દરેક પથ્થરમાં છુપાયેલું એક શિલ્પ હોય છે જ, પણ એને આકાર આપવાનું કાર્ય કોઈએ કરવું પડે અને પરિવારમાં એ જવાબદારી માબાપના શિરે છે. જો એ આકાર આપવાનું કામ નહીં કરે કે કરી શકે તો એ સંતાન જીવનભર પથ્થર બનીને રહી જશે.

મૂર્તિની પ્રતીકાત્મક તસવીર
બહુ સરસ છે આ વાક્ય. દરેક પથ્થરમાં છુપાયેલું એક શિલ્પ હોય છે જ, પણ એને આકાર આપવાનું કાર્ય કોઈએ કરવું પડે અને પરિવારમાં એ જવાબદારી માબાપના શિરે છે. જો એ આકાર આપવાનું કામ નહીં કરે કે કરી શકે તો એ સંતાન જીવનભર પથ્થર બનીને રહી જશે.
આકાર આપવો પડશે એ પથ્થરને અને આકાર આપવાની પ્રક્રિયા થશે ત્યારે તેને પીડા પણ થશે. થવી જ જોઈએ એ પીડા. તેની એ પીડા જોઈને અટકતા નહીં. સંતાનપ્રેમમાં અંધ નહીં બનતા અને એવું પણ નહીં ધારી લેતા કે કોઈ આકારની જરૂર નથી. તમે આજે છો અને આવતી કાલે તમારે જવાનું છે એ ફાઇનલ છે. અમરપટ્ટો કોઈને નથી અને જો એ કોઈની પાસે ન હોય તો આ જ સમય છે જે સમયે તમે સંતાનના શિલ્પી બનીને તેને શ્રેષ્ઠ આકાર આપો. તેની એકાદ ભૂલને કારણે તેના પર સતત અવિશ્વાસ રાખીને તેને અસલામત બનાવવાને બદલે પોતાની જ ભૂલમાંથી શીખીને તેને વધુ સાચા, વધુ પ્રામાણિક અને આવનારા ભવિષ્ય માટે આત્મવિશ્વાસથી સભર બનાવવાનું કામ પણ માબાપનું છે અને માબાપે એના માટે સમય કાઢવો જ પડશે.
ADVERTISEMENT
થોડા સમય પહેલાં એક સુપરસ્ટારના દીકરાનું ન્યુઝપેપરમાં આવ્યું હતું. મારે ડૅડીને મળવું હોય તો અપૉઇન્ટમેન્ટ લેવી પડે. જે સંતાને પિતાને મળવા અપૉઇન્ટમેન્ટ લેવી પડે તે માણસ પોતાના બિઝનેસમાં, પોતાના ફીલ્ડમાં ગમે એટલો સફળ હોય પણ એક બાપ તરીકે તે સરિયામ નિષ્ફળ છે અને આ નિષ્ફળતાનું પરિણામ તેણે પણ ભોગવવું જ પડે.
બહુ દૂર જવાની જરૂર નથી. તમે જુઓ એ મહાનુભાવોને જેમણે નાનપણમાં ભૂલો કરી હતી અને એ પછી પણ તેમણે મહાનતમ સ્થાન હાંસલ કર્યું. એ સ્થાને પહોંચાડવાનું શ્રેય તેમનાં માબાપને જાય છે. માબાપનો સાથ અત્યંત મહત્ત્વનો છે અને એ સાથ આપવા માટે સમય આવ્યે પોતાનો વ્યવસાય કે પછી પોતાનું સ્ટારડમ પણ વિસરવું પડે એ અનિવાર્ય છે. જો આવી ભૂલ તમે પણ કરતા હો કે કરી રહ્યા હો તો જાગી જજો. તમારો સાથ તેને જોઈએ છે અને એ સાથ તેને જ્યારે નહીં મળે ત્યારે તે તમારો ઑપ્શન ક્યાંક ને ક્યાંક શોધવા માટે બહાર નીકળશે. ચાહે એ વ્યક્તિના સ્વરૂપમાં શોધશે કે પછી એ નશાના સ્વરૂપમાં આશરો પામશે. દેશમાંથી પકડાતાં જતાં ડ્રગ્સના આંકડાથી સરકારને નહીં, દરેક માબાપને ટેન્શન થવું જોઈએ. દરેક સંતાન એ રસ્તે છે એવું કહેવાનો ભાવાર્થ નથી, પરંતુ આ પણ એક શક્યતા હોઈ શકે એ નકારી ન શકાય અને જો એવું હોય તો પછી મહત્ત્વનું એ છે કે આ ઘટનામાંથી કઈ વાતની શીખ અંગત રીતે લેવી?
સંતાનો કેવી-કેવી ભૂલ કરી શકે એ વાતને બાયનોક્યુલરમાં જોવાની સાથોસાથ એ ભૂલ કેવા સંજોગોમાં થઈ બેસતી હોય છે એ જોવાનું કામ પણ આપણે સૌએ કરવું પડશે તો સાથોસાથ સંતાનની ભૂલને કારણે તેને મહેણાંઓ મારીને સાસુનું રૂપ ધારણ કરવાને બદલે તે પોતાની આ ભૂલમાંથી વધારે બહેતર બનવાની કોશિશ કરે અને એ કોશિશમાં તમારો સાથ તેને મળી રહે એના પર પણ ધ્યાન આપીએ.
જરૂરી છે, આવશ્યક છે.

