદ્દો ડિરેક્ટર માટે બહુ મહત્ત્વનો હતો. હાલમાં ૮ કલાકની શિફ્ટનો મુદ્દો બહુ ચર્ચાઈ રહ્યો છે, પણ આ ક્યારેય મુખ્ય મુદ્દો હતો જ નહીં. ફિલ્મ-નિર્માણમાં કામના કલાકો ફ્લેક્સિબલ હોય છે. તમે સ્થળ, લાઇટિંગ અને અન્ય ટેક્નિકલ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને બે કલાકથી માંડીને ૮ કલાક સુધી કામ કરી શકો છો. ખરેખર મહત્ત્વનો મુદ્દો ફ્લેક્સિબિલિટી અને સહયોગ આપવાની ભાવનાનો હતો. હાલમાં ઘણા લોકો હકીકત જાણ્યા વિના વર્ક-લાઇફ બૅલૅન્સ વિશે કમેન્ટ કરી રહ્યા છે, પણ આ ગેરમાર્ગે દોરનારું છે. આ વિવાદ કલાકો કે શેડ્યુલ વિશે નથી, પણ અયોગ્ય માગણીઓ, અનુકૂલનનો અભાવ અને અનપ્રોફેશનલ બિહેવિયર વિશે છે.’

