છેલ્લાં એક-બે અઠવાડિયાંથી સર્વોચ્ચ અદાલત અને ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (AIIMS) વચ્ચે એક કિશોરીની ગર્ભાવસ્થાને લઈને ચણભણની કક્ષાની ચર્ચા ચાલી. મુદ્દો બળાત્કારનો ભોગ બનેલી પંદર-સોળ વર્ષની એક કિશોરીની ગર્ભાવસ્થા અંગેનો હતો.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
છેલ્લાં એક-બે અઠવાડિયાંથી સર્વોચ્ચ અદાલત અને ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (AIIMS) વચ્ચે એક કિશોરીની ગર્ભાવસ્થાને લઈને ચણભણની કક્ષાની ચર્ચા ચાલી. મુદ્દો બળાત્કારનો ભોગ બનેલી પંદર-સોળ વર્ષની એક કિશોરીની ગર્ભાવસ્થા અંગેનો હતો. ઑગસ્ટ ૨૦૨૫માં ઓડિશાના કટક શહેરની તે છોકરીનું અપહરણ થયું હતું. મા-બાપે પોલીસમાં ફરિયાદ નોંધાવી, પરંતુ નવેમ્બર સુધી દીકરીની કોઈ જ ભાળ ન લાગી. આથી તેનાં મા-બાપે નવેમ્બર ૨૦૨૫માં ઓડિશાની વડી અદાલતમાં તેને હાજર કરવા માટે હેબિયસ કૉર્પસની અરજી કરી. ત્યાર બાદ ડિસેમ્બર ૨૦૨૫માં તે કિશોરીને બૅન્ગલોરથી બચાવી લેવામાં આવી હતી. તેનું અપહરણ થયું હતું અને તેની સાથે જાતીય દુર્વ્યવહાર થયો હતો. તેની તબીબી તપાસમાં તે ગર્ભવતી હોવાનું જણાયું હતું. જાન્યુઆરી ૨૦૨૬માં અદાલતે પોલીસની કિશોરીને શોધી કાઢવામાં પોલીસની નિષ્ફળતા અંગે ચિંતા વ્યક્ત કરીને તે કિશોરીને ‘સંભાળ અને રક્ષણની જરૂરિયાત ધરાવતી બાળકી’ જાહેર કરી હતી.
પરિવારને તેની સાથે થયેલા અત્યાચાર અને દુષ્કર્મની તેમ જ તેની ગર્ભાવસ્થા વિશે જાણ થતાં માર્ચ ૨૦૨૬માં તેની ‘ગેરકાયદે ગર્ભાવસ્થા’નો નિકાલ કરવા અને તેને સરકારી (નિ:શુલ્ક) તબીબી સેવા ઉપલબ્ધ કરાવવા માટે ઓડિશાની વડી અદાલતમાં ફરી એક અરજી કરી. તેની તબીબી તપાસ બાદ એપ્રિલ ૨૦૨૬માં ભુવનેશ્વરની સરકારી હૉસ્પિટલના મેડિકલ બોર્ડે કહ્યું કે ૩૦ અઠવાડિયાંની ગર્ભાવસ્થા ટર્મિનેટ કરવાનું હિતાવહ નથી. હવે કિશોરીનાં મા-બાપે સર્વોચ્ચ અદાલતનો દરવાજો ખટખટાવ્યો. ત્યાં તેમણે ફરિયાદ કરી કે આ બળાત્કારનો ભોગ બનેલી એક સગીર વયની છોકરીના મૂળભૂત અધિકારોનો ભંગ છે. આર્ટિકલ ૨૧ હેઠળ બંધારણે દરેક ભારતીયને ગરિમાપૂર્વક જીવન જીવવાનો અધિકાર આપ્યો છે. તેમની અરજીના જવાબમાં સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ બી. વી. નાગરથના અને ઉજ્જલ ભુયાનની બેન્ચે મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી ઍક્ટ ૨૦૨૧ની પ્રેગ્નન્સી ટર્મિનેશનની ૨૪ અઠવાડિયાંની મહત્તમ મર્યાદાની ઉપરવટ જઈને આ કિશોરીને ગર્ભનિકાલની પરવાનગી આપી.
AIIMS-દિલ્હીના તબીબો સર્વોચ્ચ અદાલતના આ નિર્ણય સાથે સહમત નહોતા. તેમની દલીલ હતી કે આ તબક્કે ગર્ભનિકાલ આવનાર બાળક તેમ જ કિશોરી બન્ને માટે જોખમી બની શકે છે. એને બદલે તેઓ વહેલી (પ્રી-ટર્મ) ડિલિવરી કરાવી લેવાના મતના હતા. તેથી તેમના વતી ઍડિશનલ સૉલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ સર્વોચ્ચ અદાલતમાં આ સંદર્ભે રજૂઆત કરી અદાલતને પોતાના આદેશ અંગે ફેરવિચાર કરવા વિનંતી કરી. સવોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ જૉયમાલા બાગચી હવે ગિન્નાયા. તેમણે ઐશ્વર્યા ભાટીને કડકાઈથી કહ્યું કે ‘નાગરિકની પોતાની જિંદગી અંગેની પસંદગીનો આદર કરો. તમારી પાસે જે કંઈ તબીબી જાણકારી છે એ તે છોકરી અને તેના પેરન્ટ્સ સાથે શૅર કરો અને પછી તેઓ જો ગર્ભનો જીવ બચાવવાનો નિર્ણય કરે તો ભલે અને જો તેમને એમ લાગે કે માનસિક ત્રાસ સહિતની બદનામી અને પીડાનો ગર્ભનિકાલ સાથે અંત આવી જશે તો એમ કરો.’ જસ્ટિસ બાગચી એ વાતે ચિડાયા હતા કે કોઈ નાગરિકને તેની જિંદગી વિશે સમજી-વિચારીને નિર્ણય લેવા દેવાને બદલે તબીબી નિષ્ણાતો નાગરિક માટે નિર્ણય લે એ ન ચાલે અને એટલે જ સર્વોચ્ચ અદાલતે આ મામલે AIIMS તેમ જ યુનિયન હેલ્થ સેક્રેટરીને આકરા શબ્દોમાં કહેવું પડ્યું કે તબીબો લોકોની ઇચ્છાના માલિક ન બની જઈ શકે. આ કિસ્સામાં સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિએ પણ એક અજન્મા જીવ કરતાં વધુ મહત્ત્વ જીવંત કિશોરીની ઇચ્છાને આપ્યું છે. તેમણે કહ્યું કે ‘આ લડાઈ એક ગર્ભસ્થ જીવ અને એક બાળકીની વચ્ચે છે. આ બાળકીને એ જીવને જન્મ આપવાની ફરજ ન પાડી શકાય. અમે તબીબોની દ્વિધા સમજીએ છીએ... પણ આ ગર્ભનિકાલ દ્વારા આ બાળકીને રાહત અનુભવવા દો...!’
છેલ્લા સમાચાર મુજબ સર્વોચ્ચ અદાલતના મત તથા તબીબી અભિપ્રાયનું મહત્ત્વ સમજીને AIIMSના તબીબોએ ચોથી મેએ કિશોરીને ડિલિવરી કરાવી લીધી છે. તેણે સવા કિલો જેટલું વજન ધરાવતા એક છોકરાને જન્મ આપ્યો છે. ઇન્ક્યુબેટરમાં રખાયેલું તે બાળક જીવી જશે કે કેમ એ તો સમય જ કહેશે, પરંતુ આ કિસ્સાએ સર્જેલા પ્રશ્નોની સર્વોચ્ચ અદાલતે ગંભીર નોંધ લીધી છે. અહીં એક કિશોરીને પોતાને જિંદગી વિશે નિર્ણય લેવાની આઝાદીનો પ્રશ્ન હતો, એક લગભગ વિકસિત થઈ ગયેલા સ્વસ્થ ગર્ભસ્થ જીવનો અંત લાવવાનો પ્રશ્ન હતો, તબીબી સલાહ અને કાનૂની જોગવાઈના પ્રશ્નો હતા અને સાથે જ સામાજિક, ભાવનાત્મક તેમ જ નૈતિકતાના પ્રશ્નો પણ ઉદ્ભવ્યા હતા. એક બાજુ સર્વોચ્ચ અદાલત સગર્ભા કિશોરીની ઇચ્છાની રક્ષા કરવાના પક્ષે હતા તો બીજી બાજુ તબીબી બિરાદરી વતી સૉલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ અજન્મા શિશુના અધિકારની રક્ષા અંગે પણ વિચાર કરવાની જરૂર પર ભાર મૂક્યો હતો. ખરેખર આવી પરિસ્થિતિ વ્યક્તિને દ્વિધામાં નાખી દે છે. એટલે જ સગીર વયની છોકરીઓની સગર્ભાવસ્થાના કિસ્સાઓમાં થઈ રહેલા વધારાની નોંધ લઈને સર્વોચ્ચ અદાલતે મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સીના કાયદામાં ફેરફાર કરવાની પણ હિમાયત કરી છે, આવી પરિસ્થિતિ વિશે ગંભીર વિચારણા કરીને માર્ગ શોધવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
સમગ્ર ઘટનાક્રમ જોતાં એક ઉકેલ જરૂર સૂઝે છે કે આવા કિસ્સાઓમાં ગર્ભ રહ્યાની જાણ થાય એટલે બને એટલો જલદી પરિવારે એ અંગે નિર્ણય લઈ લેવો જોઈએ, જેથી સમયમર્યાદાની અંદર જ ગર્ભનિકાલ કરી શકાય. આટલું થાય તો પણ નૈતિકતા કે ભાવુકતાના નામે અનુભવાતા અપરાધભાવની પીડામાંથી બચી શકાય અને કિશોરીના સ્વાસ્થ્ય સંબંધે પણ જોખમી સ્થિતિ ન સર્જાય. અલબત્ત, સમાજમાં આવી ઘટનાઓ ન થાય એ માટે કિશોર- કિશોરીઓમાં જાતીય જ્ઞાન અને જાતીયતા અંગેની જાગરૂકતા કેળવવાની જરૂર તો પહેલી છે. બીજી આવશ્યકતા કિશોરીઓની સલામતી અંગે કડક વ્યવસ્થા ઊભી કરવાની છે. ગુમ થતાં બાળકોની બાબતે પોલીસતંત્રે વધુ સતર્ક રહીને સત્વર પગલાં ભરવાં પણ આવશ્યક છે.
