Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સિયા અને ચેતનને કોર્ટે ૧૪ દિવસ માટે જેલમાં મોકલી આપ્યાં

સિયા અને ચેતનને કોર્ટે ૧૪ દિવસ માટે જેલમાં મોકલી આપ્યાં

Published : 04 July, 2026 01:01 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કેતન અગ્રવાલની હત્યાના કાવતરામાં હજી એક શકમંદ, ચેતનના ક્લાસમેટની પૂછપરછ

સિયા ગોયલ અને ચેતન ચૌધરીને ગઈ કાલે લોનાવલાના વડગાવ માવળ પોલીસ-સ્ટેશનમાંથી કોર્ટમાં લઈ જવામાં આવ્યાં હતાં.

સિયા ગોયલ અને ચેતન ચૌધરીને ગઈ કાલે લોનાવલાના વડગાવ માવળ પોલીસ-સ્ટેશનમાંથી કોર્ટમાં લઈ જવામાં આવ્યાં હતાં.


કેતન અગ્રવાલ મર્ડરકેસમાં પુણે ગ્રામીણ પોલીસે પકડેલા બન્ને આરોપીઓ કેતનની મંગેતર સિયા ગોયલ અને તેના બૉયફ્રેન્ડ ચેતન ચૌધરીની પોલીસ-કસ્ટડી પૂરી થતાં તેમને ફરી કોર્ટમાં હાજર કરવામાં આવ્યાં હતાં. પોલીસ દ્વારા તેમની પોલીસ-કસ્ટડી હજી ૩ દિવસ લંબાવી આપવા અરજી કરવામાં આવી હતી. એ અરજીમાં કહેવાયું હતું કે સિયા અને ચેતનના મોબાઇલ ફોનનો ડેટા રિકવર કરવામાં આવ્યો છે પણ તેમણે કોડ-લૅન્ગ્વેજમાં, સાઇન-લૅન્ગ્વેજમાં વાત કરી છે એટલે એ મેસેજમાં તેમણે શું લખ્યું છે એ જાણવું જરૂરી હોવાથી તેમની કસ્ટડી ૩ દિવસ લંબાવી આપવામાં આવે.

એની સામે સિયાના અને ચેતન ચૌધરીના વકીલે દલીલ કરતાં કહ્યું હતું કે પોલીસને ઇન્ફર્મેશન મેળવવા માટે પૂરતો સમય આ પહેલાં જ આપવામાં આવ્યો છે અને હવે એ લંબાવી આપવાની જરૂર નથી. કોર્ટે બન્ને પક્ષોની રજૂઆત સાંભળ્યા બાદ સિયા અને ચેતનની પોલીસ-કસ્ટડી લંબાવી ન આપતાં તેમને ૧૪ દિવસની જેલ-કસ્ટડીમાં મોકલી આપ્યાં હતાં.



મીડિયા સામે મિડલ ફિંગર બતાવીને સિયાનું ઉદ્ધત વર્તન


કેતન અગ્રવાલ હત્યાકેસમાં પકડાયેલી તેની મંગેતર સિયા ગોયલ અને તેના બૉયફ્રેન્ડ ચેતનને પોલીસ લોહગડ લઈ ગઈ હતી અને તેમણે જે જગ્યાએ કેતનને મારવાની પ્રૅક્ટિસ કરી હતી ત્યાં તેમને લઈ જઈને તપાસ કરી હતી. એ પછી સિયાને તેના માર્કેટયાર્ડના ઘરે પૂછપરછ માટે લઈ જવાઈ હતી. ત્યાંથી બહાર નીકળતી વખતે સિયાએ મીડિયા સામે વચલી આંગળી ઊંચી કરીને ઉદ્ધત વર્તન કર્યું હતું.

કેતનને ચેતને ફોન કરીને કહેલું કે સિયાને લઈને લોહગડ આવી જજે?


કેતન અગ્રવાલ મર્ડરકેસમાં હવે બન્ને પરિવારો દ્વારા સામસામે ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. ૧૪ અને ૧૫ જૂને કેતન અને ચેતન વચ્ચે ફોન પર વાત થઈ હતી અને એમાં ચેતને કેતનને એમ કહ્યું કે અમે બધા ફ્રેન્ડ્સ મળીને સિયાને તેના ૧૮ જૂને આવતા બર્થ-ડેની સરપ્રાઇઝ પાર્ટી આપવાના છીએ એટલે તું તેને લઈને ૧૮ જૂને સવારે લોહગડ આવી જજે. આવો ચોંકાવનારો આક્ષેપ હવે કેતનના પપ્પા વિશાલ અગ્રવાલે કર્યો છે.

વિશાલ અગ્રવાલે મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે ‘૧૮ જૂને કેતન સવારે ૮.૨૦ વાગ્યે સિયાને લઈને લોહગડ જવા નીકળ્યો હતો. એ પછી ૧૦.૪૫ વાગ્યે સિયાની મમ્મીએ કેતનની મમ્મીને ફોન કરીને કહ્યું હતું કે કેતન ખીણમાં પડી ગયો છે.’

બીજી બાજુ સિયાના પપ્પા પ્રવીણ ગોયલે કહ્યું હતું કે ‘સિયાને ટ્રેકિંગ બિલકુલ ગમતું નહોતું અને કેતન તેને વારંવાર ટ્રેકિંગ માટે સાથે આવવાનો આગ્રહ કરતો અને લઈ જતો. આ વિશેના કેટલાક મેસેજ પણ સિયાએ અમને બતાવ્યા હતા.’

કેતન અગ્રવાલની હત્યાના કાવતરામાં હજી એક શકમંદ: ચેતનના ક્લાસમેટની પૂછપરછ; હત્યાના દિવસે તેને પણ લોહગડ આવવા કહેવાયું હતું, પણ તે નહોતો ગયો

પુણેના બિઝનેસમૅન કેતન અગ્રવાલની હત્યાના કેસમાં હવે નવી માહિતી સામે આવી છે. હત્યાકેસના આરોપી અને સિયાના બૉયફ્રેન્ડ ચેતન ચૌધરીના ફ્રેન્ડને હવે આ કેસમાં તાબામાં લઈને પૂછપરછ કરવામાં આવી રહી છે.

પુણે ગ્રામીણ પોલીસે મૂળ બીડના અને હાલ પુણેની બાલેવાડીની એક પ્રાઇવેટ કંપનીમાં જૉબ કરતા ચેતનના ક્લાસમેટને તાબામાં લીધો છે. પોલીસસૂત્રોનું કહેવું છે કે પોલીસને શંકા છે કે ચેતનના તે ફ્રેન્ડને ચેતન અને સિયા મળીને કેતનની હત્યા કરવાના છે એ પ્લાનની જાણ હતી એટલું જ નહીં; હત્યાના દિવસે તેને પણ ચેતને લોહગડ આવવા કહ્યું હતું, પણ તે તેમની સાથે જોડાયો નહોતો.

પોલીસને તપાસ દરમ્યાન જણાઈ આવ્યું છે કે કેતનની હત્યા કર્યા બાદ ચેતન તે ફ્રેન્ડને મળ્યો હતો એટલું જ નહીં, કેતનની હત્યા કર્યા પછી પણ સિયા તેની સાથે સંપર્કમાં હતી. એવું કહેવાય છે કે ચેતનનો તે ફ્રેન્ડ મેના છેલ્લા વીકથી તેમની સાથે સતત સંપર્કમાં હતો એટલું જ નહીં, સિયાએ ઑલરેડી તેને તેઓ કઈ જગ્યાએ કેતનનું કાસળ કાઢી નાખવાના છે એ સ્પૉટના વિડિયો અને ફોટો પણ બતાવ્યા હોવાનું કહેવાય છે. પુણે પોલીસે એથી ચેતનના તે ક્લાસમેટને તાબામાં લઈને તેની પૂછપરછ શરૂ કરી છે.

એવું પણ કહેવાય છે કે તે ફ્રેન્ડે સિયા અને ચેતન બન્નેને સમજાવ્યાં હતાં કે તેઓ ચેતનની હત્યા ન કરે. કેસની તપાસ કરી રહેલી પોલીસ એ જાણવા માગે છે કે તે ફ્રેન્ડને ફક્ત કાવતરાની જાણ હતી અને તેણે તેમને રોકવાની કોશિશ કરી કે પછી ઍક્ટિવલી તે કાવતરામાં પણ સામેલ થયો હતો. હાલ એની તપાસ ચાલી રહી છે.

Whatsapp-channel Whatsapp-channel

04 July, 2026 01:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK