ગોલ્ડન વર્ડ્સ - એક ડાયરી બનાવી એમાં એક્સરસાઇઝ, ડાયટ અને ઊંઘ એમ ત્રણ સેક્શન બનાવો, જેમાં રોજ રાતે તમે તમારી જ જાતે આ ત્રણ બાબતમાં કેટલા માર્ક્સ આપવા જોઈએ એ નોટ કરો. થોડા દિવસ આ કરશો એટલે આપોઆપ તમને ખબર પડશે કે તમે કઈ દિશામાં જાઓ છો.
મોહિત મલ્હોત્રા
‘બડે અચ્છે લગતે હૈં’ સિરિયલમાં કાર્તિકના કૅરૅક્ટરથી ખૂબ પૉપ્યુલર થયેલો અને અગાઉ ‘સ્પ્લિટ્સ વિલા ટૂ’, ‘સસુરાલ ગેંદા ફૂલ’ જેવી સિરિયલો કરી ચૂકેલો મોહિત મલ્હોત્રા પોતે આ વાતને નિષ્ઠા સાથે ફૉલો કરે છે. શૂટિંગના વ્યસ્ત શેડ્યુલ વચ્ચે પણ તે કઈ રીતે પોતાની ફિટનેસ પર ધ્યાન આપે છે એ મોહિત પાસેથી જાણવા જેવું છે
તમે ક્યારેય માંદા નહીં પડો જો તમે ત્રણ બાબતોનું ધ્યાન રાખ્યું હશે તો.
ADVERTISEMENT
હું બહુ નાનો હતો ત્યારે આ વાત મેં ક્યાંક સાંભળી કે વાંચી હતી. યાદ નથી મને કે મેં એ ક્યાં વાંચ્યું હતું પણ મને લાગે છે કે આ વાક્ય મને મારી લાઇફમાં મળેલું બ્રહ્મવાક્ય છે. આ વાતથી બેસ્ટ વાત કોઈ હોય નહીં એવું હું સો ટકા કહીશ. હવે તમારી સાથે એ ત્રણ વાત શૅર કરું.
પહેલી, શરીરને સક્રિય રાખો. એક્સરસાઇઝ કરો, નિયમિત શારીરિક મૂવમેન્ટ માટે સમય ફાળવો અને એને વળગી રહો. બીજી વાત, કંઈ પણ ખાઓ પણ હેલ્ધી ખાઓ. બૅલૅન્સ્ડ ફૂડ લો અને ત્રીજી વાત. ઊંઘ સાથે કોઈ કૉમ્પ્રોમાઇઝ ન કરો. તમારી બૉડીને રેસ્ટની પૂરતી જરૂર હોય છે એટલે પૂરતી ઊંઘ લો. હું કહીશ કે આપણે આ ત્રણ વાતને ફૉલો કરવી જોઈએ. જો એને ફૉલો કરતા થઈ ગયા તો ખરેખર બીમારી આપણાથી બહુ દૂર રહેશે અને આપણે તંદુરસ્ત જીવન જીવી શકીશું.
પહેલેથી જ છું ઍક્ટિવ
હું નાનો હતો ત્યારથી ફિઝિકલી ઍક્ટિવ રહ્યો છું. ફિટનેસ મારી લાઇફસ્ટાઇલનો હિસ્સો હતો અને આજે પણ છે. મેં એવું નથી કર્યું કે ચાલો હવે ઍક્ટિંગ ફીલ્ડમાં જવું છે એટલે વધુ ફિટ રહેવાના પ્રયાસ કરું અને પહેલાં બિલકુલ કૅર નહોતો કરતો. મારી જ નહીં, કોઈની પણ આ રીત ખોટી છે. હું કહીશ કે તમારી ઉંમર, તમારા પ્રોફેશન કે તમારા ફાઇનૅન્શિયલ સ્ટેટસ સાથે કોઈને કંઈ જ લેવાદેવા નથી. તમારે તમારી હેલ્થનું બહુ જ ધ્યાન રાખવાની જરૂર છે અને આ કહેવાની કે સમજાવવાની વાત નથી, આ જરૂરિયાત છે અને આ જરૂરિયાતને સૌકોઈએ લાઇફમાં સામેલ કરવી જોઈએ. મારું માનવું છે કે દરેક બાળકને નાનપણથી જ એ માટેની ટ્રેઇનિંગ સ્કૂલમાં જ મળી જવી જોઈએ. સ્કૂલ-કૉલેજમાં ફિઝિકલ ટ્રેઇનિંગનો સબ્જેક્ટ હોય છે પરંતુ એ માટેનો અપ્રોચ બહુ જ કામચલાઉ રહ્યો છે. લોકોએ આ દિશામાં વધુ સભાન થવાની જરૂર છે. મારો ભાઈ ફિટનેસ માટે ખૂબ ઍક્ટિવ હતો, તેને જોઈને હું ઘણું શીખ્યો છું.
જ્યારે જે ગમે એ કરો
ફિઝિકલ એક્સરસાઇઝ કરવી જરૂરી છે, પરંતુ એમાં તમારે ફ્લેક્સિબલ રહેવું પણ એટલું જ જરૂરી છે. મારી વાત કરું તો મારો નિયમ ક્લિયર છે. દરરોજ સવારે સાડા છએ ઊઠવાનું અને સાડાસાતે વર્કઆઉટ માટે જવાનું. એ વર્કઆઉટમાં યોગ પણ હોય, પિલાટેઝ હોય કે પછી જિમ પણ હોય. ઇન ફૅક્ટ હું તો કલરીપયટ્ટુ પણ કરું છું. તમે દરેક વસ્તુ કરો પણ જો એમાં તમને વેરિયેશન મળતું હોય તો જ. ઘણા લોકોને આટલુંબધું બદલાયા કરે એ ન ગમે તો તેઓ કોઈ પણ એક જ ફૉર્મને પણ ફૉલો કરી શકે. શૂટિંગ હોય તો પણ દિવસનો એક કલાક જાત માટે, પ્રૅક્ટિસ માટે હું કાઢી જ લેતો હોઉં છું અને મને લાગે છે કે આ જે ડેડિકેશન છે એણે જ મારી હેલ્થને અકબંધ રાખી છે.
મોટિવેશન ક્યાંથી મળે?
ઘણા લોકો મને પૂછતા હોય છે કે તું એકધારા વર્કઆઉટ કે પછી હેલ્થ માટેની ડિસિપ્લિનથી બોર નથી થતો? મારો એક જ જવાબ હોય છે, જ્યારે તમે કન્સિસ્ટન્ટ્લી કંઈ કરો અને જ્યારે તમને એનું પરિણામ દેખાવા માંડે ત્યારે તમારું બોરડમ ગાયબ થઈ જાય છે. તમે એ પરિણામથી પ્રેરિત થઈને સાચા માર્ગે ચાલતા જ રહો. હું ખાવાનો શોખીન છું અને જ્યારે પણ કોઈ નવા સિટીમાં જાઉં ત્યારે ત્યાંની ટ્રેડિશનલ આઇટમો ટ્રાય કરું જ કરું. જોકે એ પછીયે વર્કઆઉટમાં અને ડાયટમાં બૅલૅન્સ ખોરવાઈ જાય એવું નથી કરતો. બૅલૅન્સ બહુ જ મહત્ત્વનું છે. હું કાર્બ્સ, પ્રોટીન અને ફાઇબર બરાબર ખાઉં છું કે નહીં એ દરેક મીલ વખતે મારા મનમાં હોય છે. ફૂડને હું એન્જૉય કરું છું પરંતુ કૉન્શિયસલી એ પણ યાદ રાખું છું કે હેલ્ધી રહેવા માટે ખાવાનું કઈ રીતે બૅલૅન્સ કરવાનું છે. રાજમા-ચાવલ, રસગુલ્લા, ગુલાબજાંબુ મારા ફેવરિટ છે. અત્યારે બોલું છું ત્યારે પણ મોઢામાંથી પાણી આવી જાય છે છતાં ક્યારેય એને અનકન્ટ્રોલ્ડ નથી થવા દેતો. વર્કઆઉટમાં ડિસિપ્લિન મહત્ત્વનું છે તો ડાયટમાં જો કંઈ સૌથી વધારે મહત્ત્વનું હોય તો કન્ટ્રોલ છે.


