૩૩ વર્ષમાં પહેલી વાર કિંગ ખાનને જવાન માટે મળ્યો અવૉર્ડ, 12th ફેલ માટે વિક્રાંત મેસીને અને મિસિસ ચૅટરજી વર્સસ નૉર્વે માટે રાનીને : બેસ્ટ ફીચર ફિલ્મ 12th ફેલ, બેસ્ટ હિન્દી ફિલ્મ કટહલ અને બેસ્ટ ગુજરાતી ફિલ્મ વશ
આ છે નૅશનલ ફિલ્મ અવૉર્ડ્સના વિજેતાા
શુક્રવારે ૭૧મા નૅશનલ ફિલ્મ અવૉર્ડ્સની જાહેરાત થઈ હતી જેમાં શાહરુખ ખાનને ફિલ્મ ‘જવાન’ માટે અને વિક્રાંત મેસીને ફિલ્મ ‘12th ફેલ’ માટે બેસ્ટ ઍક્ટરનો અવૉર્ડ ઘોષિત થયો હતો. રાની મુખરજીને ફિલ્મ ‘મિસિસ ચૅટરજી વર્સસ નૉર્વે’ માટે બેસ્ટ ઍક્ટ્રેસ જાહેર કરવામાં આવી છે. ‘12th ફેલ’ને બેસ્ટ ફીચર ફિલ્મ પણ જાહેર કરવામાં આવી છે. શાહરુખ ખાનને ૩૩ વર્ષની કરીઅરમાં પહેલી વાર નૅશનલ અવૉર્ડ મળ્યો છે.
બેસ્ટ ફીચર ફિલ્મ ફૉર પ્રમોટિંગ નૅશનલ, સોશ્યલ ઍન્ડ એન્વાયર્નમેન્ટ વૅલ્યુઝનો અવૉર્ડ વિકી કૌશલની ‘સૅમ બહાદુર’ને મળ્યો છે. જ્યારે બેસ્ટ ડિરેક્ટરનો અવૉર્ડ ‘ધ કેરલા સ્ટોરી’ના સુદિપ્તો સેનના ફાળે ગયો છે. બેસ્ટ હિન્દી ફિલ્મનો અવૉર્ડ ‘કટહલ’ને મળ્યો છે, જ્યારે બેસ્ટ ગુજરાતી ફિલ્મનો અવૉર્ડ કૃષ્ણદેવ યાિજ્ઞકની ‘વશ’ને મળ્યો છે. હિતેનકુમાર, જાનકી બોડીવાલા, નીલમ પંચાલ, હિતુ કનોડિયાને ચમકાવતી હૉરર-થ્રિલર ફિલ્મ ‘વશ’ પરથી અજય દેવગન, આર. માધવન, જાનકી બોડીવાલા અને જ્યોતિકાને ચમકાવતી ‘શૈતાન’ બની હતી. ‘વશ’ની હવે સીક્વલ પણ આવી રહી છે.


