અમિતાભ બચ્ચને ખુલાસો કર્યો છે કે તેઓ લગભગ ૨૫ વર્ષથી ટિન્ટેડ ચશ્માં કેમ પહેરે છે. તેમણે જણાવ્યું કે આંખોમાં દેખાતી ઉંમરની અસર છુપાવવા માટે ચશ્માંમાં હળવો ટિન્ટ કરાવ્યો છે.
અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચન પોતાની દમદાર ઍક્ટિંગની સાથે-સાથે પોતાનાં ટિન્ટેડ ચશ્માં માટે પણ જાણીતા છે. છેલ્લાં લગભગ પચીસ વર્ષથી તેઓ ઘણી વખત આ પ્રકારનાં ચશ્માં પહેરેલા જોવા મળે છે. હવે તેમણે પોતે જ આટલાં વર્ષોથી ટિન્ટેડ ચશ્માં પહેરવા પાછળનો ખુલાસો કર્યો છે. ‘કૌન બનેગા કરોડપતિ’ની નવી સીઝનના શૂટિંગ દરમ્યાન અમિતાભે પોતાનાં ચશ્માં વિશે કહ્યું હતું કે તેમણે જાણીજોઈને પોતાના ચશ્માંના કાચમાં હળવો ટિન્ટ કરાવ્યો છે.
ટિન્ટેડ ચશ્માં પહેરવા પાછળનું કારણ જણાવતાં અમિતાભ બચ્ચને કહ્યું હતું કે ‘હું છેલ્લાં પચીસ વર્ષથી આ જ ચશ્માં પહેરી રહ્યો છું. કોઈએ કહ્યું કે એમાં યલો-યલો દેખાઈ રહ્યું છે ત્યારે મેં જવાબ આપ્યો હતો કે મેં એમાં થોડો ટિન્ટ કરાવ્યો છે. હકીકતમાં કોઈ વ્યક્તિની ઉંમર સૌથી પહેલાં તેની આંખોમાંથી ખબર પડે છે. મારી આંખો હવે વૃદ્ધાવસ્થા તરફ આગળ વધી ચૂકી છે તેથી એને છુપાવવા માટે મેં ચશ્માંમાં હળવો ટિન્ટ કરાવી લીધો છે અને હું લાંબા સમયથી આવાં જ ચશ્માં પહેરું છું.’
