એક તો ક્રિકેટવાળી ગામડાની ફિલ્મ અને પાછું અમિતાભનું નરેશન... : આમિર ખાને જણાવ્યું કે લગાન માટે જાવેદ અખ્તરે આવો અભિપ્રાય આપ્યો હતો
આમિર ખાન અને જાવેદ અખ્તર
ઍક્ટર આમિર ખાનની ‘લગાન’ની ગણતરી તેની કરીઅરની સફળ ફિલ્મોમાં થાય છે. આ ફિલ્મ આમિર ખાને જ પ્રોડ્યુસ કરી હતી અને ઑસ્કર સુધી પહોંચી હતી. આ ફિલ્મને રિલીઝ પછી જબરદસ્ત સફળતા મળી હતી પણ તેણે ફિલ્મ બનાવવાનું શરૂ કર્યું ત્યારે અલગ જ પરિસ્થિતિ હતી.
હાલમાં આમિર ખાને એક ઇન્ટરવ્યુ દરમિયાન ફિલ્મના નિર્માણ વિશેની એક ઘટના શૅર કરી. આમિરે જણાવ્યું હતું કે ‘‘લગાન’ના સમયે અમે ડરેલા હતા. આ ફિલ્મ શરૂ થવાની હતી ત્યારે એક દિવસ જાવેદસાહેબે મને બોલાવ્યો અને કહ્યું કે ‘તમે શું વિચાર્યા વગરની હિંમત કરી રહ્યા છો? આ ફિલ્મ એક દિવસ પણ નહીં ચાલે. સ્પોર્ટ્સ અને ક્રિકેટના વિષયવાળી ફિલ્મો સફળ નથી થઈ. હાલમાં જ્યારે સ્વિટ્ઝરલૅન્ડ અને વિદેશોમાં શૂટ થયેલી ફિલ્મો ચાલી રહી છે ત્યારે તમે અંગ્રેજોના સમયના ગામડાની વાર્તા કરી રહ્યા છો. વળી તમે આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનના અવાજમાં નરેશન રાખ્યું છે. હાલમાં અમિતાભ બચ્ચનના નરેશનવાળી ફિલ્મ ફ્લૉપ જાય છે તો આ ફિલ્મ ચોક્કસ ફ્લૉપ જ થશે.’ એ સમયે તેમની વાત સાંભળીને મારો આત્મવિશ્વાસ થોડો હલી ગયો હતો, પણ મને વિષયમાં વિશ્વાસ હતો એટલે આગળ વધવાનું નક્કી કર્યું હતું.’

