સુકેશ સાથે જૅકલિન ફર્નાન્ડિસ અને નોરા ફતેહીનું નામ પણ સામેલ થયું છે. આ કેસમાં તેમની પણ સતત પૂછપરછ કરવામાં આવી છે

સુકેશ ચન્દ્રશેખર
બસો કરોડના મની લૉન્ડરિંગ કેસમાં સંડોવાયેલા સુકેશ ચન્દ્રશેખરના જીવન પર પ્રોજેક્ટ બનાવવાની તૈયારી ડિરેક્ટર આનંદ કુમારે કરી છે. સુકેશ સાથે જૅકલિન ફર્નાન્ડિસ અને નોરા ફતેહીનું નામ પણ સામેલ થયું છે. આ કેસમાં તેમની પણ સતત પૂછપરછ કરવામાં આવી છે. આ ફિલ્મ બનશે કે વેબ-સિરીઝ એની હજી સુધી સ્પષ્ટતા નથી. સુકેશ વિશે વધુ માહિતી મેળવવા માટે આનંદ કુમારે તિહાડ જેલના અસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ દીપક શર્મા સાથે મુલાકાત પણ કરી હતી. એ વિશે આનંદ કુમારે કહ્યું કે ‘આ પ્રોજેક્ટ પર હજી કામ ચાલી રહ્યું છે. રિસર્ચ અને માહિતી મેળવવા માટે હું પહેલી વખત દીપક શર્માને મળ્યો હતો. આ પ્રોજેક્ટ ફિલ્મ રહેશે કે વેબ-સિરીઝ એ વિશે હજી સુધી નક્કી નથી કર્યું. આવતા મહિને મારા રાઇટર્સ દિલ્હી જવાના છે અને તેઓ તપાસ કરતી ટીમનો સંપર્ક કરશે. બાયોપિક મહાન લોકોની બને છે. તે ઠગ છે અને હું તેને અમર નથી બનાવવા માગતો. સુકેશ ૧૦થી ૧૨ ભાષા જાણે છે. લોકોને છેતરવાની તેની સ્ટાઇલ અનોખી છે. હું તેનાં નેટવર્ક્સને એક્સપ્લોર કરવા માગું છું. હું દેખાડવા માગું છું કે તે કેવો માસ્ટરમાઇન્ડ હતો. કોઈ કૌભાંડ કરવા માટે તે એક વર્ષ પહેલાં જ તૈયારી કરતો હતો. ભારતીય સિનેમામાં આવી પર્સનાલિટીઝને કદી પણ દેખાડવામાં નથી આવી.’

