Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > દુલ્હા-દુલ્હનનું પણ કોચિંગ

દુલ્હા-દુલ્હનનું પણ કોચિંગ

01 June, 2023 04:02 PM IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

લગ્ન સમયે વર-વધૂને વડીલો દ્વારા શિખામણ આપવાની વાત હવે જૂની થઈ ગઈ. દામ્પત્યજીવનને સુંદર રીતે પસાર કરવા તેમ જ લગ્ન બાદ કંકાસ અને ઝઘડાઓનું પુનરાવર્તન ટાળવા ટુ-બી કપલ હવે પ્રોફેશનલ્સની હેલ્પથી અમુક બાબતોની ચોખવટ કરી લે છે. આ બાબતો કઈ હોઈ શકે જોઈ લો

પ્રતીકાત્મક તસવીર

શાદી મેં ઝરૂર આના

પ્રતીકાત્મક તસવીર


લગ્ન માત્ર સપ્તપદીની વિધિ નથી; એમાં યુવક અને યુવતીએ સપનાંની દુનિયામાંથી બહાર નીકળીને વાસ્તવિક જીવનમાં સાથે ચાલવાની, સાથે જીવવાની, એકમેકને સ્વીકારવાની કળા શીખવી પડે છે. એટલે જ અગાઉના જમાનામાં લગ્ન પહેલાં વર-વધૂને જાતજાતની શિખામણો આપવામાં આવતી હતી. આજના યુવાનોને વડીલોની સુફિયાણી સલાહ ખપતી નથી. જોકે આ જ વાતને પ્રોફેશનલ ટચ આપવામાં આવે તો નવી જનરેશનને આકર્ષે છે. 

ઇન્ટરનેટના જમાનામાં જીવનસાથીની પસંદગી માટેનાં પ્લૅટફૉર્મ બદલાયાં છે એવી જ રીતે હવે દામ્પત્યજીવનને સફળ કઈ રીતે બનાવવું એના પાઠ ભણવા માટેના ક્લાસિસ ખૂલી ગયા છે. કમ્યુનિટી લેવલે સેમિનારો ચાલે છે. દુલ્હા-દુલ્હન કોર્સમાં અન્ડરસ્ટૅન્ડિંગ મંત્ર, ઍન્ગર મૅનેજમેન્ટ, હાઉ ટુ બી આઇડિયલ વાઇફ, મિસ્ટેક્સ બાય હસબન્ડ, રૂલ્સ ઍન્ડ રિસ્પૉન્સિબિલિટી, હોમ મૅનેજમેન્ટ, ફુલિશ એક્સપેક્ટેશન્સ જેવા રસપ્રદ વિષયોને આવરી લેવામાં આવ્યા છે. પ્રભુતામાં પગલાં માંડતા પહેલાં યુગલોએ આવા કોર્સ કરવાની કેમ જરૂર છે એ વિશે આજે ચર્ચા કરીશું. 



કોર્સ કેમ જરૂરી?


પ્રી-વેડિંગ કાઉન્સેલિંગ જેવો શબ્દ લોકપ્રિય નહોતો એ જમાનામાં એટલે કે ૧૯૯૭માં મુંબઈના ભાયખલામાં હાર્ટ-ટુ-હાર્ટ કાઉન્સેલિંગ સેન્ટર શરૂ કરનારા રિલેશનશિપ કાઉન્સેલર ઍન્ડ સેક્સ્યુઅલ મેડિસિન ઍક્સપર્ટ ડૉ. રાજન ભોસલે કહે છે, ‘આજથી થોડા દાયકા અગાઉ સુધી વડીલોની શિખામણો અને હસ્તક્ષેપથી દામપ્ત્યજીવનની ગાડી ચાલી જતી હતી, કારણ કે ૧૦માંથી ૯ યુવતીઓ લગ્ન બાદ હાઉસવાઇફ તરીકે જીવન વિતાવતી. જેમ-જેમ સ્ત્રીઓમાં સાક્ષરતાનું પ્રમાણ વધતું ગયું, આર્થિક રીતે સ્વતંત્ર બની તેમ-તેમ ઇક્વેશન ચેન્જ થતું ગયું. મહિને લાખ રૂપિયા કમાતી યુવતીને લગ્ન પછી કહો કે નોકરી છોડી દે તો શક્ય નથી. ઘરકામ માટે હેલ્પર અને બાળકની સંભાળ માટે આયા રાખી શકે છે. આપણા સમાજમાં લગ્ન પછી ઝઘડા થાય એમાં માતા​-પિતા પોતપોતાના સંતાનની ફેવર કરે છે. કોણ સાચું અને કોણ ખોટું એ દલીલનો વિષય નથી. વાસ્તવમાં શું સાચું છે એ સમજવાની જરૂર છે. કાઉન્સેલરનો રોલ ન્યુટ્રલ હોય છે. જાગ્રતતા લાવવાના આશયથી પ્રી-વેડિંગ કાઉન્સેલિંગનો કન્સેપ્ટ સ્ટાર્ટ થયો. મુંબઈમાં જ નહીં પણ કદાચ ભારતમાં આ પ્રકારનું સેન્ટર ખોલનારા અમે પ્રથમ હતા. હવે તો ઠેરઠેર સેન્ટરો ખૂલી ગયાં છે.’

વેડિંગ ઇઝ વન ડે ઇવેન્ટ, મૅરેજ ઇઝ લાઇફટાઇમ જર્ની. આ વાક્ય માત્ર યુગલોએ જ નહીં, તેમના પેરન્ટ્સે પણ સમજવાની જરૂર છે. આઇ કૅન ઍકૅડેમી હેઠળ લગ્નોત્સુક યુવક-યુવતી માટે MEET (Marriage Enrichment and Empowering Techniques) નામનો પ્રોગ્રામ ઇન્ટ્રોડ્યુસ કરનારા સૉફ્ટ સ્કિલ ટ્રેઇનર ઍન્ડ લાઇફ કોચ પરાગ દેઢિયા વર-વધૂ કોર્સ વિશે વાત કરતાં જણાવે છે, ‘આ પ્રકારના કોર્સ ખ્રિસ્તી સમાજમાં વર્ષોથી અસ્તિત્વમાં છે. માહિમસ્થિત ચર્ચના ફાધર ખૂબ જ સરસ રીતે પ્રોગ્રામ કરાવે છે. વિચારોનો તાલમેલ ન બેસે અને સગપણ તૂટી જાય એ ચાલે પણ લગ્નો ન તૂટવાં જોઈએ. આપણે ત્યાં લગ્ન પહેલાં બે ફૅમિલી વચ્ચે શું ડિસ્કશન થાય છે? બૅન્ક્વૅટ હૉલ કયો બુક કરવો છે? કેટરિંગ કોને આપવું છે? ડિઝાઇનર કયો જોઈશે? હનીમૂન પર ક્યાં જવું છે? કચ્છી અને ગુજરાતીઓમાં આ ડિસ્કશનના ટૉપિક છે. પ્રી-વેડિંગ કાઉન્સેલિંગ વિશે અવેરનેસ નથી. દરેક સમાજની રચના અને જરૂરિયાત જુદી હોય તેથી આવા કાર્યક્રમો સામાજિક લેવલે થવા જોઈએ. લગ્નોત્સુક યુવક-યુવતી અને તેમનાં માતા​-પિતા સાથે કમ્યુનિકેટ કરી શકે એવી ટીમ ઊભી કરવાની જરૂર છે. અમારા પ્રયાસો ચાલુ છે પણ હજી જોઈએ એવો પ્રતિસાદ નથી મળતો.’


બેઝિક સિલેબસ

કપલ-ટુ-કપલ ઇક્વેશન જુદા હોય છે, પરંતુ જમાના પ્રમાણે અમુક બાબતોને જનરલાઇઝ્ડ કરી શકાય એવી વાત કરતાં ડૉ. રાજન કહે છે, ‘લગ્ન બાદ પેરન્ટ્સ સાથે રહેવું છે કે અલગ? ટ્રાવેલની કેટલી અપેક્ષા છે? સંતાનો કરવાં છે કે નહીં? જોઈએ છે તો બાળકોની સંખ્યા કેટલી હશે અને ગૅપ કેટલો રાખવો છે? ઇન્વેસ્ટમેન્ટ સાથે કરશો કે સેપરેટ? યુવતી લગ્ન બાદ તેની ઇન્કમમાંથી કેટલો હિસ્સો પેરન્ટ્સને આપશે વગેરે બેઝિક મુદ્દાઓ છે; જેની સ્પષ્ટતા લગ્ન પહેલાં થઈ જવાથી દરરોજનો કંકાસ રહેતો નથી.’

મેટ્રિમોનિયલને લગતાં કાર્યક્રમ દરમિયાન વર-વધૂ ડીટેલ એક્સચેન્જ કરે એવી ઍક્ટિવિટી આપવામાં આવે છે. આ વિશે માહિતી આપતાં પરાગભાઈ કહે છે, ‘એક વાર વર-વધૂ અને પેરન્ટ્સને સેપરેટલી પ્રશ્ન પૂછ્યો હતો, લગ્ન કેમ કરવાં છે? યુવતીની મમ્મીએ કહ્યું, દીકરીની ઉંમર થઈ ગઈ છે. પપ્પાનો જવાબ હતો, પગભર થઈ ગઈ છે એટલે પરણાવી દેવી છે. યુવકની માતાને વહુ લાવવી છે અને પિતાને જવાબદારી પૂરી કરવી છે. યુવકનું કહેવું હતું કે તેના બધા ફ્રેન્ડ્સ પરણી ગયા છે. યુવતીએ જવાબ લખ્યો, લગ્ન થાય તો ઠીક અધરવાઇઝ આઇ ડોન્ટ માઇન્ડ. આ ષટ્કોણ રચાય એવાં લગ્ન જો ટકી જાય તો મોટું અચરજ કહેવાય. લગ્નસંસ્થા શબ્દોની રમત નથી. દામ્પત્યજીવનમાં ઝંઝાવાત પેદા થાય એ પહેલાં ઘણીબધી સ્પષ્ટતા જરૂરી છે. આજકાલ મોસ્ટ કૉમન પ્રૉબ્લેમ સાસુ-સસરા છે. કન્યા પૂછે છે, ઘરમાં કેટલા ખોખાં (વૃદ્ધો અથવા વડીલો) છે? આજે વહુ નોકરી કરે એમાં કોઈને વાંધો નથી પણ સાસુ-સસરા ઇચ્છે છે, બન્ને ટાઇમની રસોઈ કરે અને સામાજિક વ્યવહારો સાચવીને નોકરી કરે તો ચાલશે. આ શક્ય જ નથી. જૉબમાં પત્નીનું સ્ટેટસ ઊંચું હોય એ યુવકને હજમ થશે કે નહીં એની ચર્ચા થવી જોઈએ. આઇ ડોન્ટ માઇન્ડ ડ્રિન્ક લેતો હોય તો, હું પણ ઓકેઝનલી લઉં છું. આ ઓકેઝનલી એટલે? આજે આઇપીએલમાં મુંબઈ ઇન્ડિયન જીત્યું એનું સેલિબ્રેશન પણ ઓકેઝન છે. આવા ઓકેઝન અવારનવાર આવે. રીતભાત, વિચારો, કલ્ચર મૅચ થવું જરૂરી છે. આજના યુગમાં આઇક્યુ બધાનો હાઈ થઈ ગયો છે. દુલ્હા-દુલ્હન કોર્સમાં ઈક્યુ (ઇમોશનલ ક્વૉશન્ટ) મૅનેજ કરવાની તાલીમ આપવી જોઈએ. સંતાનો અને પેરન્ટ્સ વચ્ચે કમ્યુનિકેશન ગૅપ વધી ગયો છે. આ ખાઈ ભરવા માટે બન્ને તરફના ઇન-લૉ કાઉન્સેલિંગનું ચૅપ્ટર પણ ઍડ કરવું જોઈએ.’ 

ટેલરમેડ પ્રોગ્રામ

સેન્સિટિવ સબ્જેક્ટને ટચ કરતાં પહેલાં અમારી ટીમ દ્વારા ઘણું રિસર્ચ કરવામાં આવ્યું હતું એવી જાણકારી આપતાં ડૉ. રાજન કહે છે, ‘પ્રી-વેડિંગ કાઉન્સેલિંગ બ્રૉડ કન્સેપ્ટ છે. એમાં ઘણીબધી ટેક્નિકલ બાબતો સમજાવવામાં આવે છે. સ્ટાન્ડર્ડ સાઇઝના ડ્રેસ અને ટેલરમેડ ડ્રેસના ફિટિંગમાં ફરક હોય છે. બિઝનેસ પર્પઝથી કોચિંગ ક્લાસની જેમ ફૂટી નીકળેલાં સેન્ટરોમાં દરેક કપલને સેમ સિલેબસ ઑફર કરવામાં આવે છે, જ્યારે અમારો પ્રોગ્રામ ટેલરમેડ છે. ટુ-બી બ્રાઇડ અને ગ્રૂમનું એજ્યુકેશન, ફૅમિલી બૅકગ્રાઉન્ડ, ઉંમર, આવક, સેક્સ્યુઅલ અને ઇમોશનલ અપ્રોચ જેવી અનેક બાબતોની ડીટેલ્ડ જાણકારી મેળવી તેમની પર્સનાલિટીને અનુરૂપ પ્રોગ્રામ બનાવવામાં આવે છે. ટેલરમેડ પ્રોગ્રામનો સક્સેસ રેટ ઊંચો હોય છે. લગ્ન પછી ધર્મ બદલવો છે કે નહીં, વેજ-નૉનવેજ ફૂડની ચૉઇસ જેવા સંવેદનશીલ મુદ્દાઓ પણ ડિસ્કસ કરવા પડે છે. વિદેશ ફરવા જતાં પહેલાં જે-તે દેશની કરન્સી, જોવાલાયક સ્થળો, ફૂડ, હોટેલ વગેરેની તપાસ કરો છો, હૉલિડે પૅકેજ વિશે આટલું વિચારો છો; જ્યારે આ તો આજીવન સાથે રહેવાની સફર છે. લગ્નબંધનમાં જોડાતાં પહેલાં ડિક્લેરેશન અને ક્લૅરિફિકેશન આપવાથી આગળનું જીવન સરળ બને છે. જોકે ઘણી વાર કાઉન્સેલિંગ દરમિયાન એક પાર્ટનર અનરિયલિસ્ટિક ડિમાન્ડ કરે છે. અમુક મુદ્દાઓ પર સહમત ન થવાથી ડીલબ્રેકર પણ બને છે.’

  લગ્ન કેમ કરવાં છે એના જવાબમાં યુવક-યુવતી અને તેમના પેરન્ટ્સ મળીને છ જણનો ષટ્કોણ રચાય એવાં લગ્ન જો ટકી જાય તો મોટું અચરજ કહેવાય. લગ્નસંસ્થા કંઈ શબ્દોની રમત નથી. દામ્પત્યજીવનમાં ઝંઝાવાત પેદા થાય એ પહેલાં ઘણીબધી સ્પષ્ટતા જરૂરી છે     - પરાગ દેઢિયા, લાઇફ કોચ

Whatsapp-channel Whatsapp-channel

01 June, 2023 04:02 PM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK