આ મેસેજ આપતી ફિલ્મની સ્ક્રિપ્ટ ઘણી વાર પ્લેયર એટલે કે સૈયામી ખેર પરથી શિફ્ટ થઈને અભિષેક બચ્ચન પર ફોકસ કરે છે, જેથી ફિલ્મ મુખ્ય હેતુથી ભટકતી જોવા મળે છે : જુનિયર બચ્ચન અને શબાના આઝમીએ જોરદાર કામ કર્યું છે
ઘુમર ફિલ્મ
ઘૂમર
કાસ્ટ : અભિષેક બચ્ચન, સૈયામી ખેર, શબાના આઝમી, અંગદ બેદી
ડિરેક્ટર : આર. બાલ્કી
2.5/5
ADVERTISEMENT
આર. બાલ્કી દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી અભિષેક બચ્ચન અને સૈયામી ખેરની ‘ઘૂમર’ ગઈ કાલે થિયેટર્સમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં એક પ્રેરણાત્મક સ્ટોરી કહેવામાં આવી છે. હંગેરિયન કેરોલી ટેક્સસની લાઇફ પરથી પ્રેરિત થઈને આ ફિલ્મ બનાવવામાં આવી છે. કેરોલીનો એક જ હાથ હતો અને એમ છતાં તેણે ઑલિમ્પિક્સમાં ભાગ લીધો હતો અને બે વાર ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. તેની લાઇફ પરથી પ્રેરિત થઈને ‘ઘૂમર’ બનાવવામાં આવી છે. જોકે આ ફિલ્મની સ્ટોરી શૂટિંગ નહીં, પરંતુ ક્રિકેટની આસપાસ ફરે છે.
સ્ટોરી ટાઇમ
સૈયામીએ આ ફિલ્મમાં અનિનાનું પાત્ર ભજવ્યું છે. તે ઇન્ડિયન ક્રિકેટ ટીમ માટે રમવા માગતી હોય છે. તે દરેક બૉલે ફોર મારી શકતી હોય છે. તે એક જોરદાર બૅટર હોય છે અને તેનું ૧૬ પ્લેયરના લિસ્ટમાં નામ પણ આવી જાય છે. તે તેનો ડેબ્યુ કરવાની હોય છે એ પહેલાં જ તેનો ઍક્સિડન્ટ થાય છે અને તેનો એક હાથ નથી રહેતો. તેનું ક્રિકેટ રમવાનું સપનું તૂટી જાય છે. જોકે ત્યારે જ એક ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટરમાંથી કોચ બનેલો પદમ સિંહ સોઢી એટલે કે પૅડીની એન્ટ્રી થાય છે. આ પાત્ર અભિષેક બચ્ચને ભજવ્યું છે અને તે હંમેશાં દારૂના નશામાં રહેતો હોય છે. તે અનિનાને સમજાવે છે કે ક્રિકેટ ફક્ત બૅટિંગ પૂરતું મર્યાદિત નથી, તે બોલિંગ પણ કરી શકે છે. અનિનાને નવી આશાનું કિરણ મળે છે. તેની ટ્રેઇનિંગ શરૂ થાય છે અને એના પર આખી ફિલ્મ છે.
સ્ક્રિપ્ટ અને ડિરેક્શન
આર. બાલ્કી હંમેશાં અલગ વિષય પર ફિલ્મ બનાવવાનું નક્કી કરે છે. આ ફિલ્મને તેમણે રાહુલ સેનગુપ્તા અને રિશી વિરમાણી સાથે મળીને લખી છે. આ ફિલ્મને તેમણે ક્રિકેટની આસપાસ બનાવી છે. જોકે કેરોલીએ ઑલિમ્પિક્સમાં ભાગ લીધો હતો પરંતુ એમાં ક્રિકેટનો સમાવેશ નથી થતો. આથી આર. બાલ્કી જેવા ડિરેક્ટર સિનેમૅટિક લિબર્ટી લઈને શારીરિક રીતે અક્ષમ પ્લેયર પરથી ક્રિકેટની આસપાસ ફિલ્મ બનાવે ત્યારે ક્રિકેટપ્રેમીઓ એને સ્વીકારશે કે નહીં એ એક સવાલ છે. આ ફિલ્મ ખૂબ જ ધીમી છે, પરંતુ સ્ટોરી આગળ વધે છે તેમ-તેમ સમજાય છે કે એને જાણી જોઈને એવી બનાવવામાં આવી છે. આ ફિલ્મની સ્ટોરી એક ક્રિકેટ પ્લેયર પર બનાવવામાં આવી છે જે પ્રેરણાત્મક છે. જોકે આર. બાલ્કી ઘણી વાર તેની સ્ટોરીને સાઇડ ટ્રૅક કરે છે અને અભિષેક બચ્ચન પર ફોકસ કરે છે. તેની સ્ટોરી જણાવવી પણ જરૂરી છે, પરંતુ સ્ટોરીનો જે મુખ્ય હેતુ હતો એનાથી એ હલવી ન જોઈએ. તેમણે એક પ્રેરણાત્મક સ્ટોરી કહેવાની સાથે એમાં હ્યુમરનો પણ સમાવેશ કર્યો છે. તેમ જ ડાયલૉગ પણ થોડા સારા છે.
પર્ફોર્મન્સ
અભિષેક બચ્ચનનું કામ આ ફિલ્મમાં ખૂબ જ જોરદાર છે. તેણે આ ફિલ્મને પૂરતો ન્યાય આપ્યો છે. શરાબીની તેની ઍક્ટિંગ જોરદાર છે. તેની પાસે આવી ઍક્ટિંગ કઢાવવી એ ડિરેક્ટરનું કામ છે. તેણે જેટલી જોરદાર ઍક્ટિંગ કરી છે એટલી જોરદાર જો સ્ક્રિપ્ટ હોત તો ફિલ્મ અલગ જ લેવલની બની હોત. જોકે આર. બાલ્કીએ છેલ્લે ‘પૅડમૅન’ની સ્ક્રિપ્ટ પર ખૂબ જ કામ કર્યું હતું. સૈયામીએ પણ એક ક્રિકેટર તરીકેની ઍક્ટિંગ ખૂબ જ જોરદાર કરી છે.
તેણે પણ તેની ઍક્ટિંગ ટૅલન્ટ દેખાડી છે. તેની પ્રૅક્ટિસથી લઈને મજબૂરીથી ફરી ઊભા થવાનું જે ટ્રાન્ઝિશન છે એ ગજબનું છે.
આ ફિલ્મમાં શબાના આઝમીએ સૈયામી ખેરની દાદીનું પાત્ર ભજવ્યું છે. તેમણે ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’ બાદ ફરી એક જોરદાર પર્ફોર્મન્સ આપ્યો છે. જોકે તેમનું પાત્ર સ્ટોરી પર કોઈ ખાસ ઇમ્પૅક્ટ નથી પાડતું. આ સાથે જ સૈયામીના બૉયફ્રેન્ડના પાત્રમાં અંગદ બેદી જોવા મળી રહ્યો છે. તે તેનો બાળપણનો ફ્રેન્ડ હોય છે જે તેની લાખો-કરોડો રૂપિયાની કંપની વેચી દે છે. અનિનાને જ્યારે પણ સપોર્ટની જરૂર હોય છે ત્યારે તે આવે છે.
જોકે તેને કારણે પણ સ્ટોરી પર
કોઈ અસર નથી પડતી અને તેનું પાત્ર ખૂબ જ નાનું છે. ફક્ત બૉયફ્રેન્ડને દેખાડવા પૂરતો દેખાડવામાં આવ્યો હોય એવું લાગે છે.
મ્યુઝિક
આ ફિલ્મનું મ્યુઝિક અમિત ત્રિવેદીએ આપ્યું છે અને ગીત કૌસર મુનિર અને સ્વાનંદ કિરકિરેએ લખ્યાં છે. ટાઇટલ સૉન્ગ અને પૂર્ણવિરામ આ બે ગીત સારાં છે. દિલ દમ છલ્લા અને તકદીર સે ટકરા ઠીકઠાક છે.
આખરી સલામ
આ ફિલ્મને થિયેટર કરતાં ડાયરેક્ટ ઓટીટી પર રિલીઝ કરવા જેવી હતી જોકે આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનના કૅમિયોની સાથે એક અન્ય ક્રિકેટ પર્સનાલિટીનો કૅમિયો પણ જોવા મળશે.
ફાલતુ, ઠીક-ઠીક,
ટાઇમ પાસ,
પૈસા વસૂલ,
બહુ જ ફાઇન


