શોમાં શક્તિમાનની ભૂમિકા માટે મુકેશ ખન્નાને ઘણી લોકપ્રિયતા મળી હતી. વર્ષ ૨૦૨૨માં સોની પિક્ચર્સે એક વિડિયો દ્વારા મેગા બજેટ ફિલ્મ ‘શક્તિમાન’ની જાહેરાત કરી હતી
અલ્લુ અર્જુન
લોકપ્રિય ટીવી-શો ‘શક્તિમાન’ને ફિલ્મના મોટા પડદા પર લાવવાની તૈયારી ચાલી રહી છે. નિર્માતાઓ આ લોકપ્રિય પાત્ર માટે એક નવા ચહેરાની શોધમાં હતા, જે ચહેરો હવે મળી ગયો છે. રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મમાં સાઉથનો સુપરસ્ટાર અલ્લુ અર્જુન શક્તિમાનની ભૂમિકા ભજવી શકે છે. આ વખતે શક્તિમાનની સ્ટોરી દર્શકોને નવી સ્ટાઇલમાં બતાવવામાં આવશે.
મળતી માહિતી પ્રમાણે પ્રખ્યાત સાઉથ નિર્દેશક બેસિલ જોસેફ આ પ્રોજેક્ટનું ડિરેક્શન કરશે અને એને સોની પિક્ચર્સના બૅનર હેઠળ બનાવવામાં આવશે. જોકે આ મામલે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી.
ADVERTISEMENT
સિરિયલમાં શક્તિમાનનો રોલ ભજવનાર મુકેશ ખન્ના પણ અલ્લુ અર્જુનને પસંદ કરે છે. ૨૦૨૪માં મુકેશ ખન્નાએ એક વિડિયો શૅર કર્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે ‘સુપરહીરોની ભૂમિકા માટે અલ્લુ અર્જુન એક સારો વિકલ્પ હોઈ શકે છે. મને લાગે છે કે અલ્લુ અર્જુન શક્તિમાન બની શકે છે. તેનો દેખાવ સારો છે અને તેની ઊંચાઈ પણ સારી છે, પરંતુ ‘પુષ્પા’ના નિર્માતાઓએ તેને ખલનાયક બનાવી દીધો છે.’
‘શક્તિમાન’ પર છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો છે. ગયા વર્ષે મુકેશ ખન્નાએ એક પૉડકાસ્ટમાં ખુલાસો કર્યો હતો કે રણવીર શક્તિમાન બનવા માગે છે, પણ મને તે આ રોલ માટે યોગ્ય નથી લાગતો.
૯૦ના દાયકામાં સુપરહીરો-શો ‘શક્તિમાન’ દરેક ઘરમાં પ્રખ્યાત હતો. આ શો ૧૯૯૭થી ૨૦૦૫ સુધી ટીવી પર ચાલ્યો હતો. આ શોમાં શક્તિમાનની ભૂમિકા માટે મુકેશ ખન્નાને ઘણી લોકપ્રિયતા મળી હતી. વર્ષ ૨૦૨૨માં સોની પિક્ચર્સે એક વિડિયો દ્વારા મેગા બજેટ ફિલ્મ ‘શક્તિમાન’ની જાહેરાત કરી હતી. આ ફિલ્મ ૨૦૦-૩૦૦ કરોડના બજેટમાં બનશે અને નિર્માતાઓ એને આંતરરાષ્ટ્રીય સ્તરે બનાવવાની યોજના બનાવી રહ્યા છે.


