Mumbai Fire: મુંબઈ ફાયર બ્રિગેડને આ અંગે પરોઢિયે આશરે ૪:૧૪ વાગ્યે જાં કરવામાં આવી હતી. માહિતી મળતાંની સાથે જ ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી.
પ્રતીકાત્મક તસવીર
મુંબઈના કાંદિવલી વિસ્તારમાં આજે વહેલી સવારે આગનો (Mumbai Fire) બનાવ બન્યો છે. કાંદિવલી વેસ્ટમાં સ્ટેશન રોડ પર આવેલી અભિરાઈ હોટેલ પાસે ફૂડ સ્ટોલ અને તેને અડીને આવેલી ચાર માળની કમર્શિયલ બિલ્ડિંગમાં અચાનક આગની જ્વાળાઓ જોવા મળી હતી. મુંબઈ ફાયર બ્રિગેડને આ અંગે પરોઢિયે આશરે ૪:૧૪ વાગ્યે જાં કરવામાં આવી હતી. માહિતી મળતાંની સાથે જ ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી.
પ્રાથમિક માહિતી અનુસાર આ આગને ‘લેવલ-૧’ની આગ ઘોષિત કરવામાં આવી હતી. રિપોર્ટ્સ પ્રમાણે ફૂડ સ્ટોલમાં આગ લાગી હતી, જેણે ઝપાટાબંધ ઇલેક્ટ્રિક વાયરિંગ, સાધનસામગ્રી, લાકડાના ફર્નિચર, પ્લાસ્ટિક, વાંસ અને તાડપત્રી વગેરેને પોતાની લપેટમાં લેવાની શરૂઆત કરી હતી. ગણતરીની મિનિટોમાં સ્ટોલમાં લાગેલી આગ એ હદ સુધી ફેલાઈ ગઈ હતી કે તે પાસેની `તિરુપતિ બેન્ક્વેટ` બિલ્ડિંગના ચોથા માળ સુધી પહોંચી ગઈ હતી. ત્યાં લગભગ ૫૦ ચોરસ ફૂટ વિસ્તારમાં કપડાં, લાકડાનું ફર્નિચર અને ફોલ્સ સિલિંગ આગની લપેટમાં આવી ગયા હતા. તેટલું જ નહીં જોતજોતામાં બિલ્ડિંગના બહારના ભાગમાં લગાવેલી એલ્યુમિનિયમ અને પ્લાસ્ટિકની ડેકોરેટેડ શીટ્સ પણ રાખ થઇ ગઈ (Mumbai Fire) હતી.
ADVERTISEMENT
૧૧ લોકો માટે દેવદૂત બની મુંબઈ ફાયર બ્રિગેડ
આ કમર્શિયલ બિલ્ડિંગમાં બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર અને તેની ઉપર ૪ ફ્લોર આવેલ છે. અગનજ્વાળાઓને કારણે આખી બિલ્ડિંગમાં મોટા પ્રમાણમાં ધુમાડો (Mumbai Fire) ભરાઈ ગયો હતો. જેને લીધે બિલ્ડિંગની અંદર જે લોકો હતા તે તમામ લોકો બહાર નીકળવા માટે ભાગવા લાગ્યા હતા, જેને પરિણામે નાસભાગ જેવી પરિસ્થિતિ સર્જાઇ હતી. ત્યાં જ ઘટનાસ્થળે પહોંચેલા ફાયર બ્રિગેડના જવાનોએ તાકીદે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. સેકન્ડ ફ્લોર પર આવેલા લોજિંગ હાઉસમાં ૧૧ લોકો ફસાઈ ગયા હતા તે તમામને તરત જ સીડીની મદદથી સેફલી બહાર કાઢવામાં આવ્યા હતા. સદ્દનસીબે આ હાદસામાં કોઈ પણ વ્યક્તિને ઈજા કે જાનહાનિ થઈ નથી.
ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ સવારે ૬:૦૭ વાગ્યે આગ પર કાબૂ મેળવી લીધો હતો. જોકે આ આગ (Mumbai Fire) આખરે કઈ રીતે લાગી તે અંગેની કોઈ માહિતી સામે આવી નથી, પરંતુ પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટ અથવા ઇલેક્ટ્રિક વાયરિંગમાં ફૉલ્ટ થયાના કારણે આગ લાગી હોઇ શકે તેવું અનુમાન છે. હાલ પોલીસ અને અગ્નિશામક દળ દ્વારા અહીં તપાસ ચાલી રહી છે.
આજે જ્યારે કાંદિવલીની આ કમર્શિયલ બિલ્ડિંગમાં આગ લાગી અને ૧૧ લોકોને બહાર નીકળવાનો ચાન્સ ન મળ્યો પરંતુ ફાયર બ્રિગેડે તમામને સીડીની મદદથી બચાવી લીધાં. ક્યાંય પણ આગ લાગે ત્યારે સામાન્ય રીતે જોઈએ તો જીવ બચાવવા માટે બધા બહાર તરફ દોટ લગાવે છે. કેમ કે જેટલા અંદર રહેશો એટલો ખતરો વધારે હોય છે. આ નિયમથી વિપરીત લોકોના જીવ બચાવવા ફાયર-ફાઇટર્સ બહારથી આગમાં અંદર તરફ જતા હોય છે. તેમની બહાદુરી અને મહાનતાનાં તો ગુણગાન ગાઈએ એટલું ઓછું છે!
