બીજાનું જોઈને વિશ્વાસ ડગે નહીં એનું ધ્યાન રાખજો અને બીજાની નકલ કરવાને બદલે તમારી નૈસર્ગિક રમતને નૅચરલી રમજો
મારી વાત
પ્રતીકાત્મક તસવીર
બે દિવસમાં નવરાત્રિ શરૂ થાય એ પહેલાં એક વાત કહેવાનું ખાસ મન થાય છે કે આ નવરાત્રિમાં તમે કૉન્ટેસ્ટ જીતવાના હેતુથી મેદાનમાં ઊતરતાં હો તો ખોટું નથી, પણ ધારો કે એ પ્રયાસ નિષ્ફળ થાય તો એનું ટેન્શન રાખ્યા વિના તમે નવરાત્રિની મજા માણવાનું ચૂકતાં નહીં. વર્ષમાં એક વાર આવતો આ રાસોત્સવ આખી દુનિયાનો એકમાત્ર એવો તહેવાર છે જેમાં ડાન્સને ઊજવવામાં અને મનાવવામાં આવે છે. એક સમય હતો કે બહુ ઓછા લોકો અને ખાસ તો ભારતમાં અને એમાં પણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં જ નવરાત્રિ ઊજવાતી, પણ છેલ્લાં થોડાં વર્ષોથી એ બદલાયું છે અને હવે તો ઑલમોસ્ટ દુનિયાના દરેક ખૂણે એ ઊજવવાનું શરૂ થઈ ગયું છે. કદાચ વિશ્વનો એક પણ ખંડ એવો નહીં હોય જ્યાં આ નવરાત્રિના દિવસોમાં રાસ કે દાંડિયા કે ગરબા લેવામાં ન આવતા હોય અને એટલે જ અમે કહેતાં હોઈએ છીએ કે હવે દાંડિયાને ગુજરાતીઓ પૂરતા સીમિત ગણવા એ આપણી ભૂલ છે.