Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > તમે ક્યારેય કોઈની પાસે લિફ્ટ લીધી છે?

તમે ક્યારેય કોઈની પાસે લિફ્ટ લીધી છે?

20 May, 2023 01:18 PM IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

આજે કેટલાક એવા ગુજરાતીઓ સાથે વાત કરીએ જેમણે સાવ અજાણી વ્યક્તિ સાથે તેની ગાડીમાં બેસીને ક્યાંક પહોંચવાનો અનુભવ લીધો છે અને સમયને સાચવવા બદલ લિફ્ટ આપનાર એ વ્યક્તિને ભગવાનતુલ્ય પણ ગણ્યા છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


અમિતાભ બચ્ચને ટ્રાફિકથી બચવા બાઇકવાળા પાસે લિફ્ટ લેવાનો સ્ટન્ટ કર્યો ને પછી જે જફા થઈ એ સમજાય પણ સામાન્ય માણસ ક્યારેક અજાણી વ્યક્તિ પાસે લિફ્ટ લેવા કે આપવા જાય તો ઊલમાંથી ચૂલમાં પડવાનો ભય તો રહે જ છે. જોકે આજે કેટલાક એવા ગુજરાતીઓ સાથે વાત કરીએ જેમણે સાવ અજાણી વ્યક્તિ સાથે તેની ગાડીમાં બેસીને ક્યાંક પહોંચવાનો અનુભવ લીધો છે અને સમયને સાચવવા બદલ લિફ્ટ આપનાર એ વ્યક્તિને ભગવાનતુલ્ય પણ ગણ્યા છે

દુનિયામાં આજે કોઈના પર ભરોસો કરવા જેવો રહ્યો નથી એવું કહેનારાઓનો તૂટો નથી તો બીજી બાજુએ લિફ્ટના નામે ગાડી ઊભી રખાવીને લૂંટીને જતા રહ્યા હોય એવા કિસ્સાઓ પણ સાંભળવા મળતા હોય છે. ત્યારે સંકટના સમયે કોઈ રાહબર બનીને આવે અને તમને તમારા નિયત સ્થાન પર પહોંચાડે એ બનાવ માણસાઈ પર ફરી ભરોસો કરવા પ્રેરેને? એવા જ કેટલાક રોચક કિસ્સાઓ સાથે કેટલાક ગુજરાતીઓ શૅર કરે છે પોતાના મજેદાર અનુભવો.



મોટરમૅન બન્યો મદદનીશ


મલાડમાં રહેતા યોગેશ મહેતા પોતાની સાથે વીસ વર્ષ પહેલાં બનેલી ઘટનાને આજ સુધી ભૂલી નથી શક્યા. એ મોટરમૅનનો ચહેરો આજે પણ તેમની આંખો સામે તરવરે છે. ટ્રેનમાં મોટરમૅને લિફ્ટ આપી બોલો! આવું શક્ય છે? યોગેશભાઈ સાથે આવું કેવી રીતે બન્યું એ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘એમાં બન્યું એવું કે અચાનક મને ખબર મળ્યા કે મારા પિતાજી સિરિયસ છે. આ સાંભળ્યા પછી મને કોઈ સાનભાન નહોતું. તાત્કાલિક તેમની પાસે જવું હતું એટલે મલાડ મારા ઘરેથી ઍરપોર્ટ ગયો અને એમ વિચારેલું કે પહેલી ફ્લાઇટમાં વડોદરા કે અમદાવાદ પહોંચવું. પણ કમનસીબે એ દિવસે કોઈ ફ્લાઇટમાં ટિકિટ્સ અવેલેબલ નહીં એટલે સવાર સુધી રાહ જોવી જ પડે એમ હતું. હું પોતે એવો બેભાન જેવી સ્થિતિમાં હતો કે શું કરું છું અને ક્યાં જાઉં છું એ સમજાતું નહોતું. ઍરપોર્ટથી બાય રોડ ઘરે જવાને બદલે હું ધૂનમાં ને ધૂનમાં પ્લૅટફૉર્મ પર પહોંચ્યો. ત્યાં ગાડી અને ભીડ જોઈને થોડીક અલર્ટનેસ આવી. પછી થયું કે હવે શું કરું? ટ્રેનમાં તો એવી ભીડ કે મારી બૅગ લઈને ચડવું અશક્ય હતું. ટ્રેનનો પહલો ડબ્બો હતો ત્યાં મોટરમૅન અથવા તો તેનો ગાર્ડ ગેટ પાસે ઊભો હતો. મારી રડમસ આંખો જોઈને તેણે મને ઊભો રાખ્યો. મેં આખી વાત કરી. તો તેણે મને કહ્યું અહીં અંદર આવી જાઓ. તેણે ચોખવટ પણ કરી કે આમ મોટરમૅનની કૅબિનમાં બેસવું ગેરકાયદે ગણાય, પરંતુ તમારી પરિસ્થિતિ જોતાં તમને અંદર લઉં છું. મારી બૅગ પણ ઊંચકીને તેણે અંદર લીધી. એ પછી પાર્લાથી મલાડ સુધી તેણે પોતાના બાળપણની અને ગામની વાતો કરી. ખરું કહું તો મને કોઈ રસ નહોતો પડતો પણ છતાં હું ધ્યાન આપતો હતો. પછી જ્યારે મલાડ આવ્યું ત્યારે તેણે મને શું કહ્યું, ખબર છે? મારી વાતો હું માત્ર તમારું ધ્યાન ડાઇવર્ટ કરવા માટે કરતો હતો. સાચું કહું તો એ લિફ્ટ મારા જીવનની યાદગાર ક્ષણ હતી. માણસાઈ હજીયે જીવે છે એનાં દર્શન મને એ મોટરમૅનમાં થયાં.’


એવી જ રીતે અડાજણમાં રિક્ષા ગોતતી વખતે એક હાઈ-એન્ડ કારચાલકે પણ યોગેશભાઈને લિફ્ટ આપેલી. જોકે પછી નિયત સ્થાને ઉતારતી વખતે એ ઑફિસર લેવલના વ્યક્તિએ તેમની પાસેથી પચાસ રૂપિયા ભાડું પણ લીધું હતું.

ભગવાનનાં દર્શન

અનેક સામાજિક કાર્ય સાથે સંકળાયેલા વિપુલ શાહ ગયા વર્ષે પોતાની સાથે બનેલી ઘટના યાદ કરતાં આજે પણ ગદ્ગદ થઈ જાય છે. એક સામાન્ય ટેમ્પો-ડ્રાઇવર પણ કેવા ઉચ્ચ કોટીના માનવીય ગુણો ધરાવતો હોઈ શકે એનો અનુભવ તેમને ત્યારે થયો હતો. વિપુલભાઈ કહે છે, ‘ગયા વર્ષે કોઈ એક દિવસ હતો જ્યારે ખૂબ વરસાદ પડ્યો હતો અને ટ્રેનો બંધ થઈ ગઈ. એ સમયે મસ્જિદ બંદરથી શિવડી તો લગભગ અઢી કલાકે અમે પહોંચી ગયા પણ પછી શિવડીમાં ખબર પડી કે હવે ટ્રેન આગળ નહીં જાય. પાટા પર ઊતર્યા તો ઘૂંટણ જેટલાં પાણી ભરાયેલાં હતાં. શિવડીથી વડાલા ચાર રસ્તા પર પહોંચ્યા તો પાણીનું લેવલ કમર સુધી પહોંચી ગયું હતું. એ સમયે અમે ટ્રકમાં બેસાડી-બેસાડીને સિનિયર સિટિઝનો અને અન્ય સહયાત્રીઓને માટુંગા સુધી પહોંચાડવાનું બીડું ઝડપ્યું હતું. બધા જ નીકળી ગયા પછી છેલ્લે અમે ચાર મિત્રો બાકી રહ્યા હતા. અમે ત્યાં કેમ પહોંચીશું એની કોઈ વ્યવસ્થા નહોતી. એક ટેમ્પોવાળો દૂરથી આ બધું જોઈ રહ્યો હતો. વરસાદ વધી રહ્યો હતો એટલે તે અમારી પાસે આવ્યો અને કહે, ‘આપને સબકો પાની, બિસ્કિટ, સમોસા ઓર પૈસા ભી દિયા હૈ પર આપ કૈસે ઘર જાઓગે? આપ રહતે કહાં હો? અમે કહ્યું સાયન. થોડોક વરસાદ અટકશે એટલે ચાલીને જતા રહીશું. તો એ કહે કે મૈં આપકો કિંગ્સ સર્કલ સિગ્નલ તક છોડતા હૂં. તે પાણીમાં બધાં જ ટાયર ડૂબી જાય એવી જગ્યાએ પોતાનો ટેમ્પો લઈને અમને લેવા આવ્યો. અમે કહ્યું, ઇતને પાની મેં આપ અટક જાઓગે. તો એ કહે કે ઉપરવાલા બેઠા હૈ ના, વો મદદ કરેગા. ગણપતિબાપ્પાનું નામ લઈને ટેમ્પો ઉપાડ્યો અને અમને ઑલમોસ્ટ બિલ્ડિંગની બહાર સુધી ઉતારી ગયો. અમે તેને પૈસા આપ્યા તો તેણે ન જ લીધા. કહે કે આપ ઇસ સે ઔર લોગોં કી મદદ કરના. એ દિવસે જો એ ટેમ્પો-ડ્રાઇવર ન આવ્યો હોત તો અમારામાંથી કોઈ ચોક્કસ બીમાર પડ્યું હોત એવો વરસાદ હતો. એ દિવસે જાણે ભગવાન સાક્ષાત મદદે આવ્યા હોય એવું લાગ્યું.’

બહુ જ નસીબદાર

કાંદિવલીમાં રહેતા પંકજ સંઘવી પાસે પોતાની કાર નથી પરંતુ એ પછીયે તેમને ક્યાંક જવું હોય તો તેમને કોઈ કારચાલકનો સંગાથ મળી જ રહેતો હોય છે. ખાસ તો તેમના પાડોશી ભાવેશ પોંદા દર વખતે તેમને સ્ટેશન માટે લિફ્ટ આપતા હોય છે. પંકજભાઈ કહે છે, ‘ભાવેશભાઈ તો મને જ નહીં, મારા સિવાયના પણ ઘણા લોકોને લિફ્ટ આપતા હોય છે. તેઓ પોતાનો સમય ખોટી કરીને કોઈને આવવું હોય તો રાહ પણ જુએ. ઘણી વાર બહારના એવા લોકો પણ મને મળ્યા છે જેમની સાથે આંખોની ઓળખાણ હોય છતાં તેમની મદદ કરવાની તત્પરતા તમને અચંબામાં મૂકી દેતી હોય છે. અફકોર્સ, સાવ અજાણી વ્યક્તિની ગાડીમાં બેસવામાં સો ટકા મનમાં ચિંતા થાય.પણ આજેય સારા માણસો છે, જે શક્ય થાય એ રીતે મદદ કરવા માટે આતુર હોય છે.’

આવો જ અનુભવ દાદરમાં રહેતી અને ઇન્વેસ્ટમેન્ટ બૅન્કર તરીકે કામ કરતી પ્રસિદ્ધિ વાંજાનો પણ રહ્યો છે. મુંબઈમાં નહીં પણ ઉત્તરાખંડ કે હિમાચલમાં તે જ્યારે સોલો ટ્રિપ પર ઊપડે ત્યારે ઘણી વાર તેણે લિફ્ટ લેવી પડતી હોય છે. પ્રસિદ્ધિ કહે છે, ‘લિફ્ટ લેવી કે નહીં એ ડિપેન્ડ કરે છે તમે કઈ જગ્યાએ છો. ધારો કે દિલ્હી કે ચંડીગઢ જેવી સિટીમાં હોઉં તો લિફ્ટની જરૂર ન પડે, કારણ કે એ માત્રામાં પબ્લિક ટ્રાન્સપોર્ટ ત્યાં અવેલેબલ હોય છે. પરંતુ પહાડી વિસ્તારોમાં જ્યાં પબ્લિક ટ્રાન્સપોર્ટની ફ્રીક્વન્સી ઓછી હોય છે ત્યારે લિફ્ટ લેવી પડતી હોય છે. ઘણી વાર એવું બન્યું છે કે જેમની પાસે લિફ્ટ લીધી હોય તેમની સાથેનો પરિચય કાયમી બની ગયો હોય. કોઈ થોડાક પૈસા લઈને પણ તમને છોડી દે, કોઈક જરાય પૈસા પણ ન લે. જોકે જ્યારે તમે અજાણ્યા સાથે થોડુંક રિસ્ક લઈને પણ આ રીતે ડીલ કરો ત્યારે ડેફિનેટલી ‘ઇન્સાનિયત અભી ઝિંદા હૈ’વાળો અનુભવ થતો હોય છે.’

પ્રસિદ્ધિ વાંજા

ઘણી વાર એવું બન્યું છે કે જેમની પાસે લિફ્ટ લીધી હોય તેમની સાથેનો પરિચય કાયમી બની ગયો હોય. કોઈ થોડાક પૈસા લઈને પણ તમને છોડી દે, કોઈક જરાય પૈસા પણ ન લે. દરેક વખતે માનવતા જીવે છે એવું લાગે.  

Whatsapp-channel Whatsapp-channel

20 May, 2023 01:18 PM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK