ફૅન્સ એને બિગ બીના ટ્રોલિંગ સાથે અથવા તો અભિષેકની નિષ્ફળતા સાથે સાંકળી રહ્યા છે
ગઈ કાલે જુહુના તેમના બંગલા જલસાની બહાર ભેગા થયેલા ચાહકોનું અભિવાદન કરતા અમિતાભ બચ્ચન.
થોડા દિવસો પહેલાં અમિતાભ બચ્ચને ઘણા દિવસો સુધી સોશ્યલ મીડિયા પર બ્લૅન્ક પોસ્ટ મૂકી હતી જેના કારણે તેઓ ટ્રોલ થઈ ગયા હતા. હવે તેઓ સોશ્યલ મીડિયા પર અને પોતાના બ્લૉગ પર સક્રિય બની ગયા છે. હાલમાં તેમની સોશ્યલ મીડિયા પરની પોસ્ટ ચર્ચાસ્પદ બની છે જેમાં તેમણે પોતાના પિતા હરિવંશરાય બચ્ચનની હિન્દી કવિતા મૂકી છે જેનો મતલબ થાય છે કે ‘એક વિચિત્ર દોડ છે આ જીવન, જીતી જાઓ તો ઘણા પોતાની પાછળ રહી જાય છે અને હારી જાઓ તો તમારા જ તમને પાછળ છોડી દે છે.’

ADVERTISEMENT
આ સિવાય અમિતાભે પોતાના બ્લૉગ પર લખ્યું છે કે ‘ક્યારેક શરીર પોતે જ તમારી લાગણીઓ પર હાવી થઈ જાય છે અને આદેશ આપે છે, આરામ કરો. તો જેટલું શક્ય હતું એટલું કર્યું, પછી મેં હાર માની લીધી અને એ જ કર્યું જે શ્રી શરીરે ઇચ્છ્યું. આ પછી શરીરે મને સમજાવી દીધું કે અસલી માલિક કોણ છે... શ્રી શરીર. જોકે આનાથી મને એ ન સમજાયું કે આ પછી શું થશે. જે કરવાની જરૂર હતી એમાં ચૂક થઈ અને બીજી ઘણી બાબતો પણ. આખરે દિવસ માટે જે નક્કી કરવામાં આવ્યું હતું એ અધૂરાં સપનાંઓ સાથે ચાલ્યું ગયું અને અંતે મને એ સ્થિતિમાં છોડી દીધો જેમાં હું હતો. ૮૩ વર્ષની ઉંમરે મારી પાસે ચર્ચા માટે ઘણું બધું છે, પરંતુ મંચને અભિવ્યક્તિ અને સમજણની એક ચોક્કસ ગંભીરતાની જરૂર છે જે વિશે હું કહેવા માગું છું કે આ આજની આપણી દુનિયામાં વિસરાતી જતી ઘટના છે... બીજી ઘણી વસ્તુઓની જેમ...’
અમિતાભ બચ્ચનની આ રહસ્યમય પોસ્ટ ઝડપથી વાઇરલ થઈ રહી છે. આ પોસ્ટ સામે આવ્યા પછી તેમના ફૅન્સ ચિંતામાં મુકાઈ ગયા છે. કેટલાક લોકો એને તાજેતરમાં થયેલા અમિતાભના ટ્રોલિંગ સાથે જોડી રહ્યા છે તો કેટલાક એને અભિષેકની નિષ્ફળતા સાથે સાંકળી રહ્યા છે.


