આમિર ખાને પોતે કરીઅરની શરૂઆતમાં કરેલી ભૂલ વિશે વાત કરતા કે તેને માટે આ સફળતા મેળવવી બિલકુલ સરળ નહોતી. તેણે વધુમાં કહ્યું કે ‘હું દિવસમાં ત્રણ શિફ્ટમાં કામ કરતો હતો, પણ ખુશ નહોતો. ઘરે આવ્યા પછી હું રડતો હતો. હું ખૂબ સ્ટ્રેસમાં રહેતો હતો.
આમીર ખાન (ફાઇલ તસવીર)
બૉલીવુડમાં આમિર ખાનની ગણતરી સફળ ઍક્ટર તરીકે થાય છે, પણ તેને માટે આ સફળતા મેળવવી બિલકુલ સરળ નહોતી અને એને માટે તેણે ખૂબ સંઘર્ષ કરવો પડ્યો હતો. હાલમાં એક ફંક્શનમાં આમિર ખાને પોતાની પહેલી ફિલ્મ ‘ક્યામત સે ક્યામત તક’ની સફળતા પછી તેની સ્થિતિ વિશે વાત કરી હતી. આમિરે કહ્યું કે ‘મારી ફિલ્મ ‘કયામત સે કયામત તક’ બ્લૉકબસ્ટર બનતાંની સાથે જ એવું લાગ્યું કે મારું નસીબ બદલાઈ ગયું છે. મને ઘણી બધી ઑફર્સ મળવા માંડી. એ સમયે મને લગભગ ૩૦૦થી ૪૦૦ ફિલ્મોની ઑફર મળી હતી. હું ત્યારે નવો હતો. મને ખ્યાલ નહોતો કે ફિલ્મ સાઇન કરવી એ પણ એક મોટી જવાબદારી છે. ત્યારે એક ઍક્ટર એકસાથે ઓછામાં ઓછી ૩૦થી ૫૦ ફિલ્મોમાં કામ કરતો હતો. એ જોઈને મેં પણ એકસાથે ૯-૧૦ ફિલ્મો સાઇન કરી. જ્યારે આ ફિલ્મોનું શૂટિંગ શરૂ થયું ત્યારે મને ખ્યાલ આવ્યો કે મેં એક મોટી ભૂલ કરી છે.’
એ સમયની પોતાની હાલત વિશે વાત કરતાં આમિરે કહ્યું કે ‘હું દિવસમાં ત્રણ શિફ્ટમાં કામ કરતો હતો, પણ ખુશ નહોતો. ઘરે આવ્યા પછી હું રડતો હતો. હું ખૂબ સ્ટ્રેસમાં રહેતો હતો. એ સમયે મને અહેસાસ થયો કે માત્ર સારી સ્ક્રિપ્ટ પૂરતી નથી; ડિરેક્ટર, પ્રોડ્યુસર અને તેમના વિચારો પણ અત્યંત મહત્ત્વના છે.’
આમિરની પહેલી ફિલ્મ ‘કયામત સે કયામત તક’ની બમ્પર સફળતા પછી તેની ફિલ્મો ‘લવ લવ લવ’, ‘અવ્વલ નંબર’ અને ‘તુમ મેરે હો’ નિષ્ફળ જતાં તેની કરીઅર પર પ્રશ્નાર્થચિહ્ન લાગી ગયું હતું. જોકે પછી ઇન્દ્રકુમારની ફિલ્મ ‘દિલ’ બ્લૉકબસ્ટર બની જતાં તેની કરીઅર આગળ વધી હતી.
આવતી કાલે આમિર ખાનની ૬૦મી વર્ષગાંઠ છે. ૧૯૬૫ની ૧૪ માર્ચે જન્મેલો આમિર ખાન ૬૦ વર્ષનો થઈ રહ્યો છે. આવતી કાલે તેની ૬૦મી વર્ષગાંઠ છે.

