Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કૅન્સરપીડિત બાળકો માટે ધોધમાર વરસાદમાં મુંબઈગરા ૧૨ કલાક દોડ્યા

કૅન્સરપીડિત બાળકો માટે ધોધમાર વરસાદમાં મુંબઈગરા ૧૨ કલાક દોડ્યા

Published : 17 August, 2026 08:23 AM | IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

મુંબઈમાં કોઈ પણ મોટું સેવાકાર્ય હોય અને એમાં ગુજરાતીઓ અગ્રેસર ન હોય એવું બને જ નહીં. મળીએ આવા ઉમદા કાર્ય માટે દોડનારા ગુજરાતીઓને.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


તાતા મેમોરિયલ હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલાં કૅન્સરપીડિત બાળકોના ઇલાજ માટે ફન્ડ એકઠું કરવા શનિવારે સવારે પાંચ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી દાદરના વીર સાવરકર સ્મારક ખાતે યોજાયેલી ‘મુંબઈ અલ્ટ્રા રન : ધ ૧૨ અવર રન’ ઇવેન્ટમાં સેંકડો દોડવીરોએ દેશભક્તિના જઝ્બા સાથે દોડ લગાવી

સ્વતંત્રતાદિનની ઉજવણીના ભાગરૂપે દર વર્ષની જેમ આ વર્ષે પણ ૧૫ ઑગસ્ટે દાદરના વીર સાવરકર સ્મારક (શિવાજી પાર્ક) ખાતે ‘મુંબઈ અલ્ટ્રા રન : ધ ૧૨ અવર રન’ની નવમી એડિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે પાંચ વાગ્યાથી શરૂ થયેલી આ મૅરથૉન સાંજે પાંચ વાગ્યા સુધી અવિરત ચાલી હતી. આ દોડ તાતા મેમોરિયલ હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલાં આર્થિક રીતે નબળા પરિવારોનાં કૅન્સરપીડિત બાળકોની સારવાર માટેનું ૧૦૦ ટકા ચૅરિટી ફન્ડ રેઇઝર અભિયાન હતું. દેશભક્તિના જઝ્બા અને દોડવીરોના જોશ સાથે શિવાજી પાર્ક દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. રનર્સે શિવાજી પાર્કના બહારના ૧.૧૭ કિલોમીટરના પૅરામીટરમાં સળંગ લૂપ્સ (ચક્કર) લગાવવાનાં હતાં. ઇવેન્ટમાં ૧૨ કલાક સતત દોડનારા સોલો રનર્સ ઉપરાંત ૪-૪ સભ્યોની રિલે ટીમ પણ આકર્ષણનું કેન્દ્ર બની હતી. રનર્સની સુરક્ષા અને હેલ્પ માટે વીર સાવરકર સ્મારક ખાતે મેઇન હબ બનાવવામાં આવ્યું હતું જ્યાં આખો દિવસ મેડિકલ પાર્ટનર્સ, ફિઝિયોથેરપિસ્ટ અને હાઇડ્રેશન સ્ટેશન્સ તહેનાત હતાં. આ દોડમાંથી એકઠી થયેલી તમામ રકમ સીધી બાળકોના કૅન્સરના ઇલાજ માટે દાન કરવામાં આવશે. મુંબઈમાં કોઈ પણ મોટું સેવાકાર્ય હોય અને એમાં ગુજરાતીઓ અગ્રેસર ન હોય એવું બને જ નહીં. મળીએ આવા ઉમદા કાર્ય માટે દોડનારા ગુજરાતીઓને.



આ દોડ સહિયારી સામાજિક જવાબદારી - મનીષા રુખાણા, ૪૭ વર્ષ, મુંબઈ


૧૦ વર્ષ પહેલાં પોસ્ટ-નેટલ ડિપ્રેશન અને સ્લિપ્ડ ડિસ્કની બીમારીમાંથી સ્વસ્થ થવા ફિટનેસ પર ધ્યાન આપવાનું શરૂ કરનાર મનીષાબહેને જણાવ્યું હતું કે ‘મૅરથૉનર તરીકેના એક દાયકાના પ્રવાસમાં ઘણું બદલાયું છે. રનિંગે મારા જીવનને નવો વળાંક આપ્યો છે અને આજે મને લાગે છે કે દોડ એ જ સમાજને કંઈક પાછા આપવાનું માધ્યમ છે. આ વર્ષે મારો ટાર્ગેટ ઑલ-વુમન રિલે ટીમની દોડમાં ભાગ લેવાનો હતો. દર વર્ષની જેમ આ વખતે પણ મુંબઈ અલ્ટ્રાની કોર કમિટીની સભ્ય તરીકે ઇવેન્ટના હોસ્ટિંગ અને આયોજનની જવાબદારી સંભાળી હતી. એક ઑર્ગેનાઇઝર અને રનર તરીકે મારું મક્કમપણે માનવું છે કે આ દોડ માત્ર ટ્રૅક પૂરતી સીમિત નથી પણ સમાજ પ્રત્યેની આપણી જવાબદારી છે. તાતા મેમોરિયલ હૉસ્પિટલનાં એ નાનાં ભૂલકાંઓ ખરા અર્થમાં લિટલ ફાઇટર્સ છે જેઓ કૅન્સર જેવી જીવલેણ બીમારી સામે લડી રહ્યાં છે. તેઓ આપણા દરેકના સપોર્ટના હકદાર છે. આપણી પ્રતિ કિલોમીટર દોડ આ માસૂમ બાળકોના જીવનમાં મોટો પ્રભાવ પાડી શકે છે. જોકે આ વર્ષે અમારો વાર્ષિક રક્તદાન કૅમ્પ નવેમ્બરમાં શિફ્ટ કરવામાં આવ્યો છે. મને પૂરો વિશ્વાસ છે કે મુંબઈની રનિંગ કમ્યુનિટી આ નેક કામ માટે નવેમ્બરમાં પણ આ જ જોશ સાથે આગળ આવશે.’


મુશળધાર વરસાદને લીધે દોડ છોડવી પડી - મિતેશ શાહ, ૪૮ વર્ષ, ખાર

મિતેશ શાહ જન્મથી પોલિયોગ્રસ્ત છે. શારીરિક ક્ષતિ તેમના મનોબળને ક્યારેય ડગાવી શકી નથી. તેઓ આખું વર્ષ વિવિધ દોડમાં ભાગ લે છે. શનિવારની ઇવેન્ટમાં જોકે તેમને નિરાશા સાંપડી હતી. પોતાનો અનુભવ શૅર કરતાં તેમણે જણાવ્યું હતું કે ‘લોકો વિચારે છે કે દોડવા માટે પગની જરૂર હોય છે, પણ મારું માનવું છે કે દોડવા માટે આત્મવિશ્વાસ અને જુસ્સો જોઈએ. મુંબઈ અલ્ટ્રા રનમાં વ્હીલચૅર પર ભાગ લેવો એ મારા માટે માત્ર વ્યક્તિગત પડકાર નથી, તાતા મેમોરિયલ હૉસ્પિટલનાં એ નિર્દોષ બાળકો પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવાનું એક માધ્યમ છે જેઓ દરરોજ જિંદગીનો જંગ લડી રહ્યાં છે. જો એ માસૂમ બાળકો કૅન્સરના અસહ્ય દર્દ સામે લડીને પણ હસી શકતાં હોય તો હું વ્હીલ ફેરવીને તેમના માટે કેમ ન દોડી શકું? શારીરિક મર્યાદાઓ ક્યારેય આડે આવતી નથી. મારો આ નાનો પ્રયાસ જો કોઈ કૅન્સરપીડિત બાળકની સારવારમાં કામ આવી શકે તો જીવન સાર્થક થશે. દર વર્ષે મુંબઈ અલ્ટ્રા રનમાં વ્હીલચૅર રનર્સ માટે સવારે ૧૦.૩૦ વાગ્યાનો સ્પેશ્યલ સ્લૉટ રાખવામાં આવે છે. મેં પાંચ કિલોમીટરનો ટાર્ગેટ રાખ્યો હતો. જોકે મુશળધાર વરસાદને કારણે સુરક્ષાને ધ્યાનમાં રાખીને વૉલન્ટિયર્સે આગળ વધવાની ના પાડતાં અડધેથી અટકવું પડ્યું. ટાર્ગેટ પૂરો ન કરી શક્યો, પણ આગામી સમયમાં હું વધુ જોશ સાથે ફરી ટ્રૅક પર ઊતરીશ.’

સ્વજનને ગુમાવ્યાની પીડાએ દોડવાની પ્રેરણા આપી - કિશોરી કુડેચા, ૭૦ વર્ષ, મલાડ

જો તમારા મનમાં કંઈક કરી છૂટવાનો દૃઢ સંકલ્પ હોય તો ઉંમર માત્ર એક આંકડો છે. મલાડનાં કિશોરી કુડેચાએ ૬૦ વર્ષની ઉંમરે દોડવાનું શરૂ કર્યું હતું. આજે ૭૦ વર્ષની ઉંમરે તેમનો જઝ્બો અને ઊર્જા ખરેખર પ્રેરણાદાયી છે. ‘મિડ-ડે’ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે ‘૯ વર્ષથી રનિંગમાં છું. જોકે ‘મુંબઈ અલ્ટ્રા રન : ધ ૧૨ અવર રન’માં આ મારી પ્રથમ ભાગીદારી હતી. આ ઇવેન્ટમાં મને મળેલા ૩ કલાકના સ્લૉટમાં ૨૧ કિલોમીટરનું અંતર પૂરું કરવાનો લક્ષ્યાંક અચીવ કરી લીધો હતો. મારા માટે આ દોડ માત્ર એક ફિટનેસ-ચૅલેન્જ નથી. આની પાછળ અંગત કારણ જોડાયેલું છે. કમનસીબે કૅન્સર જેવી ગંભીર બીમારીને કારણે મેં મારા પરિવારના સભ્યને ગુમાવ્યા છે. આ દર્દ મેં ખૂબ નજીકથી જોયું છે. તેથી જ મારી ઇચ્છા હતી કે તાતા મેમોરિયલ હૉસ્પિટલના માસૂમ કૅન્સરપીડિત બાળકો માટે કંઈક યોગદાન આપી શકું. તમે જ્યારે કોઈ ઉમદા સામાજિક હેતુ માટે દોડો છો ત્યારે થાક આપોઆપ ગાયબ થઈ જાય છે. મારું જીવનસૂત્ર એક જ છે - નેવર ગિવ અપ. જ્યાં સુધી શ્વાસ અને પગ સાથ આપશે ત્યાં સુધી હું માનવતા અને સેવાનાં કાર્યો માટે દોડતી રહીશ.’

નાનો પ્રયાસ મોટી સાંકળ બને છે - દિતિ કજારિયા, ૩૯ વર્ષ, મસ્જિદ બંદર

દિતિ કજારિયા છેલ્લાં ૯ વર્ષથી દોડે છે. મુંબઈ અલ્ટ્રા રન સાથે આ તેમની ચોથી દોડ હતી. તેમણે કહ્યું હતું કે ‘એક રનર તરીકે મારો આત્મવિશ્વાસ અડગ છે અને આ વર્ષે પણ ૩ કલાકમાં ૨૧ કિલોમીટરનું અંતર કાપવાનું મારું લક્ષ્ય પૂરું કર્યું હતું. મારા માટે આ દોડ માત્ર ફિટનેસ કે ટાર્ગેટ પૂરો કરવા પૂરતી સીમિત નહોતી. જ્યારે તમે કૅન્સરથી પીડાતાં માસૂમ બાળકો માટે દોડો છો ત્યારે તમારી અંદર એક અલગ જ ઊર્જા કામ કરે છે. મારું માનવું છે કે આપણો આ પ્રયાસ એક અનોખી ચેઇન રીઍક્શન (સાંકળ) બનાવે છે. રનરની સોશ્યલ મીડિયા પોસ્ટ, કોઈના દ્વારા કરાયેલું નાનું દાન કે અખબારના સમાચાર બીજા ૧૦ લોકોને આવા ઉમદા કાર્યમાં જોડાવા પ્રેરિત કરશે. આ એક એવી સાંકળ છે જેમાં કાં તો લોકો ફન્ડ આપવા માટે અથવા તો આવી ઇવેન્ટમાં વૉલન્ટિયર બનીને સેવા આપવા માટે આગળ આવશે. ‘એેન્ડ્યુરન્સ રેવલ્યુશન’ નામના વિમેન્સ રનિંગ ગ્રુપની કો-ફાઉન્ડર તરીકે હું હંમેશાં આ સેવામાં અગ્રેસર રહી છું. કૅન્સરપીડિત બાળકોનું સ્માઇલ મને અને મારી ટીમને સતત કંઈક સારું કરવાની પ્રેરણા આપે છે.’

માસૂમ બાળકોના ભવિષ્યને બહેતર બનાવવા દોડી - પિન્કી મિસ્ત્રી, ૪૬ વર્ષ, વરલી

૨૦૧૯થી વિવિધ ઇવેન્ટમાં દોડતાં પિન્કી મિસ્ત્રીએ જણાવ્યું હતું કે ‘મુંબઈ અલ્ટ્રા રન મારા દિલની સૌથી નજીક છે. બાળકો આપણા દેશનું અને સમાજનું ભવિષ્ય છે. તેઓ કૅન્સર જેવી જીવલેણ બીમારી સામે લડતાં હોય ત્યારે આપણે હાથ જોડીને બેસી ન શકીએ. આપણે ડૉક્ટર નથી કે કૅન્સરનો ઇલાજ કરી શકીએ, પરંતુ અલ્ટ્રા રન જેવી ઉમદા ઇવેન્ટમાં ભાગ લઈને નાનુંઅમથું યોગદાન ચોક્કસ આપી શકીએ છીએ. આ મેગા ચૅરિટી ઇવેન્ટ માત્ર એક દોડ નથી, એ માસૂમ બાળકોના ભવિષ્યને બહેતર બનાવવાની દિશામાં આપણું અત્યંત મજબૂત પગલું છે. મારી દોડ જો કોઈ એક બાળકના ચહેરા પર પણ સ્મિત લાવી શકે અથવા તેની સારવારમાં મદદરૂપ થઈ શકે તો એક રનર તરીકે મારી મહેનત સફળ છે. વરલીમાં રહેતી હોવાને કારણે શિવાજી પાર્ક મારું હોમ ગ્રાઉન્ડ જેવું છે. આઝાદી પર્વે આ બાળકોના સારા ભવિષ્ય માટે દોડવાનો આનંદ છે.’

ગંભીર બીમારી સામે લડતાં બાળકોની શક્તિ જ મારી તાકાત - શિલ્પા ભણસાલી, ૬૦ વર્ષ, મુલુંડ

મુલુંડ-વેસ્ટમાં રહેતાં ૬૦ વર્ષનાં શિલ્પા ભણસાલી છેલ્લાં ૧૩ વર્ષથી રનિંગ ક્ષેત્રે સક્રિય છે. મુંબઈ અલ્ટ્રા રન સાથે તેમનો નાતો ઘણો જૂનો અને લાગણીસભર રહ્યો છે. અત્યાર સુધીનાં વર્ષોમાં તેઓ આ રેસ દરમ્યાન યોજાતી રક્તદાન શિબિર અને અન્ય મૅનેજમેન્ટમાં એક વૉલન્ટિયર તરીકે પડદા પાછળ રહીને સેવા આપતાં હતાં. જોકે આ વર્ષે તેમણે વૉલન્ટિયર બનવાને બદલે ખુદ ટ્રૅક પર ઊતરીને દોડવાનું નક્કી કર્યું હતું. શિલ્પાબહેને જણાવ્યું હતું કે ‘અમારી ૩ અલગ-અલગ ટીમોમાં કુલ ૧૨ મહિલા રનર્સ સામેલ હતી. રિલે ફૉર્મેટ મુજબ આ રેસમાં દરેક મહિલાએ સતત ૩ કલાક દોડવાનું હતું. મારો રનિંગ-સ્લૉટ બપોરના બે વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધીનો હતો જે મુંબઈના વાતાવરણ મુજબ સૌથી પડકારજનક સમય ગણાય. જોકે શનિવારે આખો દિવસ વરસાદ હતો. ૩ કલાકમાં ૧૮ કિલોમીટર દોડવાનો નક્કી કરેલો ટાર્ગેટ અચીવ કરી લીધો. તાતા મેમોરિયલ હૉસ્પિટલમાં કૅન્સર જેવી જીવલેણ બીમારી સામે લડતાં નાનાં બાળકોને જોઈને હૃદય દ્રવી ઊઠે છે. આટલી નાની ઉંમરે પણ તેમની અંદર જે હિંમત અને જીવવાની જિજીવિષા છે એ આપણા જેવા પુખ્ત લોકોને ઘણું શીખવી જાય છે. બાળકોની લડાયક શક્તિ મને પ્રેરણા આપે છે. આઝાદીના પર્વે આ માસૂમ બાળકોના ચહેરા પર સ્મિત લાવવાના અને તેમના ઇલાજ માટે ફન્ડ એકઠું કરવાના ઉમદા કાર્યમાં મારું નાનું યોગદાન આપ્યાનો સંતોષ છે.’

Whatsapp-channel Whatsapp-channel

17 August, 2026 08:23 AM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK