Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સપનાં જોઈ શકશે ત્યારે એઆઇ માણસને ટક્કર આપશે

સપનાં જોઈ શકશે ત્યારે એઆઇ માણસને ટક્કર આપશે

18 February, 2024 11:29 AM IST | Mumbai
Kana Bantwa

માણસના મગજ વિશે અત્યારે જેટલું સંશોધન થઈ રહ્યું છે એટલું ભૂતકાળમાં ક્યારેય થયું નથી : હવે રિસર્ચ બિઝનેસ માટે થઈ રહ્યું છે

પ્રતીકાત્મક તસવીર

કમ ઑન જિંદગી

પ્રતીકાત્મક તસવીર


લાગણી, ભાવ, ઊર્મિ, વૃત્તિ વગેરે માણસના મગજમાં પેદા થાય છે કે તેના મનમાં? મગજમાં કેમિકલ લોચા ન થાય તો આ બધું જન્મે ખરું? મન ન હોય તો કેમિકલ લોચા સંભવ બને? માનવીની ચેતના ક્યાંથી જન્મે છે? મગજમાંથી કે મનમાંથી? આ પ્રશ્નોના જવાબ દેખાય છે એટલા સહેલા નથી. આ પ્રશ્નોનું અત્યારે જેટલું મહત્ત્વ છે એટલું અગાઉ ક્યારેય નહોતું. માણસના મગજ વિશે અત્યારે જેટલું સંશોધન થઈ રહ્યું છે એટલું ભૂતકાળમાં ક્યારેય થયું નથી. અત્યાર સુધી તબીબી ઉપયોગ માટે મગજ વિશે ​રિસર્ચ થતું હતું એટલે ભંડોળની તંગી રહેતી. હવે બિઝનેસ માટે સંશોધનો થઈ રહ્યાં છે, નાણાંની રેલમછેલ છે. આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ને માણસના મગજની જેમ વિચારતું કરવા માટે મગજને સમજવાની હોડ લાગી છે. ચૅટ જીટીપી જેવાં લાર્જ લૅન્ગ્વેજ મૉડલ ગમે એટલાં બને, જ્યાં સુધી એ અદ્દલ માણસની જેમ વિચારી નહીં શકે ત્યાં સુધી એની કિંમત નથી. ત્યાં સુધી એ મશીનો જ બની રહેશે, જે ઘણાં કામ સરળતાથી કરી શકે. ત્યાં સુધી એનામાં ​બુદ્ધિ છે એવું કહી શકાશે નહીં. વિશ્વભરની કંપનીઓને સમજાઈ ગયું છે કે ભવિષ્ય આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનું છે એટલે એમાં અઢળક નાણાં રોકી રહી છે.

એઆઇ માણસની જેમ વિચારવા સમર્થ નથી; કારણ કે માનવ-મગજ કઈ રીતે વિચારે છે, વિચારતી વખતે ન્યુરૉન્સમાં કઈ-કઈ પ્રક્રિયાઓ થાય છે એ બાબતે નક્કર જાણકારી નથી. ન્યુરૉન્સના એક વિસ્તૃત નેટવર્કમાં માહિતી પ્રોસેસ થાય છે, એને યાદ રાખવામાં આવે છે અને વિચારતી વખતે ઉપલબ્ધ માહિતીનું ઍનૅલિસિસ કરીને નિર્ણય લેવામાં આવે એ પ્રોસેસ બાબતે જે માહિતી અત્યાર સુધી હતી એ પ્રાથમિક જ હતી એવું આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ બનાવતી વખતે સમજાયું. હવે તબીબો નહીં, ટેક્નિશ્યનો મગજને સમજવા માટે દિમાગ લગાવી રહ્યા છે. માણસના મગજ અને કમ્પ્યુટર વચ્ચે બેઝિક તફાવત એ છે કે મગજમાં ન્યુરૉન્સ પ્રોસેસિંગ અને યાદ રાખવાનું એ બંને કામ કરે છે, કમ્પ્યુટર આ બેય કામ અલગ-અલગ કરે છે. ન્યુરૉન્સ એકબીજા સાથે વાત કરી લે, કોઈ એક કામ માટે અલાયદું નેટવર્ક રચી લે, એ નેટવર્ક ત્યાર પછી ડિલીટ પણ થઈ જાય, દરેક ટાસ્ક વખતે ન્યુરૉન્સ જ્યાં-જ્યાં માહિતી સંગ્રહિત થઈ હોય એ જગ્યા સુધી પહોંચવા માટેના પાથ બનાવી લે, માહિતીને એના મહત્ત્વ મુજબ વિભાજિત કરી લે એવાં જટિલ કામ સાવ સરળતાથી કઈ રીતે કરતાં રહે અને એમાં મગજના વિવિધ ભાગો કઈ રીતે ભાગ ભજવે એ આશ્ચર્યકારક પ્રોસેસ સમજવા માટે પ્રયત્નો થઈ રહ્યા છે. અબજોની સંખ્યામાં નર્વ સેલ ધરાવતું મગજ માત્ર યાદ રાખવાનું, વિચારવાનું અને નિર્ણય લેવાનું જ કામ નથી કરતું; એ લાગણીઓ પણ પેદા કરે છે, એ માણસની વર્તણૂક અને એનું વ્યક્તિત્વ બનાવે છે. મગજ માત્ર ગણતરી કરનાર કમ્પ્યુટર નથી. એ કલ્પનાઓ કરે છે, ધારણાઓ બાંધે છે, અંદાજ લગાવે છે. મશીન આવું ન કરે. મગજનું ગ્રે મૅટર કહેવાતાં સેરેબ્રલ કોર્ટેક્સની કરચલીઓ કોઈ સુપર કમ્પ્યુટર કરતાં વધુ માહિતીનો સંગ્રહ કરી શકે છે અને એમાં પણ મહત્ત્વની માહિતી જ સંઘરે, નકામી ઇન્ફર્મેશનને ​ડિલીટ કરી નાખે. આખા શરીરના દરેક ભાગ, દરેક કોષ સુધી મગજના તાર જોડાયેલા રહે અને એમાં પણ ડાબી બાજુના મગજમાં જમણી તરફના શરીરનું નિયંત્રણ કરવાનું વાયરિંગ કરેલું હોય, ડાબી તરફનું મગજ શરીરના જમણા ભાગ સાથે જોડાયેલું હોય. થેલેમસ અને હાઇપોથેલેમસ વળી અલગ જ પ્રકારનાં કામ કરતાં હોય. ન્યુરો-ટ્રાન્સમીટર્સ વળી જુદા જ પ્રકારની કામગીરી કરતાં હોય. અમુક કામ મગજ ઇલેક્ટ્રિકલ સિગ્નલ્સ મોકલીને કરે, અમુક કામ કેમિકલ સિગ્નલ મોકલીને કરે. ક્યારે કેટલું કેમિકલ ​રિલીઝ કરવું એ નક્કી કરવા માટેની વળી આખી અલગ જ વ્યવસ્થા. એમાંથી કેમિકલ લોચો થઈ જાય અને માણસ માણસ બને. એવું પણ નહીં કે બધા આદેશ મગજ જ આપે. ક્યારેક મગજને પૂછ્યા વગર જ નર્વસ સિસ્ટમ પોતે નિર્ણય લઈ લે. ગરમ તપેલાને પકડી લો ત્યારે મગજને પૂછ્યા વગર જ ચેતાઓ એને છોડી દેવાનો આદેશ આંગળીઓના સ્નાયુઓને આપી દે. માથું પકવી દે એવી પળોજણ છેને? આ પળોજણ તમારું મગજ સતત, દરેક સેકન્ડે કરતું જ રહે છે. વાંચતા કંટાળી ગયા હો તો કહી દઉં કે આ કંટાળો પણ મગજે પેદા કર્યો છે. વિજ્ઞાન મગજને આટલું અથવા આનાથી થોડું વધુ સમજી શક્યું છે.



મુદ્દો એ છે કે મગજને સમજી લેવાથી આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ માણસની સમકક્ષ બની જવાનું નથી. માણસ જેવું મગજ તો પ્રાણીઓ પાસે પણ છે. ઘણાં પ્રાણીઓ માણસ કરતાં મોટું મગજ ધરાવે છે. માણસનું મગજ ઍવરેજ દોઢ કિલોનું હોય છે, ટુ બી પ્રિસાઇઝ ૧.૪ કિલો. સ્પર્મ વ્હેલનું બ્રેઇન ૭.૮ કિલોનું છે. હાથી પાંચ કિલો અને કિલર વ્હેલ સાડાપાંચ કિલો વજનનું મગજ ધરાવે છે. આ બધાં પ્રાણીઓ અમુક બાબતે બુદ્ધિશાળી છે, પણ માણસ જેવી બુદ્ધિ એમનામાં નથી. ડૉલ્ફિન અત્યંત બુદ્ધિશાળી છે, પણ એના મગજનું વજન પણ દોઢ કિલો જ છે અને માણસની નકલ કરી શકતા અને ઘણાં કામ કરી શકતા ચિમ્પાન્ઝીનું મગજ સરેરાશ માત્ર ચારસો ગ્રામનું હોય છે. માણસ કરતાં વધુ મોટું મગજ હોય એવાં પ્રાણીઓ પણ કેમ માણસ જેટલી અથવા તેના હજારમા ભાગની પણ બુદ્ધિ ધરાવતાં નથી? માણસ પાસે મન છે જે આ બધા બાહુબલી મગજ ધરાવનારાઓ પાસે નથી. તેમના મગજનો વિકાસ થયો છે, મનનો નથી થયો. એની સામે કીડી જેવા નાના જીવમાં પણ સૂક્ષ્મ મગજ છે અને આશ્ચર્યની વાત તો એ છે કે જો શરીરના પ્રમાણમાં જોઈએ તો કીડી પેલી આઠ કિલોનું બ્રેઇન ધરાવતી સ્પર્મ વ્હેલને પણ પછાડી દે છે. સ્પર્મ વ્હેલના ૪૦ ટનના શરીરના પ્રમાણમાં એનું આઠ કિલોનું મગજ અત્યંત નાનું છે. કીડીનું મગજ એના શરીરના બાર ટકા હિસ્સો ધરાવે છે જે સૌથી વધુ છે. છતાં નથી કીડી એટલી બુદ્ધિશાળી કે નથી સ્પર્મ વ્હેલ.


માણસનું બાળક જન્મે પછી તરત તેની બુદ્ધિનો વિકાસ થવા માંડે. તેની ચેતના કઈ રીતે બને, તેનું મન કઈ વિકાસ પામે છે એ પણ હજી સમજી શકાયું નથી. મગજ નામનો હાર્ડવેર તો માણસમાં બાળકને જન્મની સાથે તૈયાર મળે છે; પણ મન નામનો સૉફ્ટવેર કોણ બનાવે છે, કોણ ઇન્સ્ટૉલ કરે છે એ નથી સમજાયું. આ સૉફ્ટવેર ઇન્સ્ટૉલ નથી થતો, મગજમાં ડેવલપ થાય છે અને એ જ્યાં સુધી માણસ જીવતો રહે ત્યાં સુધી અપડેટ અને અપગ્રેડ થતો જ રહે છે. વાસ્તવમાં તો મન સૉફ્ટવેર નથી અને મગજ હાર્ડવેર નથી, એનાથી ઘણા વિશેષ છે. બંને અલગ ભાસે છે, પણ સાવ અલગ નથી. માણસ મૃત્યુ પામે એ પછી પણ તેનું મગજ ચાલતું રહે છે. મગજ મોડું મરે છે. મન સૌથી છેલ્લે મરે છે. મગજ કામ કરતું રહે છે એટલે જ માણસને હાર્ટ-અટૅક આવે અને હૃદય બંધ પડી જાય પછી પણ સીપીઆર આપીને કે કરન્ટ આપીને ચાલતું કરવાથી માણસ ફરી જીવતો થઈ જાય છે. વાસ્તવમાં માણસ ત્યારે મર્યો હોતો જ નથી. માણસ ખરેખર ત્યારે મરે છે જ્યારે તેનું મન મરે છે, ચેતના મરે છે, મગજ મરે છે. એઆઇને માણસ જેવી બનાવવા માટે એમાં મન અને ચેતના પેદા કરવાં પડશે. એઆઇ જ્યારે સપનાં જોઈ શકશે ત્યારે એ માણસ જેવી બુદ્ધિ કહેવાશે.


Whatsapp-channel Whatsapp-channel

18 February, 2024 11:29 AM IST | Mumbai | Kana Bantwa

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK