Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સંસ્કૃતના હઠાગ્રહી દીકરાએ બાપનું નામ પણ બદલ્યું

સંસ્કૃતના હઠાગ્રહી દીકરાએ બાપનું નામ પણ બદલ્યું

24 October, 2020 06:33 PM IST | Mumbai
Deepak Mehta | deepakbmehta@gmail.com

સંસ્કૃતના હઠાગ્રહી દીકરાએ બાપનું નામ પણ બદલ્યું

વીસમી સદીની શરૂઆતમાં એલ્ફિન્સ્ટન કૉલેજ

વીસમી સદીની શરૂઆતમાં એલ્ફિન્સ્ટન કૉલેજ


ગુજરાતી નવલકથા અને કવિતાને પાંચ ડગલાં આગળ લઈ જનારાં બે પુસ્તકો એક જ વરસમાં મુંબઈમાં પ્રગટ થયાં. વરસ હતું ૧૮૮૭નું અને પુસ્તકો હતાં ગોવર્ધનરામ ત્રિપાઠીની નવલકથા ‘સરસ્વતીચંદ્ર’નો પહેલો ભાગ અને નરસિંહરાવ દિવેટિયાનો પહેલો કાવ્યસંગ્રહ ‘કુસુમમાળા’. ત્યારે ગોવર્ધનરામ ૩૨ વરસના યુવાન હતા તો નરસિંહરાવ હતા ૨૮ વરસના યુવાન. જેમ જીવનમાં તેમ સાહિત્યમાં પણ કેટલાંક નામ ન ભુલાવાં જોઈએ છતાં ભુલાઈ જાય છે. આપણા એક પ્રખર વિવેચક મનસુખલાલ ઝવેરીએ નરસિંહરાવને અર્વાચીન ગુજરાતી કાવ્ય-શકુંતલાના કણ્વ તરીકે ઓળખાવ્યા હતા. શકુંતલાના પિતા વિશ્વામિત્ર, પણ કણ્વના આશ્રમમાં જ તે ઊછરી અને મોટી થઈ. એવી રીતે અર્વાચીન ગુજરાતી કવિતાનું પાલન-પોષણ કર્યું નરસિંહરાવે. અને છતાં આજે સાહિત્યના જાણકારો કે અભ્યાસીઓ પણ નરસિંહરાવનું નામ ભાગ્યે જ લે છે.

નરસિંહરાવનો જન્મ અમદાવાદમાં, ૧૮૫૯ના સપ્ટેમ્બરની ત્રીજી તારીખે. પિતા ભોળાનાથ સારાભાઈ ગર્ભશ્રીમંત છતાં બ્રિટિશ સરકારમાં નોકરી કરી ઊંચા હોદ્દે પહોંચેલા. અમદાવાદમાં પ્રાર્થના સમાજના સ્થાપકોમાંના એક. નવી કેળવણી, સમાજ સુધારો, સ્ત્રીશિક્ષણના હિમાયતી અને ટેકેદર. અંગ્રેજી, સંસ્કૃત, ફારસી, ગુજરાતી, અને મરાઠી ભાષા અને સાહિત્યના અભ્યાસી. આપણા સાહિત્યના ઇતિહાસમાં જેને ‘પંડિત યુગ’ તરીકે ઓળખાવવામાં આવે છે એ સમયના ઘણાખરા લેખકો મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજના ગ્રૅજ્યુએટ હતા. ગોવર્ધનરામ અને નરસિંહરાવ પણ આ જ કૉલેજના ગ્રૅજ્યુએટ. એ કૉલેજમાં ભણવા માટે નરસિંહરાવ ૧૮૭૬ના જાન્યુઆરીમાં મુંબઈ આવ્યા. એ જમાનામાં કોઈ બહારગામ જાય ત્યારે હોટેલમાં ઊતરવાનો ચાલ નહોતો. કોઈ સગાં અને સગાં ન હોય તો કોઈ ન્યાતીલાની ઓળખાણ કાઢીને તેમને ઘરે ઊતરવાનું સામાન્ય હતું, મુંબઈ જેવા શહેરમાં પણ. એક મુનીમ અને એક જૂના બ્રાહ્મણ નોકરને સાથે લઈને નરસિંહરાવ ભણવા માટે મુંબઈ આવ્યા. અને બીજા એક પ્રતિષ્ઠિત નાગર સદ્ગૃહસ્થના ઘરે ઊતર્યા. આગળ જતાં તેઓ ગોવર્ધનરામ અને નરસિંહરાવ વચ્ચેના સંબંધની કડીરૂપ બન્યા. એટલે થોડી વાત તેમના વિશે.



તેમનું નામ મનઃસુખરામ સૂર્યરામ ત્રિપાઠી. હા, જી. ગુજરાતીમાં પણ સંસ્કૃત પ્રમાણે બોલવા-લખવાના ખૂબ જ આગ્રહી. એટલે સંસ્કૃતને અનુસરીને પોતાના નામમાં વચમાં વિસર્ગનાં બે ટપકાં મૂકતા! કહેવાય છે કે રોજ જ્યારે ટપાલી આવે ત્યારે પહેલાં દરેક કાગળ પરનું પોતાનું નામ ચકાસતા અને પેલાં બે ટપકાં વગર નામ લખ્યું હોય એવા બધા કાગળ ‘આ મારા નથી’ એમ કહીને પાછા આપતા. તેમના પિતાનું નામ તો હતું સૂરજરામ, પણ સંસ્કૃતના આગ્રહને કારણે પિતાનું નામ પણ સૂરજરામમાંથી બદલીને સૂર્યરામ કરી નાખ્યું હતું! કૉલેજના અભ્યાસ માટે વતન નડિયાદથી ૧૮૬૧ના જૂનમાં મુંબઈ આવીને એલ્ફિન્સ્ટન કૉલેજમાં દાખલ થયા. પણ માંદગીને કારણે અભ્યાસ અધૂરો મૂકી ૧૮૬૩માં માધવરામ ત્રિપાઠીની પેઢીમાં જોડાઈ ગયા. આ માધવરામ તે ગોવર્ધનરામના પિતા. અને મનસુખરામના દાદા શિવરામ અને માધવરામ બે સગા ભાઈઓ. એટલે ગોવર્ધનરામ મનસુખરામને ‘ભાણાકાકા’ કહેતા. વખત જતાં આપબળે મનસુખરામ આગળ વધીને સૌરાષ્ટ્રના ત્રણ-ચાર દેશી રાજ્યોના મુંબઈ ખાતેના ‘એજન્ટ’ (આજની ભાષામાં લિયઝોંઑફિસર) બન્યા. દેશી રાજ્યો પોતાના કારભારમાં પણ તેમની સલાહ લેતાં. કહેવાય છે કે ઘણી વાર મનસુખરામ બોલતા કે ચાર-ચાર દીવાનો તો મારા ખિસ્સામાં છે.


૧૮૭૪ના અરસામાં કાળનું ચક્ર ખાસ્સું ફરી ગયું હતું. માધવરામ ત્રિપાઠીની પેઢી ભાંગી હતી અને માધવરામને પુષ્કળ દેવું થયું હતું. પોતે એ દેવું ભરપાઈ કરી આપશે એવી ખાતરી આપીને ગોવર્ધનરામે માતાપિતાને નડિયાદ રહેવા મોકલ્યાં હતાં અને પોતે મનસુખરામને ત્યાં રહેવા લાગ્યા હતા. આજે જ્યાં સિક્કાનગરની મોટી વસાહત છે ત્યાં અગાઉ મહેલ જેવો ચીના (કે ચાઇના) બાગ હતો જે મોરારજી ગોકળદાસના કુટુંબની માલિકીનો હતો. એના પાછલા ભાગમાં નોકરોને રહેવા માટેની સગવડ ઉપરાંત આઉટ હાઉસ,

મહેમાન-ઘર વગેરે હતાં. મનસુખરામ આ ચીના બાગના આઉટહાઉસમાં રહેતા. નરસિંહરાવ ૧૮૭૬માં ભણવા માટે મુંબઈ આવ્યા ત્યારે સૌથી પહેલાં આ ચીનાબાગના મનસુખરામના ઘરે ઊતરેલા. એ વખતે ગોવર્ધનરામ પણ ત્યાં જ રહેતા હતા એટલે સ્વાભાવિક રીતે પરિચય થયો. નરસિંહરાવ ચીનાબાગમાં રહ્યા તો થોડા દિવસો જ, કારણ કે મનસુખરામના ઘરની રહેણીકરણી તેમને માફક ન આવી. એટલે એક નાની ઓરડી ભાડે રાખી નરસિંહરાવ ત્યાં રહેવા ગયા. પણ મનસુખરામ સાથેનો સંબંધ તો ચાલુ રહ્યો. ભણી લીધા પછી નરસિંહરાવ સરકારી નોકરીમાં અસિસ્ટન્ટ કલેક્ટર તરીકે જોડાયા. તેમની બદલી મોટે ભાગે આજના મહારાષ્ટ્રનાં શહેરોમાં થતી. ત્યાંથી અમદાવાદ આવતી-જતી વખતે તેઓ મનસુખરામના ઘરે ઊતરતા.


સાહિત્યકાર તરીકે આજે મનસુખરામનું નામ ભુલાઈ ગયું છે, પણ બે સંસ્થાઓને કારણે તેમનું નામ થોડા જાણકારોના મનમાં જળવાઈ રહ્યું છે. ૧૮૮૬માં મનસુખરામનાં પત્ની ડાહીલક્ષ્મીનું નડિયાદમાં અવસાન થયું. એ જમાનામાં નાની ન ગણાય એવી ૫૦ હજાર રૂપિયાની રકમ ખર્ચીને તેમણે નડિયાદમાં ડાહીલક્ષ્મી પુસ્તકાલય શરૂ કર્યું. ૧૮૯૮માં એનું ઉદ્ઘાટન થયું. ડૉ. હસિત મહેતાની આગેવાની નીચે આજે તે સાચા અર્થમાં એકવીસમી સદીનું ઇન્ફર્મેશન રિસોર્સ સેન્ટર બની રહ્યું છે.

૧૮૪૮માં અમદાવાદમાં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપનામાં આગળ પડતો ભાગ ભજવનાર ઍલેક્ઝાન્ડર કિનલોક ફૉર્બ્સ ૧૮૬૨માં સ્થપાયેલી બૉમ્બે હાઈ કોર્ટના પહેલા છ ન્યાયાધીશોમાંના એક તરીકે મુંબઈ આવ્યા. મનસુખરામ અને રેવરન્ડ ધનજીભાઈ નવરોજી ફૉર્બ્સને મળ્યા અને એવી એક સંસ્થા મુંબઈમાં પણ શરૂ કરવા વિનંતી કરી. ફૉર્બ્સના સૂચનથી આ માટે મનસુખરામે મુખ્યત્વે દેશી રાજ્યો અને મુંબઈના કેટલાક ધનાઢ્ય લોકો પાસેથી લગભગ ૬૫ હજારનો ફાળો ઉઘરાવ્યો અને ૧૮૬૫ના માર્ચની ૨૫મી તારીખે મુંબઈમાં ‘ગુજરાતી સભા, મુંબઈ’ની સ્થાપના થઈ. પણ એ પછી થોડા જ વખતમાં ૧૮૬૫ના ઑગસ્ટની ૩૧મી તારીખે માત્ર ૪૩ વરસની ઉંમરે ફૉર્બ્સનું અણધાર્યું અવસાન થયું. ત્યાર પછી તેમની યાદ કાયમ રાખવા માટે આ સંસ્થાનું નામ બદલીને ‘ફાર્બસ ગુજરાતી સભા’ કરવામાં આવ્યું. સંસ્થાની શરૂઆત થઈ ત્યારથી ૧૯૦૭ના મે મહિનાની ૩૦મી તારીખે તેમનું અવસાન થયું ત્યાં સુધી મનસુખરામ એના મંત્રીપદે રહ્યા અને ફાર્બસ ગુજરાતી સભાના વિકાસમાં પાયાના પથ્થર બની રહ્યા.

આ મનસુખરામને કારણે થયેલા ગોવર્ધનરામના પરિચય વિશે પછીથી નરસિંહરાવ લખે છે: ‘સમય ઈ.સ. ૧૮૭૬, જાન્યુઆરી માસ, સ્થળ ચીના બાગ, મનસુખરામ સૂર્યરામના મકાનનો ઓટલો. હું ઊભો છું. નવા, તાજા બીએમાં પાસ થયેલા પાંચ-છ મિત્રોનું મંડળ, એમાં એક તેજસ્વી મુખમુદ્રાવાળી ઉત્સાહના જોશથી ચાલતી મૂર્તિ, તે ગોવર્ધનભાઈ, ચીના બાગના પાછલા મકાનમાં મિત્રોની ‘ક્લબ’ તરફ એ બધા જતા હતા. હું કુતૂહલ, માન અને કાંઈક રમૂજના આકર્ષણથી એ દેખાવ જોઈ રહ્યો છું. બસ, આ પ્રથમ દર્શન. સ્નેહયુક્ત આદરનું બીજ આમ વવાયું.’

પછી તો યુનિવર્સિટી ઑફ બૉમ્બેના ૧૮૭૬ના કૉન્વોકેશનમાં પણ નરસિંહરાવ હાજર રહેલા અને ગોવર્ધનરામને ડિગ્રી મળી એ જોઈને હરખાયા હતા. પછી સરસ્વતીચંદ્ર અને કુસુમમાળા પુસ્તકો પ્રગટ થયાં ત્યારે બન્નેએ એકબીજાને એની નકલ ભેટ આપેલી. ગોવર્ધનરામે અભિપ્રાય આપવા કહેલું એટલે નરસિંહરાવે ભાષા-પ્રયોગની કેટલીક ભૂલો તરફ ધ્યાન દોરેલું. પણ પછી એનો સ્વીકાર થતો નથી એમ લાગતાં વાત પડતી મૂકેલી. અભ્યાસ દરમ્યાન નરસિંહરાવ લલ્લુ ભગતના માળામાં રહેતા ત્યારે મળવા માટે ગોવર્ધનરામ દર અઠવાડિયે જતા એટલું જ નહીં, ગોવર્ધનરામ અને નરસિંહરાવ નિકટના સગા બને એવો સંભવ પણ ઊભો થયો હતો. ગોવર્ધનરામનાં પહેલાં પત્નીના અવસાન પછી મનસુખરામે ભોળાનાથભાઈને પત્ર લખીને તેમના દીકરા અને નરસિંહરાવના ભાઈ ભીમરાવની દીકરી સાથે વિધુર ગોવર્ધનરામનાં લગ્નનું સૂચન કરેલું. પણ ભોળાનાથે એ સ્વીકાર્યું નહીં, કારણ કે આ અંગે તેમણે જ્યારે ભીમરાવની દીકરીને પૂછ્યું ત્યારે તેણે માત્ર એટલું જ કહ્યું: ‘એ તો મારા ગોવર્ધનકાકા થાય.’

આજની ભાષામાં કહીએ તો નરસિંહરાવ એટલે તડ ને ફડના માણસ. સાહિત્ય વિશે લખતી કે બોલતી વખતે કોઈની સાડીબારી રાખે નહીં. ગુજરાતી ભાષા વિશેના વિવાદમાં તેઓ અને ગોવર્ધનરામ સામસામે આવી ગયેલા અને બન્ને વચ્ચે થોડું મનદુઃખ પણ થયેલું. ગુજરાતી સાહિત્ય પરિષદનું પહેલું અધિવેશન ગોવર્ધનરામના પ્રમુખપદે અમદાવાદમાં ૧૯૦૫માં ભરાયું એ વખતે પણ બન્ને વચ્ચે થોડું ઘર્ષણ થયેલું. બીજી એક બાબતમાં પણ આ બન્ને સામસામે આવી ગયેલા. આજે ગોવર્ધનરામને સમન્વયસાધક તરીકે ઓળખાવવામાં આવે છે પણ નરસિંહરાવ જેવા સમાજસુધારાના હિમાયતીઓની દૃષ્ટિએ ગોવર્ધનરામ પરંપરાવાદી હતા. અમદાવાદમાં ગોવર્ધનરામના પરંપરા તરફી ભાષણ પછી કેટલાક સુધારકોની માગણીથી નરસિંહરાવે જલદ ભાષણ કરી સુધારાનો પુરસ્કાર કર્યો. પ્રમુખસ્થાને બેઠેલા અંબાલાલ સાકરલાલે નરસિંહરાવના વિચારોનું સમર્થન કર્યું. આથી ગોવર્ધનરામ દુભાયા હતા અને છતાં આવા વૈચારિક મતભેદો એ બન્નેના અંગત મીઠા સંબંધમાં વચમાં આવતા નહીં!

સાચાબોલો અને આખાબોલો સ્વભાવ નરસિંહરાવને સરકારી નોકરીમાં પણ આડો આવ્યો. લાયકાત પ્રમાણે બઢતી મળતી નહિ. પ્રમાણમાં છેવાડાની પણ કુદરતી સૌંદર્ય માટે જાણીતી એવી કેટલીક જગ્યાએ તેમનું પોસ્ટિંગ થતું. ત્યારે ત્યાંના કુદરતી સૌંદર્યને આકંઠ પીને તેમણે પોતાનાં કાવ્યોમાં પ્રગટ કર્યું. તેમણે સ્વેચ્છાએ વહેલા નિવૃત્ત થવાનું પસંદ કર્યું અને ૧૯૧૨માં સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા. એ પછી તેમની કારકિર્દીનો બીજો તબક્કો શરૂ થયો. ગોવર્ધનરામ પછી દસ વરસે, ૧૯૧૫માં તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ બન્યા. જે કૉલેજમાં પોતે ભણ્યા હતા એ એલ્ફિન્સ્ટન કૉલેજમાં નરસિંહરાવ ૧૯૨૧માં ગુજરાતીના અધ્યાપક નિમાયા અને મુંબઈવાસી બન્યા. ૧૯૩૫ સુધી તેઓ આ પદ પર રહ્યા એટલું જ નહીં, મુંબઈના ગુજરાતી સાહિત્ય જગત પર છવાઈ ગયા. પણ નરસિંહરાવ એટલે માત્ર અગ્રણી કવિ જ નહીં, સહેલાઈથી રીઝે નહીં પણ ખીજે ખરા એવા વિવેચક અને ભાષાશાસ્ત્રના મોટા ગજાના અભ્યાસી પણ ખરા.૧૯૧૫માં યુનિવર્સિટી ઑફ બૉમ્બે આયોજિત વિલ્સન ફિલોલૉજિકલ લેક્ચર્સ આપ્યાં જેનો વિષય હતો ગુજરાતી ભાષા અને સાહિત્ય. આ ઉપરાંત બીજા અનેક લેખોમાં તેમણે ગુજરાતી ભાષાની ચર્ચા કરી છે. ૧૯૨૪માં રૉયલ એશિયાટિક સોસાયટી (આજની એશિયાટિક સોસાયટી ઑફ મુંબઈ)ના ફેલો થયા.

ગોવર્ધનરામનું આયુષ્ય માત્ર બાવન વરસનું. જ્યારે નરસિંહરાવને લાંબું, ૭૮ વરસનું આયુષ્ય મળ્યું. પાછલાં વરસો અધ્યાપન-અધ્યયનના મનગમતા કામમાં ગયા, પણ અંગત જીવનમાં એક પછી એક સ્વજનોને ગુમાવવાના ઘા ઉપરાઉપરી જીરવવા પડ્યા. ‘આ વાદ્યને કરુણ ગાન વિશેષ ભાવે’ એ તેમની કાવ્યપંક્તિ તેમની ઓળખાણ બની ગઈ. પણ તેમનો શોક શ્લોકત્વને પામીને ‘સ્મરણસંહિતા’ નામના કરુણપ્રશસ્તિ કાવ્યરૂપે પ્રગટ થયો. આ કૃતિ ગુજરાતી કવિતાનું એક મહત્ત્વનું સીમાચિહ્ન બની રહી છે. ૧૯૩૭ના જાન્યુઆરીની ૧૪મી તારીખે નરસિંહરાવનું મુંબઈમાં અવસાન થયું. એ વખતે કનૈયાલાલ મુનશીએ કહ્યું હતું : ‘નાટક ને નવલકથા સિવાયનાં ઘણાંખરાં સાહિત્યનાં ક્ષેત્રોમાં લગભગ પચાસ વર્ષ સુધી એમની હાક વાગતી. ઘણા વિષયોમાં એમનો નિર્ણય અંતિમ ગણાતો. શુદ્ધિ અને સત્યશોધનથી પ્રેરાયેલી આ ભીષ્મપિતામહની આણથી સાહિત્યકારો અને સાહિત્યરસિકો બન્ને ધ્રૂજતા હતા. ઘણી વાર તો જાણે અચલ ધ્રુવ હોય એમ એ આપણા સાહિત્યવ્યોમમાં શોભતા.’

ચર્ની રોડ સ્ટેશન આગળ આપણે ઊભા રહ્યા અને આપણને સરસ્વતીચંદ્રની ઘોડાગાડી મળી. તેના લેખક ગોવર્ધનરામ મળ્યા, મનસુખરામ ત્રિપાઠી મળ્યા, નરસિંહરાવ દિવેટિયા મળ્યા. હજી આવતે અઠવાડિયે પણ આપણે ત્યાં જ ઊભા રહેવાના છીએ અને આપણને મળશે આપણી ભાષાના એક મહાન લેખક. પણ તેઓ લેખક ઉપરાંત બીજું પણ ઘણું ઘણું ઘણું હતા. તેમની વાત હવે પછી.

Whatsapp-channel Whatsapp-channel

24 October, 2020 06:33 PM IST | Mumbai | Deepak Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK