નિષ્ણાતો કહે છે કે ન્યુલી સિંગલ વ્યક્તિ માટે આ થેરૅપ્યુટિક અને હીલિંગ ટેક્ટિક છે. પાર્ટનરના રિજેક્શનને કારણે કે દગાબાજીને કારણે હલબલી ગયેલા કૉન્ફિડન્સને ફરી બિલ્ડ કરવાનું ડિવૉર્સ ફોટોગ્રાફીથી શક્ય છે.

ડિવૉર્સ ફોટોશૂટ
હા, આજકાલ પ્રી-વેડિંગ ફોટોશૂટની જેમ છૂટાછેડા લેનારી વ્યક્તિ પોતાના જીવનને નવેસરથી જીવવાનો આનંદ માણવાની શરૂઆત આ પ્રકારના ફોટોશૂટથી કરી રહી છે. વિદેશમાં ડિવૉર્સ ફોટોગ્રાફીનો ટ્રેન્ડ જોરમાં છે. નિષ્ણાતોની દૃષ્ટિએ જીવનના કડવા અનુભવોથી બહાર આવવામાં સાઇકોલૉજિકલી આની બહુ જ પૉઝિટિવ અસર પડી શકે છે
થોડા સમય પહેલાં લંડનમાં રહેતી બે બાળકોની મમ્મી સોનિયા ગુપ્તાએ ૧૭ વર્ષના લગ્નજીવનનો અંત લાવીને રેઇનબો અને યુનિકૉર્ન થીમ સાથેની પાર્ટી આપી હતી. ‘ફાઇનલી ડિવૉર્સ્ડ’નો હાશકારો તેમની પાર્ટીની થીમમાં પણ રિફ્લેક્ટ થતો હતો અને તેમણે પડાવેલા ફોટોમાં પણ. છૂટાછેડાને હવે સમાજમાં સહજ રીતે લેવાઈ રહ્યા છે અને લોકો પણ ખૂલીને પોતાના સંબંધના અંત વિશે વાત કરતા થયા છે. આમાં કંઈ નવું નથી. જોકે નવીનમાં એ છે કે છૂટાછેડાને સેલિબ્રેટ કરવાની સાથે એને લગતા વિશિષ્ટ ફોટોશૂટની ડિમાન્ડ ખૂબ વધી છે. ઇન ફૅક્ટ, પશ્ચિમી દેશોમાં ડિવૉર્સ ફોટોગ્રાફરોની એક નવી ઇન્ડસ્ટ્રી શરૂ થઈ છે. જેમ કે અમેરિકાના મિશિગન નજીક રહેતી ઍલી સિઆર્ટો નામની ફોટોગ્રાફરની સ્ટોરી ઇન્ટરેસ્ટિંગ છે. કોવિડ આવ્યો ત્યાં સુધી તેનો વેડિંગ ફોટોગ્રાફીનો બિઝનેસ જોરદાર ચાલતો હતો. વર્ષમાં પચાસેક વેડિંગ કવર કરનારી ઍલીને ૨૦૨૦ની સાલમાં માંડ આઠથી દસ નાના પાયે યોજાયેલાં લગ્નોમાં ફોટોગ્રાફીનું અસાઇનમેન્ટ મળ્યું. ફોટોગ્રાફર તરીકે સર્વાઇવ થવું અઘરું થઈ ગયું હતું એટલે તેણે રિસર્ચ અને માર્કેટિંગનાં બીજાં કામ પણ કર્યાં. એ દરમ્યાન તેના ધ્યાનમાં આવ્યું કે તેના જ કેટલાક મનપસંદ ક્લાયન્ટ્સના છૂટાછેડા થઈ ગયા હતા અને તેઓ ડિવૉર્સ પછી ફરી એક વાર પોતાનો ખોવાયેલો આત્મવિશ્વાસ પાછો મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. એ પ્રયાસમાં તેઓ નવુંનક્કોર ફોટોશૂટ પણ કરાવતા હતા. એમાં જ આ વેડિંગ ફોટોગ્રાફર તરીકે જાણીતી ઍલી સિઆર્ટો હવે એક ડિવૉર્સ ફોટોગ્રાફર તરીકે પણ પૉપ્યુલર નામ બની ગયું છે. પશ્ચિમી દેશોમાં વેડિંગ ફોટોગ્રાફીની ગળાકાપ સ્પર્ધા વચ્ચે વધતી ડિમાન્ડને કારણે ઘણા ફોટોગ્રાફર્સ હવે ડિવૉર્સ ફોટોગ્રાફીની સર્વિસ આપતા થયા છે, જેમાં ડિવૉર્સી મહિલા કે પુરુષ પોતાના બેસ્ટ ડ્રેસમાં સજ્જ થયેલાં હોય છે અને પોતે હવે આગળ વધી ગયાં છે એ થીમનાં વિવિધ પ્લૅકાર્ડ્સ સાથે ફોટો પડાવતાં હોય છે. ક્યારેક વળી વેડિંગ ફોટોને આગ ચાંપીને આગળ વધતા હોય એવા પોઝ પણ આ ફોટોશૂટમાં લોકો આપતા હોય તો ક્યારેક જીવનસાથી સાથેની ફોટોફ્રેમને તોડીને આગળ નીકળી ગયાનું દૃશ્ય તેમના ફોટોમાં હોય. નિષ્ણાતો કહે છે કે ન્યુલી સિંગલ વ્યક્તિ માટે થેરૅપ્યુટિક અને હીલિંગ ટેક્ટિક, પાર્ટનર દ્વારા થયેલા રિજેક્શનને કારણે કે દગાબાજીને કારણે હલબલી ગયેલા કૉન્ફિડન્સને ફરી બિલ્ડ કરવાનું મહત્ત્વનું કામ ડિવૉર્સ ફોટોગ્રાફીથી શક્ય છે. જીવનની કડવી સચ્ચાઈને સ્વીકારીને આગળ વધવાનું નામ છે ડિવૉર્સ ફોટોગ્રાફી. ભારતમાં પણ આછકલા આવા કિસ્સાઓ નિષ્ણાતો સામે આવી રહ્યા છે ત્યારે ડિવૉર્સ ફોટોગ્રાફી શું છે, એની પાછળનાં કારણો અને એની અસરો વિશે વધુ વાત કરીએ.
ધ્યેય શું?
છૂટાછેડા ઘણા લોકો માટે ઇમોશનલ, ફાઇનૅન્શિયલ અને સોશ્યલ ટ્રૉમા બનીને રહી જતા હોય છે એવા સમયે જીવનને ફરીથી રીઇન્વેન્ટ કરવા માટે આ ખરેખર સારો પર્યાય છે એમ જણાવીને જાણીતા સાઇકિયાટ્રિસ્ટ ડૉ. કેરસી ચાવડા કહે છે, ‘જ્યારે તમારું જીવન સ્ટેગનન્ટ એટલે કે સ્થગિત થઈ ગયું હોય ત્યારે મૂવ-ઑન થવા માટે કોઈક માધ્યમની તો જરૂર દરેકને પડતી જ હોય છે. મારી દૃષ્ટિએ એમાં આ પ્રકારની ફોટોગ્રાફી દ્વારા પણ એક પગથિયું ઉપાડવું એ દિશામાં એમાં કંઈ ખોટું નથી. ઘણા લોકો ફેક રીતે પણ માત્ર દેખાડા માટે કે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરવા માટે પણ આ પ્રકારનું પગલું ભરતા હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક આપણે એને પહેલ તરીકે જોઈ શકીએ છીએ. આ ફોટોગ્રાફીને સ્પા, મસાજ કે સેલ્ફ-કૅરના બીજા રસ્તાઓ પહેલાં લોકો અપનાવતા હતા એનો જ એક ભાગ સમજી શકાય. સેપરેશન પછી વ્યક્તિ કેટલાક તબક્કામાંથી પસાર થતી હોય છે. સૌથી પહેલાં ડિપ્રેશનનો ફેઝ હોય, પછી ડિનાયલ આવે કે ના, મારી સાથે આવું થઈ જ ન શકે અને છેલ્લે ઍક્સેપ્ટન્સ આવીને વ્યક્તિ આગળ નીકળી જાય. એટલે મારી દૃષ્ટિએ આ ટ્રેન્ડ આગળ વધે તો આ હેલ્ધી ટ્રેન્ડ છે.’
કરતા શું હોય?
‘મૂવ-ઑન’, ‘હૅપીલી ડિવૉર્સ્ડ’, ‘સિંગલ અગેઇન’, ‘ફાઇનલી ડિવૉર્સ્ડ’ જેવાં કસ્ટમાઇઝ્ડ ક્વોટેશનનો ફોટોશૂટમાં ભરપૂર ઉપયોગ થતો હોય છે. ઘણી વાર સામેવાળા પાત્ર માટેની બીટરનેસ પણ ફોટોશૂટમાં રિફ્લેક્ટ થતી હોય છે તો ક્યાંક વળી નવી બિગનિંગની ફીલને મહત્ત્વ આપીને એના પર ફોકસ કરાતું હોય છે. ડૉ. ચાવડા કહે છે, ‘સોશ્યલ મીડિયા ઇમેજનું પણ હવે મહત્ત્વ વધ્યું છે. જૂના અમુક ફોટો જે તમને ભૂતકાળના સંબંધની યાદ અપાવે એને જો ડિલીટ કરતા હો ત્યારે જીવનની નવી શરૂઆતના ફોટોથી એને રિપ્લેસ કરવામાં આ ફોટોશૂટ મદદરૂપ થઈ શકે છે. નેગેટિવ મેમરીઝને મમળાવવા કરતાં આ ફોટોશૂટ નવી દિશામાં પ્રયાણ તરફ કે નવો અધ્યાય શરૂ થયાની ફીલ સાથે કરવામાં આવે અને એ જ પ્રકારની થીમને પ્રાધાન્ય આપે તો એ વધુ ઇફેક્ટિવલી વ્યક્તિની પર્સનાલિટીને નિખારવામાં મદદરૂપ બની શકે છે. એવું નથી કે માત્ર વિદેશમાં જ આ ટ્રેન્ડ છે. ઇન્ડિયામાં પણ હવે લોકો આ પ્રકારની પહેલ કરવા માંડ્યા છે અને મારી દૃષ્ટિએ તો આ ખૂબ જ પૉઝિટિવ સાઇન છે.’
આ પણ વાંચો: આવી હાલતમાં ટર્કી ફરવા જવાય?
વ્યવહારમાં તો છે જ
બની શકે કે આપણે ત્યાં ડિવૉર્સ ફોટોગ્રાફી હજી એટલી પૉપ્યુલર નથી થઈ, પરંતુ સેપરેટેડ કપલ વચ્ચે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટૅન્ડિંગ વધી છે એમાં કોઈ શક નથી એવું જાણીતા સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીનો અનુભવ છે. વિરલભાઈ કહે છે, ‘પહેલાં જ્યારે અમે કોઈ ઇવેન્ટમાં જતા અને બ્રેક-અપ થયું હોય એવા કપલને જોતા તો તેમનું એકબીજાને ઇગ્નૉર કરવાનું, એકબીજાથી જુદા ચાલવાનું તરત દેખાઈ આવતું. હવે એવું નથી. મલાઇકા-અરબાઝ હોય કે હૃતિક-સુઝેન હોય, આ ચેન્જ તમને તેમના પબ્લિક અપીઅરન્સમાં તરત દેખાશે. સેપરેટેડ પાર્ટનરની હાજરીમાં તેઓ અનકમ્ફર્ટેબલ નથી થતા એટલો બદલાવ આપણે ત્યાં આવ્યો છે એટલે આવનારા સમયમાં સેપરેશનની મોટી જાહેરાત સાથે ડિવૉર્સ ફોટોગ્રાફી કરાવવાનું ચલણ પણ વધે તો એમાં નવાઈ લાગવા જેવું કંઈ નહીં હોય. આપણા સમાજનું પણ માઇન્ડસેટ બદલાઈ રહ્યું છે.’