છૂટાછેડાની સુનાવણી માટે ઑસ્ટ્રિયા ગયેલી સેલિનાએ મૃત દીકરાની કબરનો ઇમોશનલ વિડિયો શૅર કર્યો, ઍક્ટ્રેસે આરોપ મૂક્યો છે કે તેનાં ત્રણેય બાળકોનું બ્રેઇનવૉશ કરીને અને ધમકી આપીને મારી વિરુદ્ધ બોલવા મજબૂર કરવામાં આવ્યાં છે
છૂટાછેડાની સુનાવણી માટે ઑસ્ટ્રિયા ગયેલી સેલિનાએ મૃત દીકરાની કબરનો ઇમોશનલ વિડિયો શૅર કર્યો
સેલિના જેટલીએ પોતાના પતિ પીટર હાગ સાથે ચાલી રહેલી છૂટાછેડાની લડાઈ વચ્ચે પોતાના મૃત પુત્ર શમશેરની કબર પર જઈને કબર સાફ કરતો એક ઇમોશનલ વિડિયો શૅર કર્યો છે. આ વિડિયોમાં સેલિના કબર સામે ચોધાર આંસુએ રડતી જોવા મળી હતી. આ પોસ્ટ સાથે સેલિનાએ ઇમોશનલ નોટ લખતાં કહ્યું હતું કે ‘એક માતા તરીકે મને લાગેલા આઘાતને બતાવવા માટે મારી પાસે આ વિડિયોને શૅર કરવા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો. છેલ્લાં કેટલાંક અઠવાડિયાં મારી જિંદગીનાં સૌથી મુશ્કેલ અઠવાડિયાં રહ્યાં છે. હું ઑસ્ટ્રિયામાં મારા છૂટાછેડાની સુનાવણી માટે હતી. ઑસ્ટ્રિયન જજ સમક્ષ આપેલી ખાતરી છતાં મારાં બાળકોને અજાણ્યા સ્થળે લઈ જવામાં આવ્યાં હતાં એટલે હું તેમને નહોતી મળી શકી. હું જે એકમાત્ર બાળકને મળી શકી તે મારો દિવંગત પુત્ર શમશેર હતો. આ એવી માતાની દિલ તોડી નાખે એવી કહાની છે જેણે પોતાનાં બાળકોના જન્મના દિવસથી જ તેમને માટે બધું કર્યું છે.’
સેલિના જેટલી પહેલાં ૨૦૧૨માં અને પછી ૨૦૧૭માં ટ્વિન્સ દીકરાઓની મમ્મી બની હતી. ૨૦૧૭માં જન્મેલા જોડિયા દીકરાઓમાંથી એકનું હાર્ટ-ડિફેક્ટને લીધે અવસાન થઈ ગયું હતું.
