એન્ટરટેઇનમેન્ટના ક્ષેત્રમાં સર્વગુણસંપન્ન કહી શકાય એવી ફિલ્મ શોલેને જ્યારે પ૦ વર્ષ પૂરાં થયાં છે ત્યારે હિન્દી ફિલ્મોના જાણીતા ગુજરાતી ડિરેક્ટર્સ આ ફિલ્મ સાથેની પોતાની મેમરી શૅર કરતાં કહે છે કે....
`શોલે` ફિલ્મનું પોસ્ટર
એન્ટરટેઇનમેન્ટના ક્ષેત્રમાં સર્વગુણસંપન્ન કહી શકાય એવી ફિલ્મ શોલેને જ્યારે પ૦ વર્ષ પૂરાં થયાં છે ત્યારે હિન્દી ફિલ્મોના જાણીતા ગુજરાતી ડિરેક્ટર્સ આ ફિલ્મ સાથેની પોતાની મેમરી શૅર કરતાં કહે છે કે આ કલ્ટ ફિલ્મે તેમને ડિરેક્શનના ક્ષેત્રમાં શું શીખવ્યું?
જો અપનાપન નહીં હોય તો... : સોહમ શાહ
ADVERTISEMENT

સોહમ શાહ હિન્દી ફિલ્મ ‘કાલ’, ‘લક’, ‘કર્તમ ભુગતમ્’ જેવી ફિલ્મોના રાઇટર-ડિરેક્ટર અને અનેક વેબસિરીઝ-ડૉક્યુમેન્ટરીના ડિરેક્ટર છે
બાયોલૉજિકલી કહું તો હું અને ‘શોલે’ સાથે જ રિલીઝ થયાં. એ સમયે પણ મને લઈને મમ્મી-પપ્પા ‘શોલે’ જોવા ગયાં હતાં અને એ હું સમજણો થયો ત્યારે આઠેક વર્ષની ઉંમરે થિયેટરમાં ફરીથી જોયું એવું મને યાદ છે. સાચું કહું તો હું એ જોઈને લિટરલી આભો રહી ગયો. સેવન્ટી એમએમની એ સ્ક્રીન, એ બૅકગ્રાઉન્ડ મ્યુઝિક અને ફ્રેમના દરેક ખૂણામાં ચાલતી ઍક્ટિવિટી. હું કહીશ કે ‘શોલે’નું આ જ સૌથી મોટું લેસન છે.
‘શોલે’ ઇન્ડિયાની પહેલી એવી ફિલ્મ જેણે ખરા અર્થમાં હૉલીવુડને ટક્કર આપી. દુનિયામાં આજે જેમ અમિતાભ બચ્ચન અને શાહરુખ ખાનના ફૅન્સ છે એવી રીતે દુનિયાભરમાં ‘શોલે’ના ફૅન્સ છે. હિન્દી તો ઠીક, અંગ્રેજી પણ જેમને સરખી સમજાતી ન હોય એવા જપાન અને વિયેટનામ જેવા દેશોમાં પણ ‘શોલે’ને નામથી ઓળખનારા તમને મળી જાય અને મેં આ અનુભવ કર્યો છે. તમે ‘શોલે’ બોલો એટલે તરત તે નૉન-અંગ્રેજી પર્સન ઘોડો ચલાવવાની ઍક્ટિંગ કરવા માંડે, ફાયરિંગ કરતો હોય એવું દેખાડવા માંડે. એક ચાઇનીઝ સામે હું એમ જ ‘શોલે’ બોલ્યો હતો ને પેલો ચીની ઉચ્ચાર સાથે સામે બોલ્યો : કિતને આદમી થે? આ ‘શોલે’ની ગુડવિલ છે અને આ ગુડવિલના કારણે જ આજે તમે જુઓ, સિપ્પીઝ ‘શોલે’ને ટચ કરવા રાજી નથી.
‘શોલે’ માટે જો મારે કોઈને જશ આપવાનો હોય તો હું ડિરેક્ટર રમેશ સિપ્પીને આપીશ. જુઓ, દરેક વ્યક્તિ પોતાનું કામ બેસ્ટ કરતી જ હોય છે, પણ એ બેસ્ટ કામને એકસાથે સિંગલ પ્લેટમાં પીરસવાનું હોય ત્યારે તમારે ઇમોશનલેસ થઈ જવું પડે. હવે તો બધાને ખબર છે કે ઓરિજિનલ ‘શોલે’ સવાચાર કલાકથી પણ લાંબી હતી. એ ફિલ્મ રમેશ સિપ્પીને ગમી પછી જ એનો ફાઇનલ કટ તૈયાર થયો, પણ એ પછી તેમણે એ એડિટ કરવી પડી. એડિટ-ટેબલ પર બેસીને ઇમોશન છોડીને કટિંગ કરવાનું કામ ઈઝી નથી અને એવી જ રીતે દરેક ડિપાર્ટમેન્ટ પાસેથી ૧૦૦ ટકા કામ લેવું એ પણ બહુ અઘરો ટાસ્ક છે. ‘શોલે’એ મને શીખવ્યું કે હું મારું હન્ડ્રેડ પર્સન્ટ ત્યારે જ આપી શકીશ જ્યારે હું મારી ટીમ પાસેથી હન્ડ્રેડ પર્સન્ટ લઈ શકીશ. અધરવાઇઝ મારી પ્રોડક્ટમાં કચાશ રહેવાની જ રહેવાની. ડિરેક્ટર કૅપ્ટન ઑફ ધ શિપ છે. ‘શોલે’એ મને શીખવ્યું કે જો શિપ સાચી દિશામાં લઈ જવી હશે તો મારે સાથે રહેલા લોકોના ઈગોને પણ હૅન્ડલ કરવો પડશે અને મારી ટીમના દરેકેદરેક મેમ્બરને તેનું ઇમ્પોર્ટન્સ પણ સતત યાદ દેવડાવતા રહેવું પડશે. તમને એક્ઝામ્પલ આપું.
જય-વીરુ એટલે કે અમિતાભ-ધર્મેન્દ્ર બન્ને સાઇન થયા ત્યારે સ્ટાર બનવા માંડ્યા હતા. આ બન્ને સ્ટાર સામે ગબ્બર સિંહ તરીકે અમજદ ખાન જેવા સાવ નવાસવાને લઈ આવવો એ રમેશ સિપ્પીનું વિઝન હતું. એવું નહોતું કે ત્યારે સ્ટાર કાસ્ટિંગમાં ઇન્ટરફિયર નહોતા કરતા. એ સમયે પણ થતું જ હતું, પણ રમેશ સિપ્પી હતા જેમણે એ બધું હૅન્ડલ કર્યું અને પોતાની વાતને વળગી રહ્યા. જયા બચ્ચનની વાત કરીએ. એ સમયે જયા ભાદુરી રિયલ સેન્સમાં ‘ધ ગ્રેટ જયા ભાદુરી’ હતાં અને તેમના ભાગમાં એક ડાયલૉગ નહોતો. જેના નામ પર ફિલ્મો વેચાતી હોય એ ઍક્ટ્રેસને તમે એક ડાયલૉગ ન આપો અને એ પછી પણ તમે તેને ફિલ્મમાં કામ કરવા તૈયાર કરો એ કેવી રીતે શક્ય બને?
ઇમ્પોર્ટન્સ. હા, તમે તમારી ટીમને ઇમ્પોર્ટન્સ સમજાવો અને ટીમ તમારો ટ્રસ્ટ કરતી થઈ જાય તો જ તમે ‘શોલે’ બનાવી શકો. જો તમારા પ્રોજેક્ટમાં ટીમના દરેક મેમ્બરનું અપનાપન ન આવે તો તમે વિખેરાવા માંડો.
‘શોલે’એ બીજી એક ખાસ વાત એ શીખવી કે સ્ક્રિપ્ટની એકેએક લાઇન અને એકેએક કૅરૅક્ટર ફિલ્મનો ભાગ હોવાં જોઈએ. તમે જુઓ, ‘શોલે’નાં મેઇન કૅરૅક્ટર્સ જ નહીં, ફિલ્મનું એકેએક નાનામાં નાનું કૅરૅક્ટર પણ તમને ફિલ્મનો મહત્ત્વનો હિસ્સો લાગશે. બધાં કૅરૅક્ટર એકબીજા સાથે ઇન્ટરલિન્ક્ડ છે. હું કહીશ કે ‘શોલે’ ઇન્ડિયાની એકમાત્ર ફિલ્મ છે જેના દરેક કૅરૅક્ટરના ઍન્ગલથી ફિલ્મ કહેવાઈ છે. જય માટે આ ફ્રેન્ડશિપની વાત છે, ઠાકુર માટે રિવેન્જ છે, વીરુ માટે આ લવસ્ટોરી છે તો ગબ્બર સિંહ માટે આતંક અને પોતાની સલ્તનતને કાયમ કેમ રાખવી એની વાત છે અને એ વાત ક્લિયરલી બહાર આવે છે.
‘શોલે’ ક્યારેય કોઈએ ન બનાવવી જોઈએ એવું હું વિના સંકોચે કહીશ. રામ ગોપાલ વર્મા સાથે મારે બહુ સારા ટર્મ્સ. ‘શોલે’ની અનઑફિશ્યલ રીમેક બનાવવાની તેમણે તૈયારી કરી ત્યારે મેં તેને વનલાઇનર લેવલ પર કહ્યું હતું કે ઇન્ડિયામાં ‘શોલે’ એ ઇમોશન છે. જોકે રામુ ફિલ્મ ડિઝાઇન કરે ત્યારે તેનામાં નાના છોકરા જેવું એક્સાઇટમેન્ટ હોય. તેને આજે એક્સાઇટમેન્ટ આવે તો ૪૮ કલાકમાં એ ચાલુ જ કરવું હોય.
હિટ-ફ્લૉપનું કંઈ ન વિચારે. શરૂઆતમાં તેની ફિલ્મનું નામ ‘રામગઢ કે શોલે’ હતું, જે પછી ચેન્જ કરીને ‘RGV કી આગ’ કર્યું. આ ફિલ્મથી રામ ગોપાલ વર્માને બહુ મોટો ધક્કો લાગ્યો એ બધાને ખબર છે.
એક લાઇનનું લેસન: જેનામાં બધા પાસેથી હન્ડ્રેડ પર્સન્ટ લેવાની કૅપેસિટી હોય અને સાથોસાથ બધાને વિશ્વાસથી સાથે જોડી રાખવાની ક્ષમતા હોય તે જ શોલે જેવું લેજન્ડરી સર્જન ઊભું કરી શકે અને મૅજિક દેખાડી શકે.
જો તમારું કન્વિક્શન નહીં હોય તો... : વિપુલ મહેતા

૧૦૦થી વધુ ગુજરાતી નાટકો ડિરેક્ટ કરનારા વિપુલ મહેતાએ આઠથી વધુ ગુજરાતી-હિન્દી ફિલ્મ ડિરેક્ટ કરી છે અને બારથી વધુ ગુજરાતી-હિન્દી ફિલ્મ લખી છે
ફિલ્મ ‘શોલે’ રિલીઝ થઈ ત્યારે હું તો અઢી-ત્રણ વર્ષનો હતો, પણ હું સાતેક વર્ષનો હતો ત્યારે મેં એ જોઈ. મને યાદ છે કે મેં ‘શોલે’ પુણેમાં સેવન્ટી એમએમ પ્રિન્ટમાં જોઈ અને મારી આંખો ફાટી ગઈ કે આ શું છે ભાઈ?
અદ્ભુત રીતે બનેલી વેલમેડ ફિલ્મ, આઇકૉનિક કૅરૅક્ટર્સ, યાદગાર મ્યુઝિક, સુપર્બ ઍક્ટિંગ. જય-વીરુ-બસંતી-ઠાકુર કે ગબ્બર તો ઠીક, આજે પણ લોકોને સાંભા અને કાલિયા યાદ છે. આજે પણ લોકોને અબ્દુલચાચા યાદ છે. એ લાઇનો યાદ છે જે લાઇનમાં ડાયલૉગ જેવું કશું નહોતું. ‘કિતને આદમી થે?’, ‘હોલી કબ હૈ, કબ હૈ હોલી... કબ?’ ‘ઇતના સન્નાટા ક્યૂં હૈ ભાઈ?’. આ કોઈ લાઇન એવી નથી જેના માટે તમે એવું કહી શકો કે શું ડાયલૉગ લખ્યા છે અને એ પછી પણ આજે આ લાઇનનો ઉપયોગ થાય કે તરત આપણી આંખ સામે ‘શોલે’ આવી જાય. આ સૂચવે છે કે દરેક તબક્કે રાઇટરે એક-એકથી ચડિયાતી લાઇનો લખવાની જરૂર નથી. જ્યાં સાદગી અને સરળતા સાથે વાત કરવાની છે ત્યાં એટલી જ સહજતા સાથે વાત કરો. તમારી વાર્તા સારી હશે, વાત સારી હશે તો એ સાદી અને સરળ લાઇન પણ લોકોના મનમાં ઘર કરી જશે.
‘શોલે’ મેં આઠથી દસ વખત જોઈ હશે અને ટીવી પર આવતી હોય ત્યારે થોડી વાર જોવા માટે બેસી ગયો હોઉં એ આંકડો તો સેંકડોમાં આવે. મને યાદ છે કે એક વખત મેં મહામહેનતે ‘શોલે’ની વિડિયો-કૅસેટ શોધીને જોઈ હતી.
બન્યું એવું કે એ સમયે હું અરવિંદ જોષીનું નાટક કરતો હતો અને તેમણે મને કહ્યું કે તેમણે ‘શોલે’માં રોલ કર્યો છે. હું તો વિચારમાં પડી ગયો અને તેમની પાસેથી છૂટા પડ્યા પછી ભાગ્યો સીધો કૅસેટ ગોતવા અને એ જ રાતે મેં ‘શોલે’માં અરવિંદભાઈને શોધ્યા. ઠાકુરના દીકરાના રોલમાં તે હતા. અરવિંદભાઈનો એ સમયે ગુજરાતી રંગભૂમિ અને ફિલ્મોમાં જમાનો હતો અને એ પછી પણ તેમને આટલા નાના રોલ માટે રમેશ સિપ્પી લઈ આવ્યા હતા. કૅરૅક્ટરની ડિમાન્ડ હતી તો સાથોસાથ એમાં ઑડિયન્સને કનેક્ટ કરવાની વાત પણ હતી. ઑડિયન્સ-કનેક્ટ બહુ અગત્યનું છે. આ વાત જો કોઈએ સૌથી પહેલાં સમજાવી હોય તો એ ‘શોલે’ હતી.
તમે વિલનને જુઓ. વિલનને જસ્ટિફાય કરવાનો આછોસરખો પણ પ્રયાસ નહોતો. સીધી વાત, વિલન ઇઝ અ વિલન. પ્યૉર વિલન. તે શું કામ આવો ખરાબ બન્યો અને શું કામ તેણે લોકોને મારવાના શરૂ કર્યા એની વાત કરવાની જરૂર નથી. મારા મને એ બ્લૅક ઍન્ડ વાઇટનો જમાનો હતો. આખી ફિલ્મમાં બધા બ્લૅક ઍન્ડ વાઇટ હતા અને જય-વીરુ બે ગ્રે કૅરૅક્ટર હતાં. તેઓ ચોર હતા પણ દિલના સાફ હતા. ‘શોલે’એ શીખવ્યું કે જો તમે સારા માણસ હો, જો તમે બધાનું હિત ઇચ્છતા હો તો તમે થોડુંક ખોટું કરશો તો પણ ઑડિયન્સ તમને માફ કરી દેશે. આજે ફિલ્મને પચાસ વર્ષ થઈ ગયાં. આજે આપણે મૉડર્ન કહેવાઈએ છીએ, પણ એવું નથી. આજથી પચાસ વર્ષ પહેલાં વિધવાની કોઈની સાથે લવસ્ટોરી હોય એવું વિચારી પણ નહોતું શકાતું અને એ પણ સસરાની આંખ સામે. ‘શોલે’માં એ થયું. તમે જુઓ, ઠાકુરના અપ્રૂવલ સાથે ડિસઅપ્રૂવલ અને ડિસઅપ્રૂવલ સાથે જે અપ્રૂવલ હતું એ લાજવાબ હતું.
‘શોલે’નો એકેએક સીન અલગ વાર્તા હતી. આ એવી ફિલ્મ છે જે ચાલુ થયા પછી એક મિનિટ પણ તમે બહાર જાઓ તો તમારે આવીને પૂછવું પડે, ‘(ફિલ્મમાં) શું થયું?’
ઇન્ડિયન ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં ૪ વિલન કોઈ ભૂલી ન શકે : ગબ્બર, શાકાલ, મોગૅમ્બો અને ડૉક્ટર ડૅન્ગ. બાકીના ત્રણેય વિલન ‘શોલે’ના ગબ્બર સિંહ પછી આવ્યા. મતલબ કે ગબ્બર સિંહે પુરવાર કર્યું કે વિલન હોય તો આ પ્રકારના હોવા જોઈએ.
‘શોલે’ માટે હું કહું, બોલું એટલું ઓછું છે, કારણ કે એના વિશે એટલું લખાયું છે અને કહેવાયું છે કે તમને રિપીટ લાગે; પણ હા, મારે એ કહેવું છે કે આ એ ફિલ્મ છે જે ફિલ્મમાં ત્રીસ સેકન્ડ માટે આવેલું કૅરૅક્ટર પણ લેજન્ડ બની ગયું. અસરાની, જગદીપ, વિજુ ખોટે, મૅકમોહન અને ‘શોલે’ પાસેથી આ જ શીખવાનું છે કે તમે જે કરો એ કન્વિક્શન સાથે કરો. જો તમારું કન્વિક્શન નહીં હોય તો તમારી દરેક વાત ફૉરેન એલિમેન્ટ જેવી બની જશે.
‘શોલે’ આઉટ-ઍન્ડ-આઉટ ડિરેક્ટર્સ પ્રોડક્ટ છે એવું હું કહીશ તો સાથોસાથ હું એ પણ કહીશ કે ‘શોલે’ બેસ્ટ ટીમવર્કનું રિઝલ્ટ છે. ‘શોલે’ કહે છે કે જો તમે કલ્ટ બનવા માગતા હો, જો તમે લેજન્ડ થવા માગતા હો તો તમારે દરેક પર વિશ્વાસ રાખવો પડશે અને જો તમે એ જર્નીમાં જોડાવા ઇચ્છતા હો તો તમારે તમારા ડિરેક્ટરના ડિરેક્શનને સ્વીકારીને આગળ
વધવું પડશે.
એક લાઇનનું લેસન: જો એક વ્યક્તિના વિઝન પર ચાલવામાં આવે, વિશ્વાસ સાથે આગળ વધવામાં આવે તો વન્ડર થાય, થાય ને થાય જ. બધા કલાકારોએ ડિરેક્ટર પર વિશ્વાસ મૂક્યો અને શોલેનું ક્રીએશન થયું.
જો અટકવાની સમજ નહીં હોય તો... : ઉમેશ શુક્લ

ગુજરાતી રંગભૂમિ અને હિન્દી ફિલ્મોના જાણીતા પ્રોડ્યુસર-ડિરેક્ટર ઉમેશ શુક્લએ અનેક હિન્દી ટીવી-સિરિયલો પણ લખી છે અને વેબસિરીઝ પણ પ્રોડ્યુસ કરી છે
‘શોલે’ રિલીઝ થઈ એ સમય મને અત્યારે પણ યાદ છે. મુંબઈમાં મિનરવામાં ફિલ્મ આવી હતી. એ સમયે ટિકિટનો ભાવ હતો ૩ રૂપિયા ૩૦ પૈસા, ૪ રૂપિયા ૪૦ પૈસા અને પ રૂપિયા પ૦ પૈસા. આ જે પ.પ૦ રૂપિયાવાળી ટિકિટ હતી એ મારા પપ્પાએ બ્લૅકમાં પ૦ રૂપિયામાં ખરીદી હતી અને એ પણ આખી ફૅમિલીની. એ સમયે મારી એજ હશે આઠેક વર્ષની. જો મારી ભૂલ ન હોય તો આ આપણી પહેલી સેવન્ટી એમએમ ફિલ્મ અને ફિલ્મ જોઈને હું દંગ રહી ગયો. ફિલ્મનું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક મને અત્યારે પણ યાદ છે અને એ માઉથ ઑર્ગનનું મ્યુઝિક પણ મને હજી યાદ છે. ફિલ્મના એકેએક કલાકાર અને તેમનું એકબીજા સાથેનું જે ગઠબંધન હતું એ બધું મગજમાં એવું તે ફિક્સ બેસી ગયું કે ન પૂછો વાત. કેટલીક ઘટનાઓએ મને નાટક અને પછી ફિલ્મ તરફ ખેંચ્યો. એ ઘટનાઓ પૈકીની એક ઘટના એટલે ‘શોલે’. અફકોર્સ, ફિલ્મ જોતી વખતે તો મનમાં પણ નહોતું કે આપણે આ લાઇનમાં આવીશું, પણ ફિલ્મ મારા મગજમાં જબરદસ્ત ચોંટી ગઈ એ પાક્કું.
ઑગસ્ટમાં ફિલ્મ રિલીઝ થઈ અને ચાર-પાંચ મહિનામાં જ ફિલ્મના ડાયલૉગ્સની એલપી (લૉન્ગ પ્લે) આવી, જે મેં પરાણે લેવડાવી હતી. અમે એ સમયે ભુલેશ્વરમાં રહેતા. ભુલેશ્વરમાં મકરસંક્રાન્તિ બહુ સરસ રીતે ઊજવાય. સંક્રાન્તિના દિવસે અમે રેકૉર્ડ-પ્લેયર અને સ્પીકર અગાસીમાં લઈ જતા અને ત્યાં ‘શોલે’ના ડાયલૉગ્સની રેકૉર્ડ એવી રીતે વગાડતા કે આજુબાજુમાં પણ લોકોને સંભળાય અને લોકો અમારી સામે અહોભાવ સાથે જુએ. ‘શોલે’ની હજી એક નૉસ્ટાલ્જિક વાત મારે કહેવી છે.
એ સમયે ગણેશ મહોત્સવ વખતે રોજ ફિલ્મો દેખાડવામાં આવતી. મોટો પડદો અને પ્રોજેક્ટર. ગણપતિ આવે એટલે મોટા ભાગના બધા પંડાલવાળા એકાદ વાર તો ‘શોલે’ દેખાડે જ એટલે અમે કરીએ એવું કે બધા ભાઈબંધો આજુબાજુમાં તપાસ કરી આવીએ કે કયા દિવસે ક્યાં ‘શોલે’ છે? પછી ‘શોલે’ જ્યાં દેખાડવાના હોય ત્યાં પહોંચી જવાનું અને રસ્તા પર છાપું પાથરીને ‘શોલે’ જોવા બેસી જવાનું, સાથે ડાયલૉગ્સ બોલતા જવાના.
મેં બાકાયદા ટિકિટ લઈને કે પછી સ્પેશ્યલ પ્રોગ્રામ બનાવીને વિડિયો કે DVD પર બારેક વખત ‘શોલે’ જોઈ હશે અને પેલી પંડાલવાળી અને ટીવી પર આવતી હોય એવી રીતે તો ગણી ગણાય નહીં એટલી વાર. સમયાંતરે જેમ-જેમ આ લાઇનમાં આગળ વધતો ગયો એમ-એમ એ પણ ખબર પડવા માંડી કે ‘શોલે’ના રેફરન્સ અગાઉની કેટલીક ફિલ્મો સાથે જોડાયેલા હતા, પણ સાચું કહું તો ઍઝ અ વ્યુઅર મને એનાથી કોઈ ફરક નહોતો પડતો અને આજે પણ મને એનાથી ફરક નથી પડતો. હોલસમ એન્ટરટેઇનમેન્ટ જ્યારે આપવામાં આવતું હોય ત્યારે ઑડિયન્સને એ વાત કે એ રેફરન્સ સાથે કોઈ ફરક નથી પડતો અને પડવો પણ ન જોઈએ. એક ફિલ્મમેકર તરીકે મને ‘શોલે’એ શીખવાડ્યું કે તમારી પહેલી ફરજ એ છે કે ઑડિયન્સ જે પૈસા ખર્ચીને ફિલ્મ જોવા આવે છે એનું વળતર તમે આપો. જે સ્વરૂપમાં તમે આપવા માગતા હો એ રીતે આપો, પણ વળતર આપો.
‘શોલે’ ચાલી એનું કારણ શું એ ક્યારેય કોઈએ વિચાર્યું હશે તો તેને સમજાયું હશે કે આ ફિલ્મની સૌથી મોટી વાત એ જ છે કે એ એન્ટરટેઇનમેન્ટનું પર્ફેક્ટ પૅકેજ છે. મ્યુઝિકથી માંડીને બૅકગ્રાઉન્ડ સ્કોર, ઍક્ટર્સથી માંડીને તેમનાં કૅરૅક્ટર્સ, સ્ટોરીથી લઈને ડિરેકશન. તમે કોઈ પણ ક્ષેત્રમાંથી એક માર્ક પણ કાપી ન શકો. આવું ક્યારે શક્ય બને, ત્યારે જ જ્યારે તમે દરેક ફીલ્ડની વ્યક્તિ પાસેથી બેસ્ટ કામ લઈ શક્યા હો.
‘શોલે’એ મને શીખવ્યું કે તમે જ્યારે વાત કહેવાની શરૂઆત કરો ત્યારે તમારી પાસે જવાબ હોવો જોઈએ કે મારે આ વાત, આ સ્ટોરી શું કામ કહેવી છે. બીજું, હું ‘શોલે’ પાસેથી એ શીખ્યો કે જો તમે માસ એન્ટરટેઇનર બનાવતા હો તો ક્યારેય એ નહીં ભૂલો કે ઑડિયન્સ માત્ર પૈસા જ નથી આપતું, એ તમને તેમના જીવનના અઢી-ત્રણ કલાક આપે છે. આ અઢી-ત્રણ કલાકને મનોરંજન સાથે એવી રીતે ભરી દો કે એ તમારી સાથે આગળ વધતા રહે. ‘શોલે’નો ક્રાફ્ટ હું આજે પણ જોઉં ત્યારે મને થાય કે ઑડિયન્સ પ્રત્યે કેવી ઑનેસ્ટી સાથે આ ફિલ્મ તૈયાર કરવામાં આવી છે. ‘શોલે’માં મેં જે એક વાત ખાસ નોટિસ કરી છે એ કહું તો આ ફિલ્મનો દરેક સીન એક સેપરેટ ફિલ્મ છે. તમે જુઓ, ફિલ્મના દરેક સીનનું બિગિનિંગ છે અને દરેક સીનનું
પ્રી-ક્લાઇમૅક્સ અને ક્લાઇમૅક્સ છે. આ જ કારણ છે કે લોકોને ફિલ્મના દરેકેદરેક સીને બાંધી રાખ્યા.
‘શોલે’ જોવા ગયો ત્યારે હૉલમાં જે ચીસો, ચિચિયારીઓ અને સીટીઓ વાગતી હતી એ મને લાઇફમાં ક્યારેય નહીં ભુલાય. એક સમય પછી તો મેં પણ સીટીઓ મારી હશે અને ચીસો પાડી હશે. અરે, ત્રીજી અને ચોથી વખત ‘શોલે’ જોતી વખતે મેં પણ ધર્મેન્દ્રની સાથે રાડ પાડી હશે : બસંતી, ઇન કુત્તોં કે સામને મત નાચના...
આવું શું કામ થયું? જવાબ એક જ છે, એનો દરેક સીન એકેએક ફિલ્મ જેવો હતો અને એ એકેએક સીનની પોતાની સ્ટોરી હતી. ‘શોલે’એ જ શીખવાડ્યું કે તમે જે કામ કરો છો એ કામની પ્રત્યેક સેકન્ડ અને મિનિટ અગત્યની છે. જો એમાં ક્યાંય પણ કચાશ રહી ગઈ તો તમે ક્યારેય સામેવાળાને જીતી નહીં શકો.
એક લાઇનનું લેસન: નકામું કે સડેલું જ નહીં, પણ ઓછું કામનું અને ઓછું સારું પણ કાપવાની ક્ષમતા અને તૈયારી હોય તો જ પર્ફેક્ટ પ્રોડક્ટ ઊભી થાય અને એ કરવું હોય તો તમારામાં એડિટિંગની અદ્ભુત કુનેહ હોવી જોઈએ. શોલેને માત્ર ડિરેક્ટર કે ઍક્ટરની ફિલ્મ ગણવાને બદલે એના મૅજિકમાં રહેલો એડિટરનો ટચ પણ ઓળખવો જોઈએ.


