ગુજરાતમાં તેરમી સદીમાં ચાલુક્ય વંશના રાજાના રાજ વખતે દુતાંગત નામનું એક છાયા નાટક ચાલતું એ પણ શૅડો પપેટ્રીનો જ પ્રકાર હતો.

ડૉ. પ્રણવ વ્યાસ
મૂળ અમરેલીના શિક્ષક ડૉ. પ્રણવ વ્યાસે પપેટ્રીની દિશામાં જે કામ કર્યું છે એને શબ્દોમાં પૂરો કદાચ ન્યાય પણ ન આપી શકાય. જે આર્ટ ભારતની દુનિયાને દેન છે અને આખા વિશ્વમાં બાળકોના એજ્યુકેશનનો અભિન્ન અંગ બનતી જાય છે ત્યારે આપણા દેશનાં ૧૪ રાજ્યમાં એક સમયે ડેવલપ થયેલું આ આર્ટ ફૉર્મ હવે લુપ્ત થવાના આરે છે જેને બચાવવાની પૂરી કોશિશ ડૉ. પ્રણવ વ્યાસ કરી રહ્યા છે
તમે પણ નાનપણમાં ક્યારેક પપેટ્રીનો શો જોયો હશે. આજે પણ પપેટ્રીની દુનિયા બાળકો માટે એવા જ આકર્ષણનું કેન્દ્ર છે, પરંતુ અફસોસ થશે તમને જાણીને કે ધીમે-ધીમે આપણા દેશનાં ઘણાં રાજ્યોનો પૂતળી કળાનો વારસો નષ્ટ થવા જઈ રહ્યો છે. પૂતળી કળા દ્વારા જ્ઞાનને પીરસવાનું અદ્ભુત કાર્ય અમરેલીની પ્રાઇમરી સ્કૂલના શિક્ષક ડૉ. પ્રણવ વ્યાસ છેલ્લાં વીસેક વર્ષથી તો કરી જ રહ્યા છે. અનાયાસ જ પૂતળી કળાને શીખવાનો લહાવો મળ્યો અને એ પછી એમાં વધુને વધુ ઊંડા ઊતરતા ગયા. પૂતળી કળા વિષય પર જ તેમણે ડૉક્ટરેટની પદવી હાંસલ કરી અને આજે ભારતભરની અને વૈશ્વિક સ્તરે પપેટ્રીની દુનિયાનો ઊંડો અભ્યાસ કરી એનો પ્રચાર, પ્રસાર તેઓ કરી રહ્યા છે. દેશભરમાં તેઓ અઢળક પપેટ્રી શો કરી ચૂક્યા છે અને આવતી કાલે શનિવારે કાંદિવલીમાં સાહિત્ય અને કળા વારસાની જુદા જ સ્તરની સેવા કરી રહેલી સંસ્થા સંવિત્તિ દ્વારા આયોજિત કાર્યક્રમમાં તેઓ મુખ્ય વકતા તરીકે હાજરી આપશે અને ‘પૂતળી કળાના જ્ઞાનસભર પમરાટ’ વિષય પર પોતાનું વક્તવ્ય, અનુભવ અને શોધ-સંશોધનોને લોકો સમક્ષ પ્રસ્તુત કરશે. પૂતળી કળા શું છે અને દુનિયાભરમાં પૂતળી કળાને લઈને શું સ્થિતિ છે એ વિષય પર રોમાંચક વાતો પ્રણવભાઈ સાથે કરીએ.
અનાયાસ જોડાયા
હું ડ્રોઇંગનો શિક્ષક એટલે ડ્રોઇંગ સાથે મેળ ખાતું જે કંઈ આવે એમાં મને રસ પડે એમ જણાવીને પોતાની જર્ની વિશેની વાત કરતાં પ્રણવભાઈ કહે છે, ‘૨૦૦૩માં એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ તરફથી એજ્યુકેશનમાં પપેટ્રીનો શું રોલ હોઈ શકે એની એક ટ્રેઇનિંગ વર્કશૉપ હતી જે મેં અટેન્ડ કરી. એમાં હું બહુ ઝડપથી એ આર્ટ શીખી ગયો. એ પછી તો સેન્ટર ફૉર કલ્ચરલ રિસોર્સિસ ઍન્ડ ટ્રેઇનિંગ અંતર્ગત જુદા-જુદા રાજ્યમાં ટ્રેઇનિંગ લેવાનું પણ બન્યું. એ દરમ્યાન મેં મારી શાળા, અન્ય એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સાથે જોડાઈને બાળકોને મનોરંજન સાથે જ્ઞાન મળે એ માટેના પપેટ શો ઑર્ગેનાઇઝ કરવાનું શરૂ કરી જ દીધેલું. એ દરમ્યાન અન્ય શિક્ષકોને ટ્રેઇન કરવાનું કામ પણ મને રાષ્ટ્રીય સંસ્થા દ્વારા સોંપવામાં આવ્યું અને જાણે કે જીવનની આખી દિશા જ ફેરવાઈ ગઈ હોય એમ લાગ્યું. મને આ શોને બહેતર બનાવવા શું કરી શકાય એના જ વિચારો આવે અને કંઈક નવા-નવા પ્રયોગો મેં કર્યા અને અકલ્પનીય રિસ્પૉન્સ મને બાળકો જ નહીં પણ દરેક ઉંમરના લોકો પાસેથી મળ્યો છે આજ સુધી.’
અદ્ભુત કળા
પ્રણવભાઈએ ગુજરાત રાજ્યની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ સાથે આપણા પરંપરાગત આર્ટ ફૉર્મથી બાળકોને મનોરંજન સાથે સુશિક્ષિત કરવાના અઢળક સફળ પ્રયોગો કર્યા છે. પપેટ્રી આર્ટની ખાસિયત વિશે વાત કરતા તેઓ કહે છે, ‘આપણે ત્યાં રાજસ્થાનની કઠપૂતળી આર્ટ ખાસ્સી પૉપ્યુલર છે જેને આપણે સ્ટ્રિંગ પપેટ કહીએ છીએ. એટલે કે દોરીના માધ્યમથી કઠપૂતળીઓનો શો પ્રસ્તુત થાય. જોકે એના કુલ ચાર પ્રકાર છે. ગ્લવ પપેટ, સ્ટ્રિંગ પપેટ, રોડ પપેટ અને શૅડો પપેટ. તમને જાણીને નવાઈ લાગશે કે ભારતનાં કુલ ૧૪ રાજ્યોમાં કઠપૂતળીની આર્ટ હતી એટલું જ નહીં, આજથી લગભગ ત્રણેક હજાર વર્ષ પહેલાંની મોહેં જો દારો સંસ્કૃતિના જે અવશેષો મળ્યા છે એમાં પણ પપેટ કળાના અંશ નોંધાયા છે. ઓડિશા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, ઉત્તર પ્રદેશ, મણિપુર, સિક્કિમ, આસામ જેવાં ૧૪ રાજ્યોમાં પપેટ્રી આર્ટ ફુલ ફ્લેજ્ડ વિકસિત હતી એના દાખલાઓ મળે છે. જનજાગૃતિ માટે આ પરંપરાગત આર્ટે અદ્ભુત કામ કર્યું હતું, પરંતુ આજે ઘણાં ક્ષેત્રોમાં આ કળા લગભગ નષ્ટ થવાના આરે છે. રિસર્ચ દરમ્યાન મને ખબર પડી કે સાઉથમાં એક એવી શાળા હતી જ્યાં દરેકે દરેક વિષય માત્ર પપેટ્રીના માધ્યમથી જ ભણાવવામાં આવતો. પરંતુ આગ લાગવાની એક ઘટનામાં એ શાળા સંપૂર્ણ બળીને નષ્ટ થઈ ગઈ અને એની સાથે એના પપેટ્રીનાં પપેટ પણ ખલાસ થઈ ગયાં પરંતુ અમુક બે-ચાર અવશેષો રહી ગયા. એને મદ્રાસના મ્યુઝિયમમાં સાચવવામાં આવ્યા છે. આપણા અમદાવાદમાં એક પારસી લેડી મહેરબેન કૉન્ટ્રૅક્ટર હતાં જેઓ સ્કૂલમાં ટીચર હતાં અને તેઓ એજ્યુકેશનલ ટૂલ તરીકે વર્ષો પહેલાં પપેટનો ઉપયોગ કરતાં હતાં. બીજો એક રેફરન્સ મળે છે કે ગુજરાતમાં તેરમી સદીમાં ચાલુક્ય વંશના રાજાનું રાજ ચાલતું ત્યારે દુતાંગત નામનું એક છાયા નાટક ચાલતું એ પણ આ શૅડો પપેટ્રીનો પ્રકાર હતો. આમ જોવા જઈએ તો વૈશ્વિક સ્તરે પપેટ્રી આર્ટની ઉત્પત્તિ, વિકાસ અને વિસ્તાર ભારતમાં જ થયાં અને પછી ધીમે-ધીમે ઘણા દેશોમાં એનો વ્યાપક ઉપયોગ શરૂ થયો. જોકે આપણી કમનસીબી કે આપણે આ આર્ટને જોઈએ એવો ન્યાય ન આપી શક્યા.’
દુનિયાભરમાં ડિમાન્ડ
બાળ શિક્ષણમાં તો પપેટ્રીને અકલ્પનીય રીતે દુનિયાના દેશોએ અપનાવી લીધી છે. પ્રણવભાઈ કહે છે, ‘સાઉથ આફ્રિકા હોય, જપાન, અમેરિકા, ઑસ્ટ્રેલિયા, ન્યુ ઝીલૅન્ડ જેવા ઘણા દેશો છે જ્યાં બાળકોની એજ્યુકેશન સિસ્ટમમાં પપેટ્રી વણાઈ ગયું છે. ઇન ફૅક્ટ ત્યાંની ટીચર્સ ટ્રેઇનિંગના કરિક્યુલમમાં પપેટ્રી કમ્પલ્સરી સબ્જેક્ટ હોય છે. ઇન્ડોનેશિયામાં પપેટ્રીના ઉપયોગ સાથે રામાયણ અને મહાભારત ભજવાય છે. આપણા પાડોશી દેશ પાકિસ્તાનમાં દર ત્રણ વર્ષે પપેટ્રી ફેસ્ટિવલ થાય છે. પૂતળી કળા આટલી વ્યાપક હોય અને જે દેશે એને જન્મ આપ્યો છે એમાં જ અમુક પ્રકારો જો નામશેષ થવા આવ્યા હોય તો આપણે જાગવું જોઈએ કે નહીં?’
પ્રણવભાઈનો આ પ્રશ્ન વાજબી છે અને વિચારણીય પણ છે. જોકે તેમણે તો તેમના સ્તરે એના પર કામ કરવાનું પણ શરૂ કરી દીધું છે. પપેટ્રીમાં પીએચડી જે રીતે તેમણે કર્યું છે એ જ તેમના પ્રત્યે માન જગાડવા માટે સમર્થ છે. એમાં તેમણે કરેલાં અન્ય કાર્યો તો મુઠ્ઠીઊંચેરાં છે જ. તેમની પીએચડીના થીસીસમાં તેમણે કઠપૂતળીના ઇતિહાસથી લઈને આજ સુધીની એની વ્યાપકતા સાથે શિક્ષણ, મનોરંજન, જનજાગૃતિમાં આ કળાનું યોગદાન અને ૨૧ વાર્તાઓ જે કઠપૂતળી ફૉર્મેટમાં રજૂ કરવાની સાથે અનેક મહત્ત્વપૂર્ણ બાબતનો સમન્વય તેમણે કર્યો છે. પોતાના જીવનના ધ્યેયને અનુલક્ષીને પ્રણવભાઈ કહે છે, ‘જે કળાએ જનજાગૃતિનું ઉમદા કાર્ય અનેક સૈકાઓ સુધી કર્યું છે આજે એને બચાવવા માટે જનજાગૃતિની આવશ્યકતા ઊભી થઈ છે અને એ માટેના મારા પ્રયાસો છે. હું મારા ઘર સાથે એક પપેટ સ્ટુડિયો ડેવલપ કરી રહ્યો છું જ્યાં લુપ્ત થઈ રહેલી આ આર્ટના અવશેષોનું સંવર્ધન થાય, એક એજ્યુકેશનલ સેટઅપ બનાવવાની પણ મારી ઇચ્છા છે જ્યાં જિજ્ઞાસુઓ આવીને ભણી શકે, ટ્રેઇન થઈ શકે અને એ વિષય પર રિસર્ચ કરી શકે. મેં આખું એક થિયેટર જેવું સેટઅપ ઊભું કર્યું છે અને હું જ્યાં પણ શો કરવા જાઉં ત્યાં આ સેટઅપ મારી સાથે હોય. ધારો કે હું જંગલની કોઈ વાર્તા કરવાનો હોઉં તો પીવીસી પાઇપથી બનેલી એક સ્ક્રીન જેવા સેટઅપ ફ્રેમમાં જંગલ જેવું ઍટ્મોસ્ફિયર ચિત્રો દ્વારા ઊભું કરવામાં આવ્યું હોય. ફ્રન્ટલાઇન અને બૅકડ્રૉપમાં સ્ટોરી સાથેનું વિઝ્યુઅલ જ્યારે દેખાય ત્યારે લોકો વધુ ઝડપથી કનેક્ટ થતા હોય છે. મારા પોતાનાં અભ્યાસો અને સર્વેક્ષણો છે કે બાળકો પરંપરાગત શિક્ષણપદ્ધતિને બદલે કોઈ વિષય પપેટ્રી આર્ટથી ભણાવો તો વધુ સારી રીતે જ્ઞાન ગ્રહણ કરી શકે છે. તેમના માટે એ જૉયફુલ લર્નિંગ બની જાય છે.’ શૅડો, રોડ અને ગ્લવ્સ પપેટ્રીમાં ડૉ. પ્રણવની માસ્ટરી છે અને આ જ્ઞાન વારસાનો વધુને વધુ પ્રસાર થાય અને વધુને વધુ લોકો આ આર્ટને બચાવવાની દિશામાં જાગૃતિ કેળવે એવા પ્રયાસો તેઓ પોતાના સ્તર પર અદ્ભુત રીતે કરી રહ્યા છે.
વધુ જાણવું છે આ વિષય પર?
‘સંવિત્તિ દ્વારા ‘પૂતળી કળા’ વિષય પર યોજાઈ રહેલો ડૉ. પ્રણવ વ્યાસનો કાર્યક્રમ અટેન્ડ કરવો હોય તો આ રહી વિગતો. કાર્યક્રમનું સ્થળ : કે. ઈ. એસ. ઇન્ટરનૅશનલ સ્કૂલ ગ્રાઉન્ડ ફ્લોર, ઈરાનીવાડી નંબર-૪, એશિયન બેકરીની સામેની ગલીના બીજા છેડે, કાંદિવલી - વેસ્ટ. ૨૭ મે, શનિવાર સાંજે પાંચથી સાત વાગ્યે.