એક તરફ ‘બાહુબલી’ ફ્રૅન્ચાઇઝીના નિર્માતાઓ ‘બાહુબલી 3’ બનવાની શક્યતા વિશે હિન્ટ આપી રહ્યા છે તો બીજી તરફ આ યુનિવર્સની ઍનિમેટેડ ફિલ્મ ‘બાહુબલી : ધ ઇટર્નલ વૉર’ને લઈને ડિરેક્ટર ઈશાન શુક્લાએ અનેક રસપ્રદ વિગતો જાહેર કરી છે.
ઍનિમેશન ફિલ્મ બાહુબલી : ધ ઇટર્નલ વૉરની વાર્તા અમરેન્દ્ર બાહુબલીના મૃત્યુ પછીની યાત્રા પર આધારિત
એક તરફ ‘બાહુબલી’ ફ્રૅન્ચાઇઝીના નિર્માતાઓ ‘બાહુબલી 3’ બનવાની શક્યતા વિશે હિન્ટ આપી રહ્યા છે તો બીજી તરફ આ યુનિવર્સની ઍનિમેટેડ ફિલ્મ ‘બાહુબલી : ધ ઇટર્નલ વૉર’ને લઈને ડિરેક્ટર ઈશાન શુક્લાએ અનેક રસપ્રદ વિગતો જાહેર કરી છે. બે ભાગમાં બનનારી આ ઍનિમેટેડ ફિલ્મની વાર્તા અમરેન્દ્ર બાહુબલીના મૃત્યુ પછીની યાત્રા અને દેવાસુર સંગ્રામ પર આધારિત હશે. હાલમાં ટીમનું લક્ષ્ય આવતા વર્ષે ‘બાહુબલી : ધ ઇટર્નલ વૉર - ભાગ 1’ને રિલીઝ કરવાનું છે, આ ફિલ્મ બે ભાગમાં રજૂ કરવામાં આવશે.
આ ઍનિમેશન ફિલ્મ વિશે ડિરેક્ટરે જણાવ્યું હતું કે ‘મેં લાંબા સમય સુધી આ વિચાર પર કામ કર્યું અને એક એવી વાર્તા લખી જેમાં અમરેન્દ્ર બાહુબલીના મૃત્યુ પછી શું થાય છે એ દર્શાવવામાં આવ્યું છે. જ્યારે મેં આ વિચાર રજૂ કર્યો ત્યારે બધાને ખૂબ પસંદ આવ્યો. ત્યાર બાદ અમે એસ. એસ. રાજામૌલી પાસે ગયા અને સાથે મળીને આ પ્રોજેક્ટ પર કામ શરૂ કર્યું. અમરેન્દ્ર બાહુબલીના જીવનની સૌથી મોટી કરુણ ઘટના એ હતી કે તેને ક્યારેય ખબર જ પડી નહીં કે કટ્ટપ્પાએ તેની હત્યા શા માટે કરી. આ સૌથી દુઃખદ બાબત છે, કારણ કે બાહુબલીને ક્યારેય એ જાણવા મળ્યું નહીં કે જો તેનું મૃત્યુ ન થયું હોત તો તેના જીવનમાં આગળ શું બનવાનું હતું.’
