ફિલ્મમાં તેને નાનો રોલ આપ્યો હોવાના વિવાદ પર તેમણે ચોખવટ કરી
‘RRR’માં આલિયા ભટ્ટ
‘RRR’માં આલિયા ભટ્ટને નાનો રોલ આપ્યો હોવાને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે ફિલ્મમેકર એસ. એસ. રાજામૌલીએ જણાવ્યું કે રોલ નાનો હોવાની માહિતી તેને પહેલેથી આપવામાં આવી હતી. ફિલ્મ રિલીઝ થતાં સૌથી વધુ ધ્યાન રામ ચરણ અને જુનિયર એનટીઆરે ખેંચ્યું હતું. એને લઈને આલિયા ઝાંખી પડી ગઈ છે એ ચર્ચાને વેગ મળ્યો હતો. આ તમામ અટકળો પર વિરામ મૂકતાં એસ. એસ. રાજામૌલીએ કહ્યું કે ‘મારી આ ફિલ્મની સ્ટોરી જ એવી હતી કે એમાં આલિયાનો રોલ મોટો નહોતો. એવું પણ નહોતું કે રોલ મોટો હતો અને તેને રોલ કટ કરવામાં આવ્યો. અમને સૌને જાણ હતી કે આલિયાનો રોલ નાનો હતો. તેનું સ્ટોરીમાં ખાસ મહત્ત્વ હતું. એ વિશે આલિયાને જણાવવામાં આવ્યું હતું અને ત્યાર બાદ જ તેણે ફિલ્મ સાઇન કરી હતી. અમે બન્ને એ વાત પર સહમત હતા કે ફિલ્મમાં તેનો રોલ કેટલો હશે. અમને બન્નેને સાથે કામ કરવાની પણ મજા આવી છે. જો મને ફરીથી તક મળશે તો હું આલિયા સાથે ફરીથી કામ કરીશ.’


