2021ની દિવાળીમાં આવશે અપને 2
સની દેઓલ, ધર્મેન્દ્ર, બૉબી દેઓલ
ધર્મેન્દ્ર, સની દેઓલ અને બૉબી દેઓલ 2021ની દિવાળીમાં લોકોને ‘અપને 2’ની ધમાકેદાર ગિફ્ટ આપવાના છે. દેઓલ ફૅમિલી ‘અપને’ની સીક્વલ લઈને તૈયાર છે. 14 વર્ષ પહેલાં રિલીઝ થયેલી ઍક્શન, ઇમોશન અને આદર્શોને દેખાડતી આ ફિલ્મ લોકોને ખૂબ પસંદ પડી હતી. ફિલ્મમાં ધર્મેન્દ્ર, સની દેઓલ, બૉબી દેઓલ, શિલ્પા શેટ્ટી, કૅટરિના કૈફ અને કિરણ ખેર લીડ રોલમાં હતાં. ફિલ્મની સ્ટોરી એક એવા પિતાની હતી, જેની ઇચ્છા હતી કે તેમના દીકરા બૉક્સિંગ ચૅમ્પિયન બને. ફિલ્મ પૂરી રીતે ફૅમિલી એન્ટરટેઇનર હતી. આ ફિલ્મ વિદેશમાં પણ ખાસ્સી હિટ રહી હતી. હવે એની સીક્વલમાં ધર્મેન્દ્ર, સની દેઓલ અને બૉબી દેઓલની સાથે જ સની દેઓલનો દીકરો કરણ દેઓલ પણ જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ માર્ચમાં પંજાબ અને યુરોપમાં શરૂ કરવામાં આવશે. આ સીક્વલમાં પહેલાંની ફિલ્મની જેમ જ ઍક્શન, ડ્રામા, ઇમોશન અને મનોરંજનનો પૂરો ખ્યાલ રાખવામાં આવશે. સાથે જ નવા ઍક્ટર્સનો પણ એમાં સમાવેશ કરવામાં આવશે. ફિલ્મની સ્ક્રિપ્ટ પણ તૈયાર થઈ ગઈ છે.
ફિલ્મને અનિલ શર્મા ડિરેક્ટ કરશે તો દીપક મુકુટ પ્રોડ્યુસ કરશે. ફિલ્મને લઈને એક નાનકડી ક્લિપ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ધર્મેન્દ્રએ કૅપ્શન આપી હતી કે ‘મારા પોતાના લોકો. જ્યાં સુધી ભગવાનની કૃપા રહેશે ત્યાં સુધી આપણે સાથે-સાથે ચાલતા રહીશું. દેઓલ પરિવારની ત્રણેય પેઢી ‘અપને 2’ને 2021ની દિવાળીમાં થિયેટર્સમાં લઈને આવવાની છે.’
ADVERTISEMENT
આ ફિલ્મને લઈને પોતાની લાગણી વ્યક્ત કરતાં ધર્મેન્દ્રએ કહ્યું હતું કે ‘મારી લાઇફની ‘અપને’ બેસ્ટ ફિલ્મ રહી છે. આખી ટીમના અથાક પ્રયાસને તમે બધાએ ખૂબ આવકાર આપ્યો હતો. હવે હું ખૂબ ખુશ છું, કારણ કે અમે ‘અપને 2’ મારા દીકરા સની દેઓલ, બૉબી દેઓલ અને પૌત્ર કરણ દેઓલની સાથે મળીને બનાવવાના છીએ. આ સ્પેશ્યલ ફિલ્મ રહેવાની છે અને એનું શૂટિંગ શરૂ કરવા માટે હું આતુર છું.’
બીજી તરફ ટ્વિટર પર સની દેઓલે ટ્વીટ કર્યું હતું કે ‘બાબાજીના આશીર્વાદ અને તમારા સૌના પ્રેમને કારણે અમે આજે ફરીથી એકસાથે જોવા મળીશું. મારા પિતા, ભાઈની સાથે કામ કરવાની ફરીથી તક મળી રહી છે. આ વખતે ‘અપને 2’માં મારો દીકરો પણ દેખાશે. ‘અપને 2’ 2021ની દિવાળીમાં થિયેટર્સમાં રિલીઝ થવાની છે.’