ગુજરાતના કાવી-કંબોઈ પાસેના સાગરકિનારે આવેલું સ્તંભેશ્વર તીર્થ દિવસમાં બે વખત જળમગ્ન થઈ જાય છે
સ્તંભેશ્વર તીર્થ
દેશ-દુનિયામાં શિવજી કેવા-કેવા સ્થળે બિરાજે છેને! ક્યાંક તે પહાડોની ટોચે હોય તો ક્યાંક મધદરિયે. ક્યાંક વળી અંધારિયા ભૂર્ગભમાં તો ક્યાંક રમણીય ઉદ્યાનમાં. સ્થાન જે પણ હોય ભોળિયો શંભુ સર્વત્ર મોજમાં બેઠો છે. નથી તેને તાપ લાગતો કે નથી તેને ટાઢની અસર થતી. સમુદ્રની તેજ લહેરોથી નથી તે મૂંઝાતો કે ઘનઘોર જંગલમાં એકલો અટુલો નથી અકળાતો. સાજ-શણગાર ને ભક્તોની ભીડથી નથી તે ગર્વિત થતો કે અપૂજ રહે તોય નથી મુરઝાતો. બસ, તે તો પોતાની મસ્તીમાં મસ્ત છે. ભાવિકોનું મંગલ કરવામાં વ્યસ્ત છે.
આજે આપણે શ્રાવણ મહિનાના સેકન્ડ લાસ્ટ ગુરુવારે જઈએ એવા શિવાલયે જે ૨૪ કલાકમાંથી ૮-૯ કલાક ખંભાતના અખાતના ખારા ખારા ઊસ જેવા પાણીમાં ડૂબેલું રહે છે. તોય અંદર બિરાજતા દેવોં કે દેવ મહાદેવ હજારો વર્ષો બાદ પણ મહામસ્ત છે, જબરદસ્ત છે. ગુજરાતના જંબુસર તાલુકામાં કાવી-કંબોઈ પાસેના સમુદ્રતટ પર સ્તંભેશ્વર મહાદેવ બિરાજમાન છે જેની પ્રતિષ્ઠા ખુદ આશુતોષના પુત્ર કાર્તિકેય સ્વામીએ કરી છે. તારકાસુરનો વધ કર્યાના પ્રાયશ્ચિત્તરૂપે કાર્તિકેયે અહીં શિવલિંગની સ્થાપના કરી હતી અને ખૂબ ભક્તિભાવથી એની પૂજા કરી હતી.
ADVERTISEMENT
સ્તંભેશ્વર મહાદેવ અને કાર્તિકેય સ્વામીની વાત માંડતાં પહેલાં આપણે તારકાસુરનો સંક્ષિપ્ત પરિચય કરીએ. તારકાસુર વ્રંજાગ નામે દૈત્યનો પુત્ર અને અસુરોનો અધિપતિ હતો. દેવતાઓ સામે જીત હાંસલ કરવા તેણે ઘોર તપસ્યા કરીને મહાદેવ પાસે રાક્ષસોના રાજા થવાનું વરદાન માગ્યું અને એ સાથે જ તારકાસુરના માગવા પ્રમાણે ભોળાનાથે તેને એ પણ વરદાન આપી દીધું કે તેને શિવજીના પુત્ર સિવાય કોઈ મારી નહીં શકે. શિવશંભુ પાસેથી આશીર્વાદ મેળવી તારકાસુર તો બેફામ થઈ ગયો. જ્ઞાની, તપસ્વી, સાધક ઋષિમુનિઓ, દેવતાઓને રંજાડવા લાગ્યો. સામાન્ય પ્રજાજનો પણ તેનાથી ત્રાહિમામ પોકારી ગયા અને જ્યારે પરિણામ અત્યંત દુર્દાન્ત થઈ ગયું ત્યારે દેવગણ રાવ લઈ બ્રહ્માજીને શરણે ગયો. બ્રહ્માજીએ તેમને કહ્યું કે ‘તારકાસુરનો અંત શંકરનો પુત્ર જ કરી શકશે.’
આ બાજુ દક્ષપુત્રી દેવીના યજ્ઞમાં હોમાઈ જવાના દુઃખે શિવજીને વિરક્ત બનાવી દીધા હતા અને સંસારથી વિમુખ કરી દીધા હતા. એવામાં તેમનો પુત્ર ક્યાંથી થાય? આથી શિવજીને રીઝવવા દેવોએ કામદેવ અને રતિની મદદ લીધી. પરંતુ જટાધારીએ કામદેવને જ ભસ્મીભૂત કરી નાખ્યો. લાંબા અરસાથી હિમાચલ પુત્રી પાર્વતી શિવજીને પરણવા ઉત્સુક હતાં પરંતુ શિવજીને મોહ-માયામાં રસ નહોતો. આથી પાર્વતીજી સંપૂર્ણપણે શિવભક્તિમાં લીન થઈ ગયાં. જોકે કૈલાસપતિ પાર્વતીની ભક્તિથી પ્રસન્ન થઈ તેમની સાથે વર્યા અને શિવના તેજોલયથી કાર્તિકેયનો જન્મ થયો. આ એક કથા ઉપરાંત કાર્તિકેયના જન્મની ઓર એક વાર્તા પણ પ્રચલિત છે જેમાં તેઓ ૬ ભિન્ન-ભિન્ન કન્યાઓને શિશુરૂપે મળ્યા હતા. બાદમાં માતા પાર્વતીને એની જાણ થતાં તેમણે સ્કંદ કન્યાઓને વિનંતી કરી અને એ બાળકો શિવપત્નીને સોંપ્યાં હતાં. આ ૬ સ્કંદનું સંયુક્ત સ્વરૂપ એટલે કાર્તિકેય. દેવતાઓએ આ કાર્તિકેયને સેનાપતિ બનાવ્યા અને તારકાસુર સામે દેવાસુર સંગ્રામ છેડ્યો, જેમાં તારકાસુરનો વધ થયો.
દક્ષિણ ભારતમાં તેમ જ સાઉથ ઈસ્ટ એશિયાઈ દેશોમાં મુરુગન તરીકે ઓળખાતા કાર્તિકેયે તારકાસુરનો નાશ તો કર્યો, દેવોએ એને હર્ષોલ્લાસથી વધાવ્યો પણ ખરો. પરંતુ પાર્વતીપુત્રને પિતાના પરમ ભક્તને મારવાનો ખૂબ અફસોસ હતો. તેમણે એ માટે વિષ્ણુ ભગવાન પાસે પ્રાયશ્ચિત્ત માગ્યું. ત્યારે વિષ્ણુએ ગણેશજીના જ્યેષ્ઠ ભ્રાતાને કહ્યું, ‘એક દુષ્ટ વ્યક્તિ, જે નિર્દોષ લોકોને રંજાડે, તેને મારવો પાપકર્મ નથી. છતાં તમને દોષી હોવાની લાગણી થાય છે તો ભગવાન વિશ્વનાથની પૂજાથી તમારાં પાપ ક્ષીણ થશે. એ માટે તમે શિવલિંગ સ્થાપિત કરો અને મન લગાવી કાશીનરેશની પૂજા કરો.’ આ સાંભળી કાર્તિકેયે વિષ્ણુકર્માને ત્રણ દિવ્ય શિવલિંગ બનાવવાનો નિર્દેશ કર્યો અને ત્રણેય શિવલિંગોને મા પાર્વતી તેમ જ અન્ય દેવતાઓની હાજરીમાં પૂર્ણ અનુષ્ઠાનો સહિત ત્રણ ભિન્ન-ભિન્ન સ્થળે સ્થાપિત કર્યાં. એમાંનું એક સ્થળ એ આજનું સ્તંભેશ્વર.
દરિયાઈ તટથી લગભગ ૫૦૦ મીટર અંદર ષટ્કોણાકાર સ્ટ્રક્ચર છે, જેની અંદર ઊતરતાં કાર્તિકેય સ્વામી નિર્મિત સ્તંભેશ્વર મહાદેવનાં દર્શન થાય છે. ૧૫૦ વર્ષ પૂર્વે બનેલા આ મંદિરનું હાલમાં જ પુન:નિર્માણ થયું છે અને એટલે જ ભરતી આવતાં એ મંદિરની ષટ્કોણાકર ટોચ અને એની ઉપરનું પંચકોણાકાર શિખર માત્ર નજરે ચડે છે. અને આ દૃશ્યના દૃષ્ટા થવા ભારતભરથી પ્રભુ અને પ્રકૃતિપ્રેમી અહીં પધારે છે. એ મેદનીને જોઈ એ જ વિચાર આવે કે શું કાર્તિકેયને સ્તંભેશ્વર મહાદેવની પ્રતિષ્ઠા કરતી વેળાએ અંદેશો હશે કે આ સ્થાન અનન્ય કુદરતી વિશિષ્ટતા ધરાવતું હશે!
કિનારાથી મંદિરને જોડતો રૂફ સહિત પાકો રસ્તો છે અને મંદિરના પ્રવેશદ્વારની બહાર પુજાપો, રમકડાં, ચા-નાસ્તા વેચતી અનેક હાટડીઓ છે. અન્ય મંદિરોની જેમ આ દેવાલય ભવ્ય સ્થાપત્યકલા કે કારીગીરીથી ઓપતું નથી પરંતુ મંદિરની અંદરના મધ્ય ભાગમાં જ્યાં શિવજીનાં બેસણાં છે એની ફરતે નાની-નાની હવાબારી છે, જેમાંથી દરિયાની ભરતીના સમયમાં પાણી આવે એ દૃશ્ય ખરેખર અચંબિત કરી મૂકે એવું છે. હિન્દુ મહિનાની તિથિ અનુસાર દરરોજ ભરતીનો સમય બદલાય છે અને એ ચાર કલાકના સમયમાં મંદિરની છત સિવાયનું આખું સંકુલ જળબંબાકાર રહે છે. પાણી ઊતરતાં આખા સંકુલની સફાઈ થાય છે. ત્યાર બાદ ફરી બાબા ભક્તોનાં દર્શન માટે હાજરાહજૂર થઈ જાય છે. ભરતીના સમય પર આધારિત આ મંદિર મધરાતે પણ ખુલ્લું રહે છે ને ક્યારેક પહેલો અભિષેક સીધો બપોરે થાય છે.
વડોદરાથી ફક્ત ૭૩ કિલોમીટરના અંતરે મહીસાગર સંગમ તીર્થે પહોંચી શકાય છે અને અહીં પહોંચવાનો જે રસ્તો છે તે ઇન્ક્રેડિબલ ઇન્ડિયાનો એક સૅમ્પલ પીસ છે. મહીસાગરનો લીલોછમ પ્રદેશ, લહેરાતા મોલથી લથબથ ખેતરા, મહી અને વિશ્વામિત્રી નદીની સંતાકૂકડી, અલભ્ય ઔષધિય ગુણો ધરાવતાં વૃક્ષોની હારમાળાઓ વચ્ચેથી જ્યારે તમારું વેહિકલ કાવી કંબોઈ પહોંચે છે ને ત્યારથી મનમાં ઇમોશન જાગે રે...
ખંભાતના અખાતના કાંઠે આવેલા આ તીર્થમાં રહેવા માટે મંદિરના ટ્રસ્ટની નાની ધર્મશાળા છે, જે શ્રાવણ મહિના અને ઑલ વીક-એન્ડમાં મોટા ભાગે ફુલ હોય છે. મંદિર તરફથી બપોરે એક વખત ભંડારો યોજાય છે, જેમાં ભક્તો પ્રસાદ લઈ શકે છે. અન્યથા કાવી અને કંબોઈ નગર ઝિંદાબાદ. અહીં રહેવા માટે ધર્મશાળા, સાદી હોટેલ્સની સગવડ છે અને ગુજરાતમાં હો ત્યારે જમવાની કે નાસ્તાની ચિંતા કરાય જ નહીં. અહીં ઠેકઠેકાણે ભોજનની સુવિધા મળી જાય છે.
પૉઇન્ટ બ્લૅન્ક
સ્તંભેશ્વર મહાદેવના સાંનિધ્યમાં રુદ્રાભિષેક પૂજાનું અતિ મહત્ત્વ છે. અહીં પૂજારીઓ નૉમિનલ ચાર્જિસમાં એ કરાવી આપે છે.આ વર્ષે અધિક શ્રાવણ હોતાં આ બે મહિનામાં લગભગ બેથી ચાર લાખ યાત્રાળુઓએ આ અસાધારણ મંદિરનાં દર્શન કર્યાં છે. એમાંય સોમવાર, પૂર્ણિમા, અમાવસ્યાએ અહીં હજારોની ભીડ ઊમટી હતી.
૨૪ કલાકમાં આવતી બે વખત ભરતી દરમિયાન આખું મંદિર ઑલમોસ્ટ ચારથી પાંચ કલાક પાણીમાં ડૂબેલું રહે છે અને શિવલિંગનાં દર્શન થઈ શકતાં નથી. આથી શૉર્ટ ટાઇમ હોય તો ભરતીનો સમય જોઈને ત્યાં જવું. જોકે પ્રથમ વખત આવતા યાત્રાળુઓ માટે તો શ્રદ્ધા ઉપરાંત સમુદ્રમાં ગરક થઈ જતું મંદિર જોવાની ઘટના એક વિસ્મયથી કમ નથી. ટ્રાય ટુ બી આઇવિટનેસ ઑફ ધિસ અદ્ભુત પ્રાકૃતિક પ્રદર્શન.
કાવીમાં સાસુ-વહુનાં દેરાં નામે જાણીતાં, સાડાપાંચસો વર્ષ પ્રાચીન જૈન દેરાસરો છે. પ્રાચીન સમયમાં કનકાવતી નામે પ્રસિદ્ધ કાવી જૈન તીર્થ જિનભક્તો માટે અદ્ભુત આસ્થાનું સ્થાન છે.


