સંયમ કઈ રીતે રાખવો એના વિશે પણ ચાણક્યએ જ કહ્યું છે અને સ્પષ્ટતા સાથે સમજાવ્યું પણ છે
પ્રતીકાત્મક તસવીર
વાણી, વર્તન અને વ્યવહાર.
હા, આપણે વાત કરવાની છે આ ત્રણ બાબતની. આ ત્રણ બાબતો એવી છે જેમાં કોઈ પણ વ્યક્તિએ સૌથી વધારે સંયમિત રહેવું જોઈએ. હું કે વડીલો જ નહીં, શાસ્ત્રો પણ કહે છે અને ચાણક્ય પણ કહેતા. વાણી પર ગુમાવેલો સંયમ છેક યુદ્ધ સુધી, વિગ્રહ સુધી વાતને ખેંચી જાય છે તો વર્તનમાં આવતા ઉતાર-ચડાવમાં પણ માઠું લગાડી જવાની અને માઠું લાગ્યા પછી વાત છેક વધીને સંબંધો તોડવા સુધી પહોંચાડી દેવાની ક્ષમતા ધરાવે છે. ધ્યાન રાખવા જેવો ત્રીજો મુદ્દો, વ્યવહાર.
ADVERTISEMENT
વ્યવહારને ક્યારેય મન સાથે કે લાગણી સાથે જોડવો નહીં. લાગણીનો બહાવ કોઈ પણ ઘડીએ નવો રંગ અને રૂપ દેખાડી શકે અને જો એ દેખાડે તો સ્વાભાવિક રીતે વ્યવહારની માત્રામાં ઘટાડો-વધારો થાય અને એ ઘટાડો-વધારો સંબંધોમાં તાણ ઊભી કરવાનું કામ કરી જાય. વાણી, વર્તન અને વ્યવહાર. ચાણક્યનું એક કથન અત્યારે યાદ આવે છે. ચાણક્ય કહેતા, ‘આ ત્રણેત્રણને મનના વિચારો સાથે સીધો સંબંધ છે, જે સંબંધ તમને ક્યારેક કટોકટીમાં મૂકી દેવાની ક્ષમતા ધરાવે છે. જો એ કટોકટી ન જોવી હોય અને જો એ કટોકટીના ભોગ ન બનવું હોય તો આ ત્રણેત્રણ પર સંયમ રાખો. વાણી, વર્તન અને વ્યવહાર.’
સંયમ કઈ રીતે રાખવો એના વિશે પણ ચાણક્યએ જ કહ્યું છે અને સ્પષ્ટતા સાથે સમજાવ્યું પણ છે. ચાણક્યએ કહ્યું છે કે વાણીમાં ક્યારેય કટુતા ન લાવો કે વાણીમાં ક્યારેય દિલેરી પણ ન ઉમેરો. આ વાત ખાસ કરીને એ સૌને લાગુ પડે છે જેમને પોતાની જીભની કિંમત છે, જેમને પોતાની જીવ્હાનું મૂલ્ય છે. બોલીને ફરી જનારા કે પછી બોલેલું પાળવું કે નહીં એની ફિકર ન કરનારાને આ વાત લાગુ નથી પડતી એટલે તેમણે ચિંતા કરવાની આવશ્યકતા નથી, પણ જેને એક જબાન છે એ સૌએ આ વાતને યાદ રાખવાની છે. વાણીમાં એવું કંઈ ન ઉમેરો જેને પાછું વાળવાનું કામ કઠિન થઈ જતું હોય. વાણી પછીના ક્રમે વર્તન આવે છે.
વર્તનમાં ક્યારેય ઓળઘોળ થઈને ઊભા રહેવું નહીં અને ક્યારેય એવું વર્તન પણ ન રાખવું કે કોઈને બીજી વખત તમને બોલાવવામાં પણ ખચકાટ થતો રહે. વર્તન સંયમિત જ હોવું જોઈએ. વર્તનને લાગણી સાથે ક્યારેય જોડવું ન જોઈએ. દુઃખ, હર્ષ, રોષ, ક્રોધ, ગુસ્સો અને ચીડને વર્તનમાં આવવા દેવાં ન જોઈએ. ખાસ કરીને એવા સમયે જે સમયે આજુબાજુનું વાતાવરણ તમારું પોતાનું હોય. કોઈના ઘરે જઈને તમે અભદ્ર વ્યવહાર કરો તો ક્ષણભર માટે ચાણક્ય એને વાજબી માને છે ખરા, પણ તમારા આંગણે આવેલા સાથે ક્યારેય વર્તન ગેરવાજબી રીતે કરવું ન જોઈએ. ભલે પછી એ તમારો પોતાનો દુશ્મન જ કેમ ન હોય. એવું જ વ્યવહારની બાબતમાં કહેવાયું છે.
સામેની વ્યક્તિ સાથે ગમે એ સ્તરનો પ્રેમ હોય કે કોઈ પણ સ્તર પરનો રોષ હોય તો પણ તેની સાથેના વ્યવહારમાં કટુતા કે પછી અતિશય લાગણીનો બહાવ આવવા દેવો નહીં. વ્યવહારમાં, આચરણમાં આવેલી કટુતા નવેસરથી આમને-સામને આવવાનું અટકાવશે તો વધારે પડતી લાગણીશીલતામાં જરાસરખી ઓછપ આવશે કે તરત જ સરખામણી આવશે અને સરખામણી દુઃખ લાવવાનું કામ કરે છે.

