Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > કૉલમ > કોઈ એમ કહે કે અદાણી અને અંબાણી કરતાં તમે છગણો વધુ ટૅક્સ ભરો છો તો?

કોઈ એમ કહે કે અદાણી અને અંબાણી કરતાં તમે છગણો વધુ ટૅક્સ ભરો છો તો?

22 January, 2023 11:12 AM IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

તાજેતરમાં ‘સર્વાઇવલ ઑફ ધ રિચેસ્ટ’ના ટાઇટલ હેઠળ જાહેર થયેલા આવા ચોંકાવનારા આંકડાનો સાર એ છે કે આપણા અર્થતંત્રમાં પૈસાવાળા વધુ અમીર અને ગરીબો વધુ ગરીબ બનતા જાય છે

પ્રતીકાત્મક તસવીર

સ્પેશ્યલ સ્ટોરી

પ્રતીકાત્મક તસવીર


એવામાં સવાલ એ ઊભો થાય છે કે ખરેખર ભારતની આર્થિક નીતિઓ  કૉર્પોરેટ કંપનીઓને લાભ કરાવનારી છે કે આવા આંકડામાં તથ્ય ઓછું અને ભ્રમ વધારે છે? અર્થતંત્રને લગતી આંટીઘૂંટીઓ અને ભલભલાનાં ભવાં ચડાવી દેતા આ નવા સર્વેના ડેટાની પાછળની વાસ્તવિકતાને સરળ ભાષામાં આ ક્ષેત્રના ટૉપ નિષ્ણાતો પાસેથી સમજીએ આજે


૧૯૪૨માં બ્રિટનમાં ઑક્સફર્ડ કમિટીએ બીજા વિશ્વયુદ્ધમાં દુશ્મનોથી ઘેરાયેલા ગ્રીસમાં ભૂખમરાથી પીડાતાં મહિલાઓ અને બાળકોને ખાદ્યસામગ્રી પહોંચાડવાનું એક અભિયાન હાથ ધરેલું, જેને નામ આપેલું ઑક્સફામ (OXFAM). ૧૯૯૫માં કેટલીક સામાજિક સંસ્થાઓએ ભેગા થઈને ‘ઑક્સફામ ઇન્ટરનૅશનલ’ની રચના કરી. આ સંસ્થા ભારત સહિતના વીસ દેશો સાથે સંકળાયેલી છે. સમયાંતરે વૈશ્વિક સ્તરે આર્થિક અસમાનતાને લગતા પોતાના અભ્યાસોનો રિપોર્ટ આ સંસ્થા જાહેર કરતી રહે છે. વિશ્વના લગભગ એક ટકા રિચેસ્ટ લોકોએ દુનિયાની એક-તૃતીયાંશ જેટલી સંપત્તિ ૨૦૨૦થી અત્યાર સુધીમાં એકઠી કરી છે. આવું કહેનારી ઑક્સફામે ભારતીય અર્થતંત્ર સામે અઢળક પ્રશ્નો ઊભા કરે એવો એક સર્વે થોડાક દિવસો પહેલાં જાહેર કર્યો છે. ‘સર્વાઇવલ ઑફ ધ રિચેસ્ટ’ના ટાઇટલ હેઠળ જાહેર થયેલો આ રિપોર્ટ કહે છે કે ‘ભારતમાં સૌથી ધનિક હોય એવા ૧ ટકા લોકો પાસે દેશની ૪૦ ટકા સંપત્તિ છે. તળિયાની ૫૦ ટકા વસ્તી પાસે માત્ર ત્રણ ટકા સંપત્તિ છે. ટૅક્સને લગતી માહિતી વિશે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર અમીરો કરતાં ગરીબો અને મધ્યમ વર્ગ પર વધુ ટૅક્સ લાદી રહી છે. ૨૦૨૧-’૨૨ના વર્ષમાં જીએસટીમાં થયેલી કુલ આવકમાંથી (૧૪.૮૩ લાખ કરોડ) લગભગ ૬૪ ટકા ટૅક્સ ૫૦ ટકાથી ઓછી વસ્તીમાંથી આવ્યો હતાે. અંદાજને ટાંકીને રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ૩૦ ટકા જીએસટી મધ્યમ વર્ગ પાસેથી આવે છે અને ઇન્કમ અને વેલ્થની દૃષ્ટિએ જે ટૉપનો દસ ટકા વર્ગ છે તેમની પાસેથી માત્ર ૩ ટકાનો ટૅક્સ વસૂલાય છે અને ૫૦ ટકા વસ્તી છગણોથી વધુ ઇન્ડાયરેક્ટ ટૅક્સ ચૂકવે છે. કેટલાક નિષ્ણાતો એમ પણ માને છે કે આ પ્રકારના વિદેશી સર્વેનો માત્ર આપણા દેશની ઇકૉનૉમીને નબળી પાડવા અથવા તો વર્લ્ડ પૉલિટિક્સમાં આપણા દેશનો ગ્રોથ ધીમો પાડવા માટે છે તો કેટલોક વર્ગ એવું પણ માને છે કે સીધેસીધો આ સર્વેને કન્સિડર ન કરીએ તો પણ આપણા દેશમાં અસમાનતા છે અને સરકાર અમુક માનીતાં કૉર્પોરેટ હાઉસને ફેવર કરી જ રહી છે. શું ખરેખર એવું છે? આપણા દેશની અર્થવ્યવસ્થાની આંટીઘૂંટી સમજવા માટે અમે આર્થિક ક્ષેત્રના અગ્રણી મહારથીઓ સાથે વાતો કરી, જે આપની સમક્ષ પ્રસ્તુત છે.આર્થિક અસમાનતા છે?


યોગેન્દ્ર યાદવ

આર્થિક અસમાનતા દરેક દેશમાં હોય, પરંતુ જે સ્તરની અસમાનતા આપણે ત્યાં જોવા મળી રહી છે એ અકલ્પનીય છે. આ સંદર્ભે દેશના અગ્રણી સામાજિક ચળવળકાર અને રાજનીતિજ્ઞ યોગેન્દ્ર યાદવ કહે છે, ‘આપણા દેશમાં એક ફેઝ એવો હતો જ્યારે ગરીબ અને અમીર વચ્ચેનો ગૅપ  હોવા છતાં ગરીબ વધુ ગરીબ બની રહ્યો હોય અને અમીર વધુ અમીર બનતો જતો હોય એવું નહોતું. આ ગૅપ લાંબા સમય સુધી સ્ટેબલ હતો. ૧૯૯૧ લિબરલાઇઝેશન થયું એ પછી ડેવલપમેન્ટ થવાનું શરૂ થયું દેશમાં. ધીમે-ધીમે ગરીબોની સંખ્યા ઘટી. દરેક પાસે આર્થિક સ્વતંત્રતા વધી અને સાથે-સાથે ગરીબ અને અમીર વચ્ચેનો ગૅપ વધ્યો. જોકે છેલ્લાં થોડાંક વર્ષમાં આપણે ઑબ્ઝર્વ કરીએ તો ગરીબ વધુ ગરીબ બની રહ્યો છે. બહુ સમય પછી આપણે ત્યાં ગરબી રેખા નીચે હોય એવા લોકોની સંખ્યા વધી છે અને અમીરોની સંપત્તિ કલ્પના બહાર વધતી જાય છે. આવું પહેલાં ક્યારેય નથી થયું. ૧૯૯૧ પછી પૈસાવાળા વધુ પૈસાદાર થયા એ સાચું, અસમાનતા પણ વધી પરંતુ એમાં પ્રોટેસ્ટ નહોતો થતો, કારણ કે ગરીબ લોકો પણ થોડાક સધ્ધર થતા ગયા હતા. જોકે છેલ્લાં ત્રણ-ચાર વર્ષમાં જે બદલાવ આવ્યો છે એણે છેલ્લાં ૭૫ વર્ષમાં ન થઈ હોય એટલી અસમાનતા વધારી છે. ઇગ્નોર ન કરી શકાય એવો આ બહુ જ મહત્ત્વનો ડેટા છે.’


નીલેશ શાહ

જોકે આ પ્રકારના સર્વેના ડેટાને કેટલું મહત્ત્વ આપવું? અર્થશાસ્ત્રના નિષ્ણાત અને કોટક મ્યુચ્યુઅલ ફન્ડના મૅનેજિંગ ડિરેક્ટર નીલેશ શાહ કહે છે, ‘આ રિપોર્ટ સાચો હોય એ જરૂરી નથી. દુનિયાના ઘણા એવા રિપોર્ટ આવે છે જે સત્યને દર્શાવતા નથી. જેમ કે ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં શ્રીલંકા આપણાથી આગળ છે પણ આપણે અનાજ આપીએ છીએ તો ત્યાં લોકો ખાઈ શકે છે. જે દેશમાં ઍન્ટિ-ડિપ્રેસન્ટ દવાઓનું વેચાણ સૌથી વધારે છે એ જ દેશ ગ્લોબલ હૅપીનેસ ઇન્ડેક્સમાં સૌથી આગળ આવે છે. આ માપદંડ ઉપર તો આપણે હૅપીનેસ ઇન્ડેક્સ મુજબ હૅપી કન્ટ્રી ક્યારેય બની જ નહીં શકીએ, કારણ કે આપણે જ્યારે ખુશ થઈએ ત્યારે ખાઈએ, પીએ, નાચગાન કરીએ, મજા કરીએ... પણ ઇન્ડેક્સ જ એવી રીતે કૅલ્ક્યુલેટ કરે છે કે જે માણસ સૌથી વધારે ઍન્ટિ-ડિપ્રેસન્ટ દવાઓ લે છે એ સૌથી વધારે ખુશ. મારી દૃષ્ટિએ દુનિયા આપણા માટે શું કહે છે એના પર બહુ વધારે ધ્યાન આપવાની જરૂર નથી, કારણ કે દરેક જણ પોતાના બાયસ લઈને આવે છે. હવે પ્રશ્ન આવ્યો ઇનઇક્વૉલિટીનો... તો યસ, ભારત જ નહીં, આખી દુનિયામાં આર્થિક ઇનઇક્વાૅલિટી છે. આપણે ત્યાં  છે કારણ કે આપણે ત્યાં એટલી જૉબ ક્રીએટ નથી થઈ જે થવી જોઈએ અને જૉબ એટલા માટે ક્રીએટ નથી થઈ, કારણ કે આપણે લોકોને સ્કિલ નથી આપી શક્યા અથવા તો તક નથી આપી શક્યા. જો આપણે એજ્યુકેશન અને સ્કિલ સેક્ટરમાં જે રોકાણ છે એ હજી વધારતા જઈએ તો ધીમે-ધીમે લોકોને જૉબ મળશે તો ઑટોમૅટિકલી ઇન્કમ વધશે.’

પૉલિસી જવાબદાર?

જય નારાયણ વ્યાસ

આપણા દેશની આર્થિક નીતિઓનો સામાજિક અને આર્થિક ઢાંચા પર ખૂબ ઊંડો પ્રભાવ પડતો હોય છે. તો શું આપણી નીતિઓ જ એવી છે? આનો જવાબ આપતાં રાજકારણી તરીકે સક્રિય રહી ચૂકેલા લેખક અને જાણીતા અર્થશાસ્ત્રી જયનારાયણ વ્યાસ કહે છે, ‘આપણી સરકારી નીતિઓ એવી રહી છે જેમાં ધનવાન વધુ ધનવાન થાય અને ગરીબ વધુ ગરીબ બને. ટૅક્સના વિષમ નિયમોને કારણે સરકાર તમારી પાસેથી લે તો વધારે છે પણ સામે પક્ષે આપે ઓછું છે. ગરીબી રેખામાં નીચે આવતા લોકોને તમે મફત અનાજ આપો છો એ સારી વાત છે, પરંતુ શું માત્ર પાંચ કિલો ઘઉં અને ત્રણ કિલો ચોખા આપવાથી વાત પૂરી થઈ ગઈ? તમે જ કહો કે મધ્યમ વર્ગ અને નિમ્ન મધ્યમ વર્ગ માટે શું છે?  આપણા નાણાપ્રધાન વાત કરે છે કે રૂપિયો નથી ઘસાયો, પણ ડૉલર મજબૂત થયો છે. અરે, આ કંઈ વાત છે? સંસદમાં ડુંગળીની ચર્ચા ચાલતી હોય ત્યારે નાણાપ્રધાન હું લસણ-ડુંગળી ખાતી નથી જેવાં વિધાન કરે. જ્યારે સરકારમાં જ આવા મુદ્દે સંવેદનશીલતા નથી એ કઈ રીતે ગરીબો અને મધ્યમવર્ગીયનો વિચાર કરશે? અત્યારે પ્રોગ્રેસ થયો છે, પણ એક ચોક્કસ વર્ગનો. ૧૪૦ કરોડની જનતામાંથી તમને એંસી કરોડ જનતાની કોઈ પરવા જ નથી એ કેમ ચાલે? તમે રેલવે બનાવો છો, ઍરપોર્ટ બનાવો છો એ સારી બાબત છે; પરંતુ સાથે મધ્યમવર્ગીય પ્રજાની બે પૈસાની બચત થાય એવી યોજના હોવી જોઈએ તમારી પાસે. તમારા ટૅક્સનાં ધોરણો તો જુઓ?’

પ્રદીપ શાહ

આ જ સંદર્ભે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ તરીકે ગોલ્ડ મેડલ જીતેલા, હાર્વર્ડમાંથી એમબીએ કરનારા સોશ્યલ એન્ટરપ્રાઇઝ અને કેન્દ્રીય સ્તરે ઇકૉનૉમિક પૉલિસી અંતર્ગત સરકારના સલાહકાર રહી ચૂકેલા બહુરંગી પ્રતિભા ધરાવતા પ્રદીપ શાહ કહે છે, ‘વેલ્થ ઇનઇક્વૉલિટી વધી છે અને વધી રહી છે. દેશની સ્ટેબિલિટી અને હાર્મનીની દૃષ્ટિએે પણ આપણી રાષ્ટ્રીય નીતિઓમાં હવે ફેરફાર લાવવા જરૂરી છે. ખાસ કરીને તો આપણી ટૅક્સેશન પૉલિસીમાં. ઇન્ડાયરેક્ટ ટૅક્સના બદલે જો ઇન્કમ-ટૅક્સનાં ધારાધોરણ બદલાય તો બહુ મોટો બદલાવ આવી શકે એમ છે. ઇન્કમ-ટૅક્સ પ્રોગ્રેસિવ ટૅક્સ છે. પરંતુ અત્યારે સરકાર જાણે બધો મદાર ઇન્ડાયરેક્ટ ટૅક્સ પર રાખી રહી હોય એવું લાગે છે, જેની સીધી અસર આપણા દેશના આમ નાગરિકના મન્થલી બજેટ પર પડી રહી છે. આજે તમે વિચાર કરો કે તમે ગાડી લો તો પણ ૨૮ ટકા જીએસટી અને સ્કૂટર લો તો પણ ૨૮ ટકા જીએસટી. તમે ઘર વપરાશના વૉશિંગ મશીન કે ફ્રિજ લો તો ૧૮ ટકા જીએસટી. આમાં એક મધ્યમવર્ગીય વ્યક્તિ કઈ રીતે ઉપર આવે? કમ સે કમ ઇન્ડાયરેક્ટ ટૅક્સ બધા માટે સરખા ન હોવા જોઈએ. તમે બેઝિક અને મીડિયમ રેન્જની પ્રોડક્ટને કેમ બાકાત ન રાખી શકો? બીજું, સરકારની બિનવ્યવહારુ નીતિઓને કારણે હાઈ ફિસ્કલ ડેફિિસટ વધી છે. એટલે કે આવક કરતાં સરકારનો ખર્ચ વધુ છે, જેને કારણે દેશમાં ફુગાવો વધે છે, જેનો પણ ભોગ બને છે ગરીબ અને મધ્મયવર્ગીય પરિવારો. તમે કોસ્ટલ રોડ બનાવો કે પછી બુલેટ ટ્રેન શરૂ કરો, હવે આનો લાભ સામાન્ય વ્યક્તિ ત્યારે લેશેને જ્યારે તેની પાસે ગાડી ખરીદવાના કે બુલેટ ટ્રેનની મોંઘી ટિકિટ ખરીદવાના પૈસા હશે? દૂરંદેશી ક્યાં છે તમારા નિર્ણયોમાં? બીજું, કૅપિટલિઝમમાં પણ તમે સિલેક્ટિવ થઈ ગયા છો. જ્યારે મિસિસ ગાંધીએ બૅન્કોને નૅશનલાઇઝ કરી ત્યારે જે-તે સમયે માત્ર વીસ ફૅમિલીના ફરતે આખી અર્થવ્યવસ્થા કેન્દ્રિત થઈ ગઈ હતી એને બ્રેક લાગી. નાની વ્યક્તિને પણ બૅન્ક પાસેથી લોન મળતી થઈ. દરેક જણ ગ્રોથની દિશામાં વિચારી શકે એવી પાંખો મળી તેમને. આજે ખેડૂતોને સબસિડી આપો છો પણ ઘણી જગ્યાએ ગરીબ ખેડૂતો કે લૅન્ડલેસ લેબર આજે પણ ગરીબીમાં ટળવળી રહ્યા છે, કારણ કે સરકાર પાસે તેમના માટે કોઈ સહાયક યોજના જ નથી. સરકારે ગરીબ અને મધ્યમવર્ગીય લોકો માટે શું થઈ શકે એ દિશામાં બહુ જ ગહન અભ્યાસ કરવાની જરૂર છે.’

ઇનઇક્વૉલિટી રહેવાની

એક જમાનો હતો જ્યારે ભારતમાં આપણે અમીરો પર ૧૦૨.૭ ટકા ટૅક્સ નાખેલો હતો. ૯૭.૫ ટકા ઇન્કમ-ટૅક્સ અને પાંચ ટકા વેલ્થ ટૅક્સ. આગળ નીલેશ શાહ કહે છે, ‘એટલે સો રૂપિયા કમાય તો ૧૦૨ રૂપિયા પ૦ પૈસા ટૅક્સમાં આપવા પડે. તો એમાં આપણે શું ઉકાળ્યું? ૧૯૪૭માં જપાન કરતાં આપણે આગળ હતા પર કૅપિટા જીડીપીમાં. આજે જપાન ડેવલપ્ડ દેશ થઈ ગયો અને આપણે રહી ગયા. ૧૯૮૦માં આપણે ચીનથી આગળ હતા પર કૅપિટા જીડીપીમાં આજે ચીન આપણા કરતાં છગણું આગળ વધી ગયું, કારણ કે આપણે અમીરો પર ટૅક્સનું બર્ડન વધારે નાખ્યું અને અપેક્ષા એ રાખી કે વધારે ટૅક્સ રિચ લોકો ભરશે તો બધા ઇક્વલ થશે. ઇનડિરેક્ટ ટૅક્સનું બર્ડન ઑલરેડી ડિસ્ટ્રિબ્યુટેડ છે. ઘણી આઇટમ ઝીરો ટૅક્સ, કોઈક આઇટમ પર ૨૮ ટકા છે. જે નેશનની ઍવરેજ ઍન્યુઅલ ઇન્કમ બે લાખ ચાલીસ હજાર કે બે લાખ પચાસ હજાર કરોડ હોય એમાં સ્કૂટરવાળો પણ ૨૮ ટકા ભરે અને ગાડીવાળો પણ ૨૮ ટકા ભરે તો ખોટું શું છે? અને યાદ રાખજો, ઇનઇક્વૉલિટી તો હંમેશાં રહેશે. ભગવાને પાંચ આંગળી સરખી નથી આપી તો હું આખી સોસાયટીમાં પાંચ જણને કેવી રીતે સાથે કરી દઉં? જે માણસ મહેનત કરશે એ વધારે કમાશે. જે માણસ જોખમ લેશે એ વધારે કમાશે. ઍઝ અ સોસાયટી, હું એટલું કરી શકું કે કોઈ ભૂખ્યો ન સુએ. દરેકને રોટી-કપડાં-મકાન મળે. પણ હું બધાને ઍન્ટિલિયા ન આપી શકું. ઍન્ટિલિયા તો મુકેશભાઈને મળે. પણ હું એ ઍટ લીસ્ટ કરી શકું કે ફુટપાથ પર કોઈ ન સુએ. આપણે ભણતર અને ગણતર દ્વારા એ ધ્યાન રાખવાનું છે કે દરેક માણસને રોટી-કપડાં-મકાન મળે. કોને બે રોટલી મળશે અને કોઈને વીસ રોટલી મળશે કે પછી કોણ બસો સ્ક્વેર ફીટના ઘરમાં રહેશે અને કોણ બે લાખ સ્ક્વેર ફીટના ઘરમાં રહેશે એ એની મહેનત અને નસીબ નક્કી કરશે.’

મદન સબનવીસ

આ વાતને સહમતી આપે છે બૅન્ક ઑફ બરોડાના ચીફ ઇકૉનૉમિસ્ટ મદન સબનવીસ. ગ્રોથના ધ્યેય સાથે સરકાર કામ કરતી હોય ત્યારે કદાચ થોડાક અંશે આર્થિક અસમાનતા દેખાય તો એમાં વાંધો શું છે? તેઓ ઉમેરે છે, ‘આજે આપણા દેશમાં સૌથી વધુ બિલ્યનેર્સ છે. આપણા દેશના મોટા ભાગના લોકો સ્માર્ટફોન વાપરતા થઈ ગયા છે અને જો તુલના કરશો તો દર વર્ષે તમને હતા એના કરતાં બહેતર થયાનો અનુભવ થશે. શું આ ગ્રોથની નિશાની નથી? આપણે ત્યાં ઇન્વેસ્ટરો વધી રહ્યા છે. નાનાં-નાનાં સ્ટાર્ટઅપને મોટિવેટ કરવાની દિશામાં આપણે ત્યાં અનેક સ્કીમ છે. આ બધું જ ગ્રોથની વાત કરે છે. એવું નથી કે ગરીબો પ્રત્યે સરકાર બેદરકાર છે. સપોર્ટ સિસ્ટમ ગરીબો માટે પણ અન્નથી લઈને ઘર અને મેડિકલ સુવિધાઓથી લઈને વિવિધ જગ્યાએ સબસિડીઓ આપીને બનાવી છે. જોકે ગ્રોથનું ઓરિએન્ટેશન હોય ત્યારે કૅપિટલિસ્ટ અભિગમ દુનિયાના દરેક દેશે અપનાવ્યો છે. ડેવલપિંગ દેશોમાં આ મુખ્ય બાબત હોય છે.’

અદાણી-અંબાણીની સરકાર?

આ સરકાર એંસી કરોડ ગરીબોને મફત અનાજ આપે છે. આજ સુધી આવું કોઈએ કર્યું નહોતું તો પછી તમે કેવી રીતે કહી શકો કે આ અંબાણી અને અદાણીની સરકાર છે એમ જણાવીને નીલેશ શાહ કહે છે, ‘જ્યારે અમેરિકાનો પ્રેસિડન્ટ ભારતમાં આવીને પોતાનું બોઇંગનું પ્લેન વેચી જાય તો આપણે આ બોઇંગ સરકાર છે એવું નથી કહેતા. ત્યારે તો આપણે તાળીઓ મારીએ છીએ કે જોયું, અમેરિકન પ્રેસિડન્ટ કેવો અમેરિકાનો માલ વેચી જાય છે. અને ૧૯૪૭થી લઈને ૧૯૯૦ સુધી આપણે સોશ્યલિસ્ટ પૉલિસીઓને ફૉલો કરી તો શું થયું? આખી દુનિયા આપણા કરતાં આગળ વધી ગઈ. ૧૯૯૧થી આપણે થોડું કૅપિટલિસ્ટ બન્યા તો ગ્રોથ થયો. દસગણી ઇકૉનૉમી વધી ગઈ. મારા હિસાબે સરકારનું કામ છે તમે માર્કેટને ફંક્શન કરવા દો. સરકાર એક રેફરી અથવા તો એમ્પાયરની જેમ હોવી જોઈએ, પ્લેયર નહીં. તમે એમ્પાયર તરીકે એન્શ્યૉર કરો કે દરેક પ્લેયર કાયદા પ્રમાણે ચાલે. એમાં કોઈ અનફેરનેસ ન હોય. કોઈ પ્લેયર સારો હશે તો ડબલ સેન્ચુરી રમશે અને કોઈ પ્લેયર ખરાબ રમશે તો ઝીરોમાં આઉટ થશે. જે પ્લેયર ઝીરોમાં આઉટ થશે એ બીજી મૅચમાં બહાર નીકળી જશે અને કોઈ નવો પ્લેયર એની જગ્યાએ આવશે. સરકારે રેગ્યુલેટર બનીને ઇકૉનૉમીનું સંચાલન કરવું જોઈએ અને પછી દરેક જણ પોતાની કાબિલિયત પ્રમાણે, પોતાના હાર્ડ વર્ક પ્રમાણે અને પોતાના ભણતર અને ગણતર પ્રમાણે આગળ આવશે. આજે મુંબઈમાં ૧૯૦ કિલોમીટરની રેલવે બનેલી ૧૮૫૩થી લઈને અત્યાર સુધીમાં અને નેક્સ્ટ પાંચ વર્ષમાં લગભગ આપણે ૩૫૦ કિલોમીટરની રેલવે બનાવીશું. હવે આ ખાલી અંબાણી-અદાણી માટેની રેલવે છે કે મધ્યમ વર્ગ માટેની પણ છે? ૧૯૪૭થી લઈને ૨૦૧૩ સુધીમાં ભારતે જેટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું છે જેમ કે રોડ, પોર્ટ, ઍરપોર્ટ, મેડિકલ કૉલેજ  વગેરે એટલું જ ૨૦૧૪થી ૨૦૨૪ વચ્ચે બની રહ્યું છે. એમાં ખાલી અંબાણી અને અદાણીના જ છોકરાઓ ભણવાના છે કે મિડલ ક્લાસના પણ ભણવાના છે? છતાં દરેક જણને એમ લાગે છે કે સરકારે મારા માટે શું કર્યું.’

જોકે આ સંદર્ભમાં કેટલીક સ્પષ્ટતા સાથે યોગેન્દ્ર યાદવ કહે છે, ‘આપણે ત્યાં છેલ્લાં ૭૫ પૉલિટિકલ પાવરના વર્ષમાં ગરીબોની વાત છે પરંતુ અમીરો પ્રત્યે ઇન્ક્લિનેશન રહ્યું છે. રૂલિંગ ક્લાસ અને પૉલિટિક્સ સાથે કનેક્ટેડ પણ રહ્યા છે. પરંતુ એની સાથે જ ગરીબોને કવરઅપ કરી આપવાની માનસિકતા સરકારની પૉલિસીઓમાં દેખાતી રહી છે. જેમ કે પોસ્ટ લિબરલાઇઝેશનમાં જ્યાં ઇનઇક્વૉલિટી વધી ત્યાં જ મનરેગા પણ આવી, નૅશનલ ફુડ સિક્યૉરિટી ઍક્ટ પણ આવ્યો. આ રસ્તા હતા સેફ્ટી નેટ પ્રોવાઇડ કરવાના ગરીબ જનતાને. પહેલી વાર એવું બન્યું છે જ્યાં કોઈ પણ પ્રકારના ગરીબો માટેના કવરિંગ મેઝર વિના આર્થિક અસમાનતા આ સ્તર પર વધી રહી છે. માત્ર રૅશનને બાદ કરતાં બાકી બધા જ સિક્યૉરિટી નેટ પરત લઈ લેવામાં આવ્યા. મનરેગા પાછી ખેંચાઈ. ઘણી સબસિડી બંધ થઈ. પહેલાં સરકારો કૉર્પોરેટ અને અમીરો માટે કામ કરતી પણ કલેક્ટિવલી અને પડદો રાખીને કામ કરતી. સરકાર કોઈ એક હાઉસને ફેવર કરતી હોય એવું નહોતું દેખાતું. તેઓ કૉર્પોરેટના કલેક્ટિવ ઇન્ટરેસ્ટ માટે કામ કરતી પણ ઇન્ડિવિજ્યુઅલ બેનિફિટ માટે નહીં. અત્યારે આપણી કેન્દ્ર સરકાર ડાયરેક્ટ અદાણીને બૅકિંગ આપી રહી છે એ સ્પષ્ટપણે દેખાય છે. અદાણીનો ગ્રોથ વીસગણો વધ્યો છે. આવું તો દુનિયાની હિસ્ટરીમાં ક્યારેય નથી થયું. ઓપનલી આ રીતે સરકાર કૉર્પોરેટને સપોર્ટ કરે એ વાત હવે પબ્લિકલી એક્સપોઝ થવી જોઈએ. આમાં તો નૅશનલ ઇન્ટરેસ્ટને નુકસાન થઈ રહ્યું છે. આમાં કૅપિટલિઝમને પણ નુકસાન થઈ રહ્યું છે.’

બધું જ સરકાર કરે એમ?

જેમ સરકારની જવાબદારી છે એમ નાગરિક તરીકે આપણી જવાબદારી પણ છે જ. નિલેશ શાહ કહે છે, ‘જૉન એફ. કેનેડીએ કહ્યું છે કે ડોન્ટ આસ્ક વૉટ કન્ટ્રી કૅન ડૂ ફૉર યુ, આસ્ક વૉટ યુ કૅન ડૂ ફૉર ધ કન્ટ્રી. આપણે બધાએ જ આપણા દેશ માટે આપણે શું કરી શકીએ એના પર ધ્યાન આપવું જોઈએ. એના ઉલ્લેખ સાથે નીલેશ શાહ કહે છે, ‘આપણે ત્યાં અપેક્ષા એ છે કે સરકાર આપણે ત્યાં આવીને ખાવાનું બનાવી જાય, અમને મોઢામાં ખવડાવી જાય અને અમે જે કચરો બહાર ફેંકીએ એ સાફ કરી જાય. આજે એક જાગૃત નાગરિક તરીકે મારી પણ ફરજ છે કે હું લોકોના પૈસા સારી રીતે મૅનેજ કરું... ગરીબમાં ગરીબ લોકોને હું સ્ટૉક માર્કેટમાં પૈસા રોકતાં શીખવું. ટ્રેડિંગ કરતાં રોકું અને ઇન્વેસ્ટર બનાવું અને તેમની વેલ્થ વધારું તો મેં મારા નાગરિક તરીકેનું કર્તવ્ય પૂરું કર્યું. હું ટૅક્સ ઈમાનદારીથી ભરી દઉં તો મેં મારું નાગરિક તરીકેનું કર્તવ્ય પૂરું કર્યું. પરંતુ અનફૉર્ચ્યુનેટલી એક મૂવી આવેલું જેમાં ડાયલૉગ હતો કે દરેક નાગરિક એમ ઇચ્છે છે કે એમના પાડોશીનો છોકરો સેનામાં જોડાય અને સરહદ પર લડાઈ લડે, પણ પોતાનો છોકરો ઘરે જ રહે. ગામના છોકરાનું આપણે બલિદાન આપવું છે, પણ પોતાના છોકરાને સેફ કરવો છે તો એ દેશ કેવી રીતે આગળ વધે? દરેકને સરકાર પાસેથી જોઈએ છે, પણ દેશ માટે તમે શું કરશો એ વિશે તમે વિચાર્યું છે? શું કામ ભારતનો ટૅક્સ ટુ જીડીપી રેશિયો આફ્રિકન દેશો કરતાં પણ બહુ ખરાબ છે? નાગરિક તરીકે આપણી ફરજ છે કે આપણે ટૅક્સ ભરીએ. ટૅક્સ ભરીશું તો રોડ બનશે, સ્કૂલ બનશે, કૉલેજ બનશે. પણ ટૅક્સ નહીં ભરીએ તો સ્કૂલ કે કૉલેજની આશા રાખીએ એ કેવી રીતે બને? સરકાર સામે એક આંગળી ચીંધીએ તો ચાર આંગળી આપણી તરફ આવે છે એનું ધ્યાન રાખવાનું.’

આનો ઉપાય શું?
સરકારે ધનવાન તરફી કાયદાઓ પર બ્રેક મારવી જ જોઈએ એમ જણાવીને જયનારાયણ વ્યાસ કહે છે, ‘આજે તમે જુઓ કે ગરીબમાં ગરીબ વ્યક્તિએ પાંચ રૂપિયાના પારલે જી માટે પણ અઢાર ટકા જીએસટી આપવાનો છે. તેણે લોટ અને તેલ પર પણ જીએસટી આપવાનો છે. કમ સે કમ સરકાર આવી રોજબરોજની જીવનજરૂરિયાતની વસ્તુઓ પર તો ટૅક્સ હટાવી શકે. તમે જોશો તો સમજાશે કે આપણી ટોટલ જીડીપી ઇન્કમમાં લગભગ ૫.૨ ટકા ઇન્ડાયરેક્ટ ટૅક્સમાંથી એટલે કે આપણે જે દર નાની વસ્તુ ખરીદતા કે દર નાની સર્વિસ લેતા પહેલાં જે ટૅક્સ ભરીએ છીએ એમાંથી આવે છે અને ડાયરેક્ટ ટૅક્સમાંથી સરકારને ૫.૩ ટકા આવક ટોટલ જીડીપીમાં થાય છે. તો શું સરકાર ઇન્ડાયરેક્ટ ટૅક્સ અમુક વસ્તુઓ પરથી હટાવીને એને ડાયરેક્ટ ટૅક્સમાં શિફ્ટ કરી ન શકે? એમ કરવામાં સરકારની આવક પર પણ અસર નહીં થાય અને મધ્યમવર્ગીય તથા ગરીબ લોકોની જરૂરિયાતની વસ્તુઓ સસ્તી થશે. તેમના હાથમાં બે પૈસા બચશે તો એ કાં તો વાપરશે અથવા તો બચત કરશે તો એનાથી પણ લાભ તો આપણા જ અર્થતંત્રને થવાનોને? મારી દૃષ્ટિએ સૌથી પહેલાં તો સરકારે એ સ્વીકારવું પડે કે હા, આપણી પૉલિસીમાં ખામીને કારણે આ અસમાનતા વધી છે. જો સ્વીકારશે જ નહીં તો પગલાં કેવી રીતે લઈશું? બીજું, ઇન્ડાયરેક્ટ ટૅક્સનું રૅશનલાઇઝેશન સરકાર કરે. જીવનજરૂરિયાતની વસ્તુઓ, ગરીબો અને મધ્યમ વર્ગના લોકોના વપરાશમાં આવતી વસ્તુઓ પરથી ટૅક્સ ઓછો કરે અને એ ખાંચો ડાયરેક્ટ ટૅક્સમાં વધારો કરીને ભરી દે.’

કદાચ તમે પેટ્રોલ ડ્યુટી-ફ્રી ન આપો પણ જે લોકો બે પૈડાંવાળું સ્કૂટર ચલાવે છે એમના માટે તો કર બાદ કરો તમે. લોઅર ઇન્કમ ગ્રુપને એજ્યુકેટ કરો. તમે લોટ અને કાંદા-બટેટા પર જીએસટી લગાવો છો?’

સોલ્યુશનની બાબતમાં યોગેન્દ્ર યાદવ કહે છે, ‘અસમાનતા ઘટાડવા આપણે વેલ્થ અને પ્રૉપર્ટી ટૅક્સની દિશામાં કોઈક નક્કર પગલાં સરકારે લેવાં જોઈએ. આવું થતું હતું અને આજે પણ ઘણી કૅપિટલિસ્ટ કન્ટ્રીમાં થાય છે. આજે મૉડલ ઑફ ડેવલપમેન્ટ અમુક જ ઇન્ડસ્ટ્રી પર ફોકસ કરવામાં આવ્યું છે જેથી લાભ અમુક સિલેક્ટેડ લોકોને મળે છે. એને બદલે જો મૅન્યુફૅક્ચર બેઝ્ડ ઇન્ડસ્ટ્રીને પૉલિસીનો સપોર્ટ મળે તો લાર્જર સ્કેલ પર ઘણા લોકોને એનાથી લાભ થાય.’

Whatsapp-channel Whatsapp-channel

22 January, 2023 11:12 AM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK