ઐશ્વર્યાની ‘પોન્નિયિન સેલ્વન 2’ શુક્રવારે રિલીઝ થઈ છે.
અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા
અભિષેક બચ્ચનનું કહેવું છે કે ઐશ્વર્યા રાય બચ્ચનને તેની મનપસંદ વસ્તુ કરવા માટે તેની પરમિશનની જરૂર નથી. ઐશ્વર્યાની ‘પોન્નિયિન સેલ્વન 2’ શુક્રવારે રિલીઝ થઈ છે. મણિ રત્નમની આ ફિલ્મ લોકોને ખૂબ પસંદ પડી રહી છે. આ ફિલ્મ જોયા બાદ અભિષેકે એની ખૂબ પ્રશંસા કરી છે. ટ્વિટર પર અભિષેકે ટ્વીટ કર્યું કે ‘‘પોન્નિયિન સેલ્વન 2’ અદ્ભુત છે. મારી પાસે એની પ્રશંસા કરવાના શબ્દો નથી. અતિશય ખુશ છું. આખી ટીમ મણિ રત્નમ, ચિયાન, ત્રિશા, જયમ રવિ, કાર્તી અને ફિલ્મની આખી ટીમે ખૂબ સરસ કામ કર્યું છે. સાથે જ ખૂબ ગર્વ છે મારી વાઇફ પર.’ તેને જવાબ આપતાં સોશ્યલ મીડિયા યુઝરે અભિષેકને સલાહ આપતાં કમેન્ટ કરી કે ‘તારે હવે તેને વધુ ફિલ્મો સાઇન કરવા દેવી જોઈએ અને તારે આરાધ્યાની કાળજી લેવી જોઈએ.’ તેને રિપ્લાય આપતાં અભિષેકે લખ્યું કે ‘સાઇન કરવા દેવી??? સર, તેને કાંઈ પણ કરવું હોય તો તેને મારી પરમિશનની જરૂર નથી. ખાસ કરીને એમાં જે કરવું તેને ગમતું હોય.’


