થાઇલૅન્ડ-કમ્બોડિયા યુદ્ધમાં ૧૪ લોકોનાં મૃત્યુ અને ૪૬ ઘાયલ, લાખો નાગરિકોનું પલાયન
ગઈ કાલે બૉર્ડર વિસ્તારમાંથી પલાયન કરતા થાઇલૅન્ડના લોકો અને કમ્બોડિયાના હુમલામાં તારાજ થઈ ગયેલી એક સુપરમાર્કેટ.
થાઇલૅન્ડ અને કમ્બોડિયા વચ્ચે સરહદ પર આવેલા વર્લ્ડ હેરિટેજ સાઇટ ગણાતા વિશાળ પ્રાચીન મંદિર પરિસરનો વિવાદ યુદ્ધમાં પરિણમ્યો છે. બન્ને દેશોની સેના સરહદ પર રૉકેટ સહિતનાં ભારે હથિયારો સાથે તહેનાત છે અને સતત ફાયરિંગ ચાલી રહ્યું છે. કમ્બોડિયાના રૉકેટ-હુમલામાં થાઇલૅન્ડના ઓછામાં ઓછા ૧૪ નાગરિકોનાં મૃત્યુ થયાં છે અને ૪૬ લોકો ઘાયલ થયા છે. સરહદની બન્ને બાજુએ લાખો લોકોનું પલાયન ચાલુ છે. મંગળવારે કમ્બોડિયાના રૉકેટ-હુમલા સામે થાઇલૅન્ડે કમ્બોડિયાના મિલિટરી ટાર્ગેટ્સ પર ઍર-સ્ટ્રાઇક્સ કરી હતી ત્યારથી બન્ને દેશો વચ્ચેનો સંઘર્ષ વ્યાપક યુદ્ધની સ્થિતિમાં ફેરવાઈ ગયો છે. થાઇલૅન્ડે સરહદ પરના ૮ પ્રાંતમાં માર્શલ લૉ અમલી બનાવી દીધો છે. ભારતીય દૂતાવાસે પણ આ પરિસ્થિતને ધ્યાનમાં લઈને થાઇલૅન્ડના પ્રવાસે જતા ભારતીયો માટે ઍડ્વાઇઝરી જાહેર કરીને જોખમી ૭ પ્રાંતમાં પ્રવાસ ટાળવાની વિનંતી કરી છે.
ગઈ કાલે મલેશિયાએ કરેલા સીઝફાયરના પ્રપોઝલને પોતે સૈદ્ધાંતિક રીતે સ્વીકારે છે એવું થાઇલૅન્ડે સોશ્યલ મીડિયા પર જાહેર કર્યું હતું, પણ એને હકીકતમાં બદલવા માટે જમીન પરની પરિસ્થિતિ બદલાય એ જરૂરી છે એવું પણ કહ્યું હતું.
ADVERTISEMENT
કમ્બોડિયા : થાઇલૅન્ડે ક્લસ્ટર બૉમ્બ વાપરીને આંતરરાષ્ટ્રીય કાયદો તોડ્યો
થાઇલૅન્ડ : અમે ક્લસ્ટર બૉમ્બના કાયદા પર સહી જ નથી કરી
થાઇલૅન્ડ અને કમ્બોડિયાના યુદ્ધમાં હવામાં જઈને એક મોટા બૉમ્બમાંથી અનેક નાના બૉમ્બમાં પરિવર્તિત થતા ક્લસ્ટર બૉમ્બ પણ ચર્ચાનો વિષય બન્યા હતા. ગઈ કાલે યુદ્ધ દરમ્યાન કમ્બોડિયાએ એવો આરોપ મૂક્યો હતો કે થાઇલૅન્ડે આંતરરાષ્ટ્રીય કાયદા દ્વારા પ્રતિબંધિત ક્લસ્ટર બૉમ્બનો ઉપયોગ કર્યો છે. એની સામે થાઇલૅન્ડે જવાબ આપ્યો હતો કે થાઈ સત્તાધીશોએ ક્લસ્ટર બૉમ્બ સંબંધિત આંતરરાષ્ટ્રીય કન્વેન્શન પર સહી નથી કરી. ઉપરાંત ક્લસ્ટર બૉમ્બનો ઉપયોગ સામાન્ય નાગરિકો વિરુદ્ધ કરવા પર પ્રતિબંધ છે, જ્યારે થાઇલૅન્ડે એનો ઉપયોગ મિલિટરી ટાર્ગેટ્સના વિનાશ માટે જ કર્યો છે.


