અમિતાભ બચ્ચને મને કહ્યું કે લોકો તમારી પાસેથી પ્રેરણા મેળવશે
અમિતાભ બચ્ચન સાથે ડૉ. ગણેશ બારૈયા KBCના સેટ પર.
કૌન બનેગા કરોડપતિ (KBC)માં જવાનું અને અમિતાભ બચ્ચનને મળવાનું સપનું કંઈકેટલાય લોકોનું હોય છે, પરંતુ દરેકના કેસમાં એ શક્ય બનતું નથી હોતું. જોકે ૩ ફુટની હાઇટ ધરાવતા ભાવનગર જિલ્લાના ગોરખી ગામના ડૉ. ગણેશ બારૈયાનું આ સપનું પૂરું થયું છે એટલું જ નહીં, બૉલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને તેમની કહાની સાંભળીને તેમને પ્રોત્સાહિત કરતાં કહ્યું હતું કે તમારી પાસેથી લોકો પ્રેરણા મેળવશે.
ઓછી હાઇટને કારણે ડૉક્ટર બનવામાં અનેક અડચણોનો સામનો કરીને, સુપ્રીમ કોર્ટ સુધી લડત આપ્યા બાદ હાલમાં ભાવનગરની સરકારી હૉસ્પિટલમાં બાળરોગ વિભાગમાં ડૉ. ગણેશ બારૈયા મેડિકલ ઑફિસર તરીકે કાર્યરત છે. તાજેતરમાં KBCના એપિસોડ માટે અમિતાભ બચ્ચન સાથે શૂટિંગ કરીને આવેલા ડૉ. ગણેશ બારૈયા હાલમાં તો ઉત્સાહથી ભરપૂર
છે. તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘KBCની ટીમને મારા ન્યુઝ મળ્યા હશે અને આર્ટિકલ જોયા હશે એટલે એક મેમ્બરે મારો સંપર્ક કરીને પૂછ્યું કે તમે KBCમાં આવવા ઇન્ટરેસ્ટેડ છો કે નહીં? મેં ઇન્ટરેસ્ટ બતાવીને હા પાડી હતી. હું KBCના શૂટિંગ માટે મારા પિતા વિઠ્ઠલભાઈ અને શિક્ષક ડૉ. દલપત કાતરિયા સાથે મુંબઈ આવ્યો હતો. ત્રીજી અને ચોથી ઑગસ્ટે મુંબઈમાં સદીના મહાનાયક અમિતાભ બચ્ચન સાથે KBCના એપિસોડનું શૂટિંગ થયું હતું. જીવનમાં માણસને અમુક મોકા મળતા હોય છે જે લાઇફ-ચેન્જિંગ મોમેન્ટ હોય છે એમ મારા જીવનમાં પણ આ મોમેન્ટ આવી. મને અમિતાભ બચ્ચન સાથે શૂટિંગ કરવાનો અને તેમની સાથે વાતો કરવાનો, તેમના અનુભવ તથા તેમની વાતો સાંભળવાનો મોકો મળ્યો. તેમની સામે હું હૉટ સીટ પર સાડાત્રણ કલાક બેઠો હતો. હું ૯ પ્રશ્ન સુધી પહોંચ્યો હતો.’
ADVERTISEMENT
બિગ બીની શુભેચ્છા
અમિતાભ બચ્ચને મારી કારકિર્દીને લઈને પૂછ્યું હતું એમ જણાવીને ડૉ. ગણેશ બારૈયાએ કહ્યું હતું કે ‘શરૂઆતમાં તેમને એમ લાગ્યું હતું કે હું ડૉક્ટર ઑફ ફિલોસૉફી (PhD) છું, પણ મેં તેમને કહ્યું કે હું બૅચલર ઑફ મેડિસિન અને બૅચલર ઑફ સર્જરી (MBBS) ડૉક્ટર છું. મેં મારી સ્ટોરી, બાળપણનો સ્કૂલ સહિતનો અભ્યાસ, મારા કેસની વાતો તેમની સાથે કરી હતી. અમિતાભ બચ્ચને મારી વાતો સાંભળીને અને મારા વિશે જાણીને મને કહ્યું કે લોકો તમારી પાસેથી પ્રેરણા મેળવશે, તમારી પાસેથી ઘણા લોકો શીખશે. હું આગળ ઉત્તરોતર પ્રગતિ કરું એવી શુભેચ્છા તેમણે આપી હતી.’
અમિતાભજીની એનર્જી અલગ
અમિતાભ બચ્ચન સાથેના અનુભવ વિશે વાત કરતાં ડૉ. ગણેશ બારૈયાએ કહ્યું હતું કે ‘અમિતાભજી વિશે શું કહું. તેમનો ઑરા અલગ છે, તેમની એનર્જી અલગ છે. સેટ પર સવારે ૧૧ વાગ્યે શૂટિંગ શરૂ થયું હતું અને બે એપિસોડનું શૂટિંગ કરતાં રાતે બે વાગી ગયા હતા છતાં તેમની એનર્જી એવી ને એવી જ હતી. બીજા લોકો થાકી ગયા હતા, પરંતુ અમિતાભજીની એનર્જી એવી જ હતી જે સવારે ૧૧ વાગ્યે જોવા મળી હતી. તેમની સાથે KBCના શૂટિંગનો ખૂબ જ સારો અનુભવ રહ્યો. લાઇફમાં આવો ચાન્સ એક જ વખત મળતો હોય છે. ઉપરવાળાની કૃપાથી આ ચાન્સ મને મળી ગયો અને સદીના મહાનાયકને મળવાનો મોકો મળ્યો. બહુ ઓછા લોકોને આ મોકો મળતો હોય છે. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું કોઈ દિવસ અમિતાભ બચ્ચનને રૂબરૂ મળી શકીશ. જોકે મારું સપનું હતું કે હું એક વખત KBCમાં જાઉં. મારું આ સપનું પૂરું થયું. મારો એપિસોડ ૧૨ ઑગસ્ટે રિલીઝ થયો હતો.’
