એ.આર. રહમાને દિવંગત ગાયિકા આશા ભોસલેને સમર્પિત ‘આશા ફૉરેવર’ મ્યુઝિક-વિડિયોમાં શાહરુખ ખાન પણ જોડાશે એવી જાહેરાત કરી છે. આ ખાસ ગીત ટૂંક સમયમાં રિલીઝ થશે.
આશા ભોસલે, શાહરૂખ ખાન અને એઆર રહેમાન
સંગીતકાર એ.આર. રહમાને વર્લ્ડ મ્યુઝિક ડે પર જાણીતાં દિવંગત ગાયિકા આશા ભોસલેને એક ખાસ મ્યુઝિક-વિડિયો ‘આશા ફૉરેવર’ દ્વારા શ્રદ્ધાંજલિ આપવાની જાહેરાત કરી હતી. આ પ્રોજેક્ટની જાહેરાત બાદ ઑસ્કર વિજેતા મ્યુઝિક-કમ્પોઝરે હવે જણાવ્યું છે કે શાહરુખ ખાન પણ આ શ્રદ્ધાંજલિ માટેના મ્યુઝિક-વિડિયોનો હિસ્સો બનશે.
એ.આર. રહમાને પોતાના ચાહકો સાથે આ સમાચાર શૅર કર્યા હતા અને આશા ભોસલેને સમર્પિત આ ખાસ પ્રોજેક્ટમાં સામેલ થવા માટે શાહરુખનો આભાર માન્યો છે. તેણે એ પણ જણાવ્યું કે ગીત ટૂંક સમયમાં રિલીઝ કરવામાં આવશે. જોકે આ ગીતની રિલીઝ-ડેટ વિશે હજુ કોઈ માહિતી આપવામાં આવી નથી.
‘આશા ફૉરેવર’ નામનો આ પ્રોજેક્ટ રહમાન માટે ખૂબ જ ખાસ અને અંગત છે. આશા ભોસલે જીવંત હતાં ત્યારે તેણે આ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. તેની લાગણી હતી કે એક દિવસ આશા ભોસલે પોતાના સન્માનમાં તૈયાર કરવામાં આવેલા આ મ્યુઝિકલ સેલિબ્રેશનને જોઈ શકશે, પણ તેમના નિધન બાદ આ પ્રોજેક્ટનું મહત્ત્વ વધુ વધી ગયું છે.
