Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > તામિલનાડુના ગવર્નરે ગઈ કાલે વિજયને બીજી વાર પાછા કાઢ્યા- ૧૧૮ વિધાનસભ્યોની સહી લઈને આવો

તામિલનાડુના ગવર્નરે ગઈ કાલે વિજયને બીજી વાર પાછા કાઢ્યા- ૧૧૮ વિધાનસભ્યોની સહી લઈને આવો

Published : 08 May, 2026 07:11 AM | Modified : 08 May, 2026 09:10 AM | IST | Tamil Nadu
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કર્ણાટક વિધાનસભાની ૨૦૧૮ની ચૂંટણીમાં કોઈ પણ પાર્ટીને પૂર્ણ બહુમત નહોતો મળ્યો ત્યારે ૨૨૪ સભ્યોની વિધાનસભામાં BJP પાસે ૧૦૪ બેઠકો જ હતી

TVK ચીફ વિજય

TVK ચીફ વિજય


તામિલનાડુમાં TVK સૌથી વધુ બેઠકો મેળવનારી પાર્ટી બની હોવા છતાં સરકાર રચવામાં લોઢાના ચણા ચાવવા પડી રહ્યા છે. TVK પાસે પોતાન ૧૦૭ અને કૉન્ગ્રેસના પાંચ એમ કુલ ૧૧૨ વિધાનસભ્યો હોવા છતાં બહુમતી માટે જરૂરી ૧૧૮નો આંકડો મળી નથી રહ્યો. ગઈ કાલે TVK ચીફ વિજય બીજી વાર તામિલનાડુના ગવર્નરને મળ્યા હતા, પરંતુ તેમણે પાર્ટીને સરકાર બનાવવાનું આમંત્રણ આપવાને બદલે ૧૧૮ વિધાનસભ્યોનું સમર્થન લઈને આવવા કહ્યું હતું. 

ચૂંટણીનાં પરિણામો આવ્યે ૭૨ કલાકથી ઉપર થઈ ગયા છે અને બે દિવસમાં બે વાર સૌથી મોટી પાર્ટીના નેતા લોકભવનમાં સરકાર બનાવવાની રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ રાજ્યપાલ તેમને આમંત્રણ નથી આપતા એનાથી તામિલનાડુના અન્ય પક્ષો પણ ભડકી ઊઠ્યા હતા. અભિનેતા અને રાજનેતા કમલ હાસને કહ્યું હતું કે ‘વિજયને સરકાર બનાવવા માટે આમંત્રિત ન કરીને ગવર્નર જનાદેશનું અપમાન કરી રહ્યા છે. મારા ભાઈ એમ. કે. સ્ટૅલિને પણ જાહેરાત કરી છે કે અમે જનતાના નિર્ણયનું સન્માન કરીએ છીએ અને એક જવાબદાર વિપક્ષ તરીકે કામ કરીશું. હું તેમની રાજનીતિક સમજનું સન્માન કરું છું. જે લોકો સંવિધાનના પદ પર છે તેમણે પણ આ જ ફરજ નિભાવવી જોઈએ. આ મારી કોઈ ડિમાન્ડ નથી, પરંતુ તેમની સંવિધાનિક ફરજ છે.’
આ ઉપરાંત તામિલનાડુની અન્ય પાર્ટીઓ VCK અને CPIના નેતાઓએ પણ ગવર્નર દ્વારા આ ખોટું થઈ રહ્યું હોવાની વાત તેમના નિવેદનોમાં કહી હતી. 



વરિષ્ઠ વકીલ અને રાજનેતા કપિલ સિબલે કહ્યું હતું કે ‘તામિલનાડુમાં ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિમાં સરકાર બનાવવા માટે રાજ્યપાલે સૌથી મોટી પાર્ટી TVKના નેતાને બોલાવીને મુખ્ય પ્રધાનપદના શપથ લેવડાવવા જોઈએ. એ પછી તેમને વિધાનસભામાં બહુમત સાબિત કરવા દો. સરકારી કમિશન અને કાનૂન બન્ને આ જ કહે છે.’


૨૦૧૮માં યેદિયુરપ્પાને VIP છૂટ કેમ? 
કર્ણાટક વિધાનસભાની ૨૦૧૮ની ચૂંટણીમાં કોઈ પણ પાર્ટીને પૂર્ણ બહુમત નહોતો મળ્યો ત્યારે ૨૨૪ સભ્યોની વિધાનસભામાં BJP પાસે ૧૦૪ બેઠકો જ હતી. બીજી તરફ કૉન્ગ્રેસ અને અન્ય પાર્ટીઓએ મળીને તરત ગઠબંધન કરીને બહુમતનો સ્પષ્ટ આંકડો મેળવી લીધો હતો એમ છતાં કર્ણાટકના રાજ્યપાલે સૌથી મોટી પાર્ટીના નેતા તરીકે યેદિયુરપ્પાને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું હતું. તેમની પાસે શપથ પહેલાં કેમ ૧૧૨ વિધાનસભ્યોની સહી કે સૂચિ માગવામાં નહોતી આવી?

DMK ને AIADMK હાથ મિલાવશે તો અમારા ૧૦૮ સભ્યો રાજીનામાં આપી દેશે : TVKએ આપી ચીમકી


વિજયની પાર્ટી TVKને સરકાર બનાવવા પૂરતા સભ્યોનું સમર્થન મેળવવામાં તકલીફ પડી રહી છે ત્યારે બે જૂની દુશ્મન પાર્ટીઓ AIADMK અને DMK હાથ મિલાવીને સરકાર રચવાની ચર્ચાને વેગ મળ્યો છે. એવામાં સૂત્રોના માધ્યમથી TVKએ નિર્ણય લીધો છે કે જો DMK અને AIADMKએ સાથે મળીને સરકાર બનાવવાનો દાવો પેશ કરવાની કોશિશ કરી તો TVKના તમામ ૧૦૮ વિધાનસભ્યો રાજીનામાં આપી દેશે. 

TVKથી બચાવવા માટે AIADMKના પચીસથી વધારે વિધાનસભ્યોને રિસૉર્ટમાં મોકલી દેવામાં આવ્યા

તામિલનાડુમાં નવી સરકારની રચના અંગે સતત અનિશ્ચિતતા અને રાજકીય દાવપેચ વચ્ચે પચીસથી વધુ નવા ચૂંટાયેલા ઑલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુન્નેત્ર કઝઘમ (AIADMK) પાર્ટીના વિધાનસભ્યોને પૉન્ડિચેરીના એક રિસૉર્ટમાં ખસેડવામાં આવ્યા છે. આ પગલું સંભવતઃ હૉર્સ-ટ્રેડિંગને રોકવા અને તેમને એક રાખવા માટે લેવામાં આવ્યું છે. તેમને સોમવાર સુધી ત્યાં રાખવામાં આવે એવી અપેક્ષા છે. AIADMKએ બળવાના અહેવાલોને ફગાવી દીધા હતા અને સ્પષ્ટતા કરી હતી કે આ પગલું વિજયની પાર્ટી દ્વારા કથિત વિધાનસભ્યોને આકર્ષવાના પ્રયાસોને રોકવા માટે લેવામાં આવ્યું હતું, AIADMKએ એ વાતનો પણ ઇનકાર કર્યો કે TVKએ સમર્થન માટે તેમનો સંપર્ક કર્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

08 May, 2026 09:10 AM IST | Tamil Nadu | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK