પોલીસે નજીકના વિસ્તારોમાં લાગેલા ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ડોમ્બિવલી-ઈસ્ટમાં રહેતો ૩૩ વર્ષનો સાઈનાથ પિતા વિષ્ણુ પાટીલની તેરમાની વિધિ કરવા પરિવાર સાથે ઘરની બહાર ગયો એ સમયે તેના ઘરમાંથી ચાર લાખ રૂપિયાની માલમતા ચોરી થઈ હોવાની ફરિયાદ માનપાડા પોલીસ-સ્ટેશનમાં સોમવારે નોંધવામાં આવી હતી. પોલીસે નજીકના વિસ્તારોમાં લાગેલા ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
માનપાડા પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સાંદિપાન શિંદેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા સાઈનાથના પિતા થોડા દિવસ પહેલાં મૃત્યુ પામ્યા હતા. સોમવારે તેમની તેરમાની વિધિ રાખવામાં આવી હતી જેના માટે આખો પરિવાર એ વિધિ માટે સવારથી જ ઘરની બહાર ગયો હતો. એ વિધિ પૂરી થયા બાદ જ્યારે આખો પરિવાર ઘરે પાછો ફર્યો ત્યારે ઘરનો દરવાજો તૂટેલી હાલતમાં જોયો હતો. અંદર જઈ તપાસ કરતાં મંગળસૂત્ર, ચેઇન, બંગડી એમ આશરે ચાર લાખ રૂપિયાના દાગીના કબાટમાંથી ચોરાયા હોવાની જાણ થઈ હતી. અંતે ઘટનાની માહિતી અમને આપવામાં આવતાં અમે ચોરીની ફરિયાદ નોંધી હતી.’


