મૌસમી ચૅટરજીએ કહ્યું કે બિગ બી હંમેશાં પોતાની ઇમેજને સાચવવામાં જ લાગેલા હોય છે. મને તો ઘણી વખત તેમના પર દયા પણ આવે છે કે તેઓ બિચારા દરેક સમયે ફક્ત અભિનય જ કરે છે.’
મૌસમી ચૅટરજી અને અમિતાભ બચ્ચન
મૌસમી ચૅટરજી તેની ઍક્ટિંગની સાથે સાથે બૉલ્ડ નિવેદનોના કારણે જાણીતી છે. હાલમાં મૌસમીએ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન વિશે મોટું નિવેદન આપ્યું છે. મૌસમીએ કહ્યું છે કે ‘અમિતાભ પોતાની ઇમેજનો ભોગ બની ગયા છે. તેઓ હંમેશાં પોતાની ઇમેજને સાચવવામાં જ લાગેલા હોય છે. તે દરેક ક્ષણે ઍક્ટિંગ કરતા હોય એમ લાગે છે. મને ઘણી વખત તેમના પર દયા આવે છે.’
એક ઇન્ટરવ્યુમાં મૌસમીએ જણાવ્યું હતું કે ‘અમિતાભ એક ખૂબ મોટી હસ્તી છે. આ કારણે તેઓ નૉર્મલ જીવન નથી જીવતા. તેમની ઇમેજ એટલી મોટી છે કે તેઓ દરેક સમયે એ ઇમેજને જાળવી રાખવા માટે અભિનય કરતા રહે છે. તેઓ આ ઇમેજનો ભોગ બની ગયા છે. તેથી તેઓ હંમેશાં પોતાના શબ્દોનું ધ્યાન રાખે છે. ખૂબ વિચારીને બોલે છે અને હંમેશાં ઍક્ટિંગ કરતા રહે છે, કારણ કે આ ઉપરાંત તેમને ન તો કંઈ આવડે છે અને ન તો તેઓ કંઈ કરી શકે છે. મને તો ઘણી વખત તેમના પર દયા પણ આવે છે કે તેઓ બિચારા દરેક સમયે ફક્ત અભિનય જ કરે છે.’


