આ જોઈને ગીતનો ઓરિજિનલ સિંગર કરણ ઔજલા ગદ્ગદ થઈ ગયો છે
સંગીતનાં લિવિંગ ગૉડેસ આશા ભોસલેજીએ ‘તૌબા તૌબા’ પર પર્ફોર્મ કર્યું
રવિવારે દુબઈમાં યોજાયેલી લાઇવ કૉન્સર્ટમાં આશા ભોસલેએ ‘હુસન તેરા તૌબા તૌબા...’ ગાઈને અને એના મ્યુઝિક પર ડાન્સ કરીને ત્યાં હાજર દર્શકોને જ નહીં, સોશ્યલ મીડિયા પર પણ જલસો પાડી દીધો. વિકી કૌશલ અને તૃપ્તિ ડિમરીની ફિલ્મ ‘બૅડ ન્યુઝ’નું આ સૉન્ગ જબરદસ્ત હિટ થયું છે. આ ગીત પંજાબી ગાયક કરણ ઔજલાએ લખ્યું, સંગીતબદ્ધ કર્યું અને ગાયું છે.
૯૧ વર્ષનાં આશા ભોસલેએ રવિવારની રાતે દુબઈના કોકા કોલા અરીનામાં સોનુ નિગમ સાથે લાઇવ શો કર્યો હતો. આ શોમાં તેઓ ‘હુસન તેરા તૌબા તૌબા...’ ગાતાં હતાં ત્યારે થોડીક ક્ષણો માટે માઇકથી દૂર જઈને આ ગીતનું ફેમસ હુક-સ્ટેપ પણ તેમણે કર્યું હતું.
ADVERTISEMENT
આશા ભોસલેએ આ ગીત ગાયું અને એના પર ડાન્સ કર્યો એનાથી કરણ ઔજલા ભાવવિભોર થઈ ગયો છે. તેણે સોશ્યલ મીડિયા પર ગદ્ગદ થઈને લખ્યું : સંગીતનાં લિવિંગ ગૉડેસ આશા ભોસલેજીએ ‘તૌબા તૌબા’ પર પર્ફોર્મ કર્યું છે... આ ગીત ગામડામાં મોટા થયેલા એક બાળકે લખ્યું છે જેનું સંગીતનું કોઈ બૅકગ્રાઉન્ડ નથી અને સંગીતનાં વાદ્યોની જેને કોઈ જાણકારી નથી... આ ગીતને ખૂબ પ્રેમ મળ્યો છે, પણ આ ક્ષણ ખરેખર આઇકૉનિક છે જે હું ક્યારેય નહીં ભૂલું... મેં આ ગીત ૨૭ વર્ષની ઉંમરે લખ્યું, આશા ભોસલેએ ૯૧ વર્ષની ઉંમરે મારા કરતાંય સારું ગાયું.


